તિરુપતિ જઈ રહેલા શ્રદ્ધાળુઓની બસને ટ્રકે ટક્કર મારી, 9 ના મોત
કોલાર નજીક એક મોટા અકસ્માતમાં બેંગ્લુરૂથી તિરુપતિ દર્શને જઈ રહેલી બસને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં અનેક લોકોના મોત થયા છે.
ભારત દેશમાં સૌથી વધુ લોકોના મોત ધાર્મિક યાત્રાએ જતી વખતે થાય છે. આવો જ વધુ એક અકસ્માત કોલાર નજીક આજે સવારે થયો હતો. અહીં એક ટ્રકે મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. આ બસ મુસાફરો સાથે બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૯ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અકસ્માતમાં ૧૫થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. હાલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમજ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી હતી. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ માર્ગ અકસ્માત કોલાર નજીક નરસાપુરમાં થયો હતો. બસ બેંગલુરુથી તિરુપતિ જઈ રહી હતી. અકસ્માત બાદનો ઘટનાનો વીડિયો પણ પ્રકાશમાં આવ્યો છે વીડિયોમાં બસ ક્ષતિગ્રસ્ત હાલતમાં જોઈ શકાય છે. તે સ્થળ પર ટ્રક પણ દેખાય છે. પેસેન્જર બસના ફુરચાં ઊડી ગયા છે અને રસ્તા પર પડેલાં જોવા મળે છે. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો.
આ પણ વાંચો: ભંતે ચંદિમા થેરો સહિત સેંકડો બૌદ્ધ ભિખ્ખુઓ સારનાથથી લુમ્બિનીની ધર્મયાત્રા પર
અકસ્માત બાદ સ્થાનિક પોલીસને દુર્ઘટનાની માહિતી આપવામાં આવી હતી, ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માતને કારણે રસ્તા પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને પોલીસે કાર્યવાહી પૂર્ણ કરવાની સાથે દૂર કરી ફરી શરૂ કર્યો હતો. તેની સાથે જ રાહત અને બચાવ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાની કામગીરી કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં ૨૪ કલાકમાં આ બીજી મોટી દુર્ઘટના છે. ગઈકાલે અહીં માંડ્યા જિલ્લાના નાગમંગલા તાલુકામાં શ્રીરામનહલ્લી ગેટ પાસે કાર અને ટેન્કર વાહન વચ્ચેની અથડામણમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો: વૈષ્ણોદેવીના દર્શન જતી બસના ભયંકર અકસ્માતમાં 7 લોકોના મોત