વૈષ્ણોદેવીના દર્શન જતી બસના ભયંકર અકસ્માતમાં 7 લોકોના મોત

વેકેશન દરમિયાન ધાર્મિક સ્થળોએ કિડીયારું ઉભરાય તેમ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે જેના કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધી ગયું છે.

વૈષ્ણોદેવીના દર્શન જતી બસના ભયંકર અકસ્માતમાં 7 લોકોના મોત

વેકેશનની સિઝન ચાલી રહી છે ત્યારે દેશભરમાં ધાર્મિક સ્થળો પર કિડિયારું ઉભરાય તેમ લોકો ઉમટી પડ્યાં છે. જેના કારણે અકસ્માતોની સંખ્યા પણ વધી ગઈ છે. આવી જ એક ઘટના બની છે, જેમાં માતા વૈષ્ણોદેવીના દર્શને જઈ રહેલા એક શ્રદ્ધાળુ પરિવારની મિની બસને ટ્રકે ટક્કર મારતા એક જ પરિવારના ૭ લોકોના મોત થયાં છે. હરિયાણાના અંબાલામાં ગઈકાલે મોડી રાત્રે બનેલી આ ઘટનામાં એક ટ્રક અને મિની બસ વચ્ચે ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં લગભગ સાત લોકોના મોત થયા છે, જે એક જ પરિવારના હતા. આ સિવાય 25 થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળે છે. અકસ્માત દિલ્હી જમ્મુ નેશનલ હાઇવે પર સર્જાયો છે.

ડ્રાઈવર દારૂના નશામાં હતો

મળતી માહિતી પ્રમાણે મિની બસમાં બેઠેલા લોકો વૈષ્ણોદેવી દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. રસ્તામાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી અને મિની બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બસમાં મુસાફરી કરનાર એક યુવતીના જણાવ્યા પ્રમાણે ડ્રાઇવર દારૂના નશામાં હતો, જે અકસ્માત થતા જ બસ છોડીને ભાગી ગયો હતો. બસમાં ૩૦ થી ૩૫ લોકો હતા અને માતા વૈષ્ણોદેવીના દર્શને જઈ રહ્યા હતા.

ચિત્રકૂટથી આવી રહેલા પરિવારને અકસ્માત નડ્યો

અન્ય એક આવો જ અકસ્માત ઉત્તરપ્રદેશના બાંદામાં થયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા અને અડધો ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે ઓટોને ટક્કર મારતા તેમાં સવાર તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ટ્રકની ટક્કરથી તમામ ઓટો સવાર રોડ પર ફંગોળાઈ જતા સમગ્ર વિસ્તાર તેમની ભયજનક કિકિયારીઓથી કંપી ઉઠ્યો હતો. રાહદારીઓએ અકસ્માતની પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તમામ ઘાયલોને એમ્બુલન્સ દ્વારા હોસ્પિટલ લઇ ગઇ હતી. અહીં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો એક મહિલાનું કાનપુરમાં મોત નિપજ્યું હતું. અન્ય ઈજાગ્રસ્તોની બાંદા મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. 

ઘાયલોના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેઓ સૌ એક જ પરિવારના છે અને ચિત્રકૂટ દર્શન કરીને પરત આવી રહ્યા હતા એ દરમિયાન સામેથી આવતી એક ટ્રકે તેમની ઓટોને ટક્કર મારી હતી. ટ્રક વર્તમાન સાંસદ સુનીલ સિંહ પટેલના પુત્રની છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ઓટોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. પરિવારજનોએ પોલીસ પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચો: Exclusive: ભારતમાં દરરોજ 3 શ્રમિકોના કામના સ્થળે જીવલેણ  અકસ્માતમાં મોત થાય છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.