માયાવતીએ માન્યવર કાંશીરામને ભારત રત્નથી સમ્માનિત કરવાની માંગ કરી, કેન્દ્ર સરકાર ભીંસમાં

લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે આજે વધુ ત્રણ મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે, ત્યારે બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ બહેન કુમારી માયાવતીજીએ માન્યવર કાંશીરામના વંચિત-પીડિત સમાજ માટેના સંઘર્ષને યાદ કરીને તેમને પણ ભારત રત્ન આપવાની માંગ કરી છે.

માયાવતીએ માન્યવર કાંશીરામને ભારત રત્નથી સમ્માનિત કરવાની માંગ કરી, કેન્દ્ર સરકાર ભીંસમાં

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કહ્યું કે માન્યવર કાંશીરામે દલિતોના હિત માટે જે સંઘર્ષ કર્યો છે તે કોઈથી ઓછો નથી. માટે તેમને પણ દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મળવો જોઈએ.

બસપા સુપ્રીમોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારે જે પણ હસ્તિઓને ભારત રત્નથી સમ્માનિત કરી છે, હું તેમનું સ્વાગત કરું છું, પરંતુ આ મામલે દલિત હસ્તિઓનો તિરસ્કાર કરવો અને તેમની ઉપેક્ષા કરવી બરાબર નથી. સરકારે આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ.

માયાવતીએ કહ્યું કે બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરને લાંબી રાહ બાદ વીપી સિંહની સરકારમાં ભારત રત્ન આપવામાં આવ્યો હતો. બાબાસાહેબ પછી દલિતો-વંચિતોના મસીહા માન્યવર કાંશીરામે આ સમાજના હિતમાં જે સંઘર્ષ કર્યો તે બીજા કોઈપણ મહાનુભાવ કરતા જરાય ઓછો નથી. તેથી અમે માંગ કરીએ છીએ કે તેમને પણ 'ભારત રત્ન'થી સન્માનિત કરવામાં આવે.

બીજી તરફ, બહેનજીની આ માંગને કારણે કેન્દ્ર સરકાર પર ભીંસ વધી છે. જો માયાવતીની આ માંગને અવગણે તો દલિત મતોનું નુકસાન થવાની ભીતિ રહે છે. આ સ્થિતિમાં આગામી દિવસોમાં જો માન્યવર કાંશીરામને પણ ભારત રત્ન મળે તો નવાઈ નહીં.

ઉલ્લેખનીય છે કે, આજે સવારે કેન્દ્રની મોદી સરકારે હરિયાળી ક્રાંતિના જનક ડૉ. એમ.એસ. સ્વામીનાથન, ભૂતપૂર્વ વડાપ્રધાનો ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. આમ લોકસભાની ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકાર પાંચ હસ્તિઓને ભારત રત્ન આપવાની જાહેરાત કરી ચૂકી છે, ત્યારે બહેનજીએ પણ તક જોઈને માન્યવર કાંશીરામને ભારત રત્ન આપવાની વર્ષો જૂની માંગ દોહરાવી દીધી છે.

આ પણ વાંચો : ઓબીસી સમાજના મસીહા કર્પૂરી ઠાકુરને મળશે ભારતરત્ન, જન્મ શતાબ્દીની પૂર્વસંધ્યાએ જાહેરાત

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.