આણંદ શહેરમાં દાયકા જૂનું ડૉ. આંબેડકર ભવન ખંડેર હાલતમાં

આંબેડકર ભવનનું રિનોવેશન ન થતા સમાજના કાર્યક્રમોને લઈને હાલાકી. ભવનમાં બેઠક અને સ્ટેજની વ્યવસ્થા નથી, સાઉન્ડ સિસ્ટમનો પણ અભાવ.

આણંદ શહેરમાં દાયકા જૂનું ડૉ. આંબેડકર ભવન ખંડેર હાલતમાં
image credit - Google images

આમ જોવા જઈએ તો આ સ્થિતિ લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે, જ્યાં દલિત સમાજ માટે ડો. આંબેડકરના નામે નિર્માણ પામેલી જગ્યાઓ ખંડેર હાલતમાં હોય. અમદાવાદમાં રાણીપ સ્થિત ડો. આંબેડકર સ્મારક ભવનને લઈને દલિત સમાજ આંદોલન કરી રહ્યો છે, છતાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્યાં હવે આણંદમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં ડો. આંબેડકર ભવન ખખડધજ હાલતમાં છે.

મળતી માહિતી પ્રમાણે આણંદ શહેરના વ્યાયામ શાળા નજીક 2013માં ડો. આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ વખતે સરકાર દ્વારા માત્ર હોલ બનાવીને આપવામાં આવતો અને બાકીની વ્યવસ્થા સ્થાનિક લોકોની મદદથી કરવાની હતી. પરંતુ હાલમાં સરકાર દ્વારા આંબેડકર ભવનમાં સિટીંગ વ્યવસ્થા સહિત સુવિધા પુરી પાડવામાં આવે છે છતાં અહીં યોગ્ય બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી નથી. અહીં સ્ટેજની પણ વ્યવસ્થા નથી અને સાઉન્ડ સીસ્ટમના અભાવે કાર્યક્રમોમાં કરવામાં પણ તકલીફો પડે છે. ભવન ખાતે યોગ્ય વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ નથી. સાથે સાથે કેટલાક સ્થળોએ બ્લોક પણ ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે. 

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, આ ભવનને 10 વર્ષ થઇ ગયા હોવાથી કેટલીક જગ્યાએ હોલમાં મરામતની જરૂરીયાત ઉભી થઇ છે. જેથી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આણંદ માર્ગ મકાન વિભાગને લેખિતમાં રજૂઆત કરીને રીનોવેશન અને ઇલેક્ટ્રીક સમારકામ માટે બે થી ત્રણ વખત રજૂઆત કરાઈ છે પરંતુ કામગીરી હાથ ધરાતી નથી. જેના કારણે દલિત સમાજનો લોકો સામાજીક કાર્યક્રમો યોજી શકતા નથી. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ડો આંબેડકર ભવનનું નવેસરથી રીનોવેશન કરીને બાકી કામગીરી પૂર્ણ કરવી જોઈએ તેવી માગ ઉઠી છે.

આ તરફ માર્ગ અને મકાન વિભાગના સૂત્રો કહે છે કે, ડો આંબેડકર ભવનના બિલ્ડીંગનો માર્ગ મકાન વિભાગમાં સમાવેશ થતો નથી. જેથી તેની ગ્રાન્ટ જે તે વિભાગને મળતી હોય છે. સમાજ કલ્યાણ વિભાગની રજૂઆતના પગલે વિભાગ તપાસ કરીને એસ્ટીમેટ કાઢી આપશે. તે મુજબની ગ્રાન્ટ જે તે વિભાગ દ્વારા ફાળવવામાં આવશે એટલે રિનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. જોવાનું એ રહેશે કે સરકાર ગ્રાન્ટ ક્યારે ફાળવે છે.

આ પણ વાંચો: ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના બાકી કામો મુદ્દે મંત્રી ભાનુબહેનને અરજી કરાઈ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.