સંતરામપુરની આર્ટ્સ કૉલેજના ડૉ. માલિની ગૌતમને મળ્યું પ્રતિષ્ઠિત અમર ઉજાલા શબ્દ સન્માન

આદિવાસી પટ્ટાના સમાચારો આપણે ત્યાં મુખ્યધારાના મીડિયામાં ભાગ્યે જ સ્થાન પામે છે. ઘટના બહુ મોટી હોય તો પણ બને ત્યાં સુધી તેને અવગણવામાં આવે છે. આવું જ કંઈક આ સમાચાર બાબતે પણ કહી શકાય. મહિસાગર જિલ્લાની સંતરામપુર આર્ટ્સ કૉલેજના પ્રોફેસર માલિની ગૌતમને હિન્દીના પ્રતિષ્ઠિત અખબાર અમર ઉજાલાનો ‘ભાષા બંધુ’ ઍવોર્ડ જાહેર થયો છે, પણ તેની નાનકડી નોંધ પણ મુખ્યધારાના મીડિયામાં જોવા મળી નથી. ત્યારે શું છે આ સન્માન અને ડૉ. માલિની ગૌતમની આ સિદ્ધિ શા માટે મહત્વની છે તે વિસ્તારથી સમજીએ.

સંતરામપુરની આર્ટ્સ કૉલેજના ડૉ. માલિની ગૌતમને મળ્યું પ્રતિષ્ઠિત અમર ઉજાલા શબ્દ સન્માન

હિન્દીના પ્રતિષ્ઠિત સમાચારપત્ર અમર ઉજાલા દ્વારા દર વર્ષે અમર ઉજાલા શબ્દ સન્માન પુરસ્કાર આપવામાં આવે છે. જે અંતર્ગત વિવિધ ભાષાની શ્રેષ્ઠ કૃતિઓના લેખકને એવોર્ડ આપી સન્માનિત કરાય છે. હાલમાં જ અમર ઉજાલા શબ્દ સન્માન 2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના મહિસાગર જિલ્લાના સંતરામપુરની આદિવાસી આર્ટ્સ કોલેજના અંગ્રેજી વિભાગના પ્રોફેસર ડૉ. માલિની ગૌતમની તેમના અનુવાદિત પુસ્તક ‘ગુજરાતી દલિત કવિતા’ માટે "ભાષા બંધુ" પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. અમર ઉજાલા દ્વારા આ પુરસ્કાર અનુવાદના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કૃતિને આપવામાં આવે છે. પુરસ્કાર સ્વરૂપે તેમને માર્ચ મહિનામાં દિલ્હીમાં આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં એક લાખ રૂપિયા, પ્રશસ્તિપત્ર અને ગંગા પ્રતિમા આપવામાં આવશે.

ડૉ. માલિની ગૌતમને અમર ઉજાલા જેવા પ્રતિષ્ઠિત હિન્દી સમાચારપત્રનું આ સન્માન પ્રાપ્ત થતા મહિસાગર જિલ્લા અને દક્ષિણ ગુજરાતના આદિવાસીપટ્ટા ઉપરાંત ગુજરાતભરના વંચિત, શોષિત સમાજમાં ખુશીની લહેર ફરી વળી છે. અમર ઉજાલા શબ્દ સન્માન પુરસ્કાર હેઠળ ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે ‘ભાષા બંધુ’ સન્માન એનાયત કરવામાં આવે છે. જેમાં વર્ષ 2023 માટે ડૉ. માલિની ગૌતમને ‘ગુજરાતી દલિત કવિતા’ ના હિન્દી અનુવાદ માટે આપવામાં આવશે.

શું છે અમર ઉજાલા શબ્દ સન્માન

અમર ઉજાલા શબ્દ સન્માન હિન્દીના પ્રખ્યાત સમાચારપત્ર અમર ઉજાલા દ્વારા આપવામાં આવે છે. અમર ઉજાલા ગ્રુપના સલાહકાર અને શબ્દ સન્માનના સંયોજક યશવંત વ્યાસના જણાવ્યા પ્રમાણે અમર ઉજાલા ફાઉન્ડેશને 2018માં શબ્દ સન્માનની સ્થાપના કરી હતી. જેમાં સર્વોચ્ચ ‘આકાશદીપ’ સન્માન હિન્દી અને અન્ય ભારતીય ભાષાના એક એક સાહિત્યકારને એનાયત કરવામાં આવે છે. જેમાં 5 લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને પ્રતીકના રૂપમાં ગંગા પ્રતિમા સામેલ છે. તેની સાથે જ વર્ષની શ્રેષ્ઠ કૃતિને પણ સન્માનિત કરવામાં આવે છે. જેમાં ભાષાઓ વચ્ચેનું અંતર દૂર થાય અને તેમની વચ્ચે આદાનપ્રદાન વધે તે માટે ભાષાંતરના ભાષાબંધુ એવોર્ડનો પણ સમાવેશ થાય છે.

અમર ઉજાલા શબ્દ સન્માન 2023 અંતર્ગત વર્ષ 2022માં પ્રકાશિત શ્રેષ્ઠ હિન્દી કૃતિઓ માટે શબ્દ સન્માનની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ‘છાપ’ કેટેગરીમાં કવિતા વર્ગમાં કુમાર અમ્બુજના સંગ્રહ ‘ઉપશીર્ષક’ને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ કરવામાં આવી છે. ફિક્શન કેટેગરીમાં મનોજ રૂપરાના વાર્તા સંગ્રહ 'દહન' અને નોન-ફિક્શન કેટેગરીમાં દલપતસિંહ રાજપુરોહિતની કૃતિ 'સુંદર કે સ્વપ્ન'ને વર્ષની શ્રેષ્ઠ કૃતિ તરીકે સન્માનિત કરવામાં આવશે. ચિન્મયી ત્રિપાઠીને તેમની પહેલી કૃતિ ‘અપની કહી’ને કોઈપણ લેખકની પહેલી કૃતિ માટેનું થાપ સન્માન એનાયત થશે.

જ્યારે ભારતીય ભાષાઓમાં અનુવાદ માટે ભાષા-બંધુ એવોર્ડ માલિની ગૌતમને તેમના 'ગુજરાતી દલિત કવિતા'ના હિન્દી અનુવાદ માટે એનાયત કરવામાં આવશે. આ સન્માનોમાં પ્રત્યેકને 1 લાખ રૂપિયાની રકમ, પ્રશસ્તિપત્ર અને પ્રતીક તરીકે ગંગા પ્રતિમાનો સમાવેશ થાય છે.

પ્રસિદ્ધ કવિ નરેશ સક્સેના, જાણીતા વાર્તાકાર ચિત્રા મુદગલ, જાણીતા લેખક શાજી જમાન, જાણીતા લેખક આલોક ભલ્લા અને જાણીતા કવિ અષ્ટભુજા શુક્લાનો સમાવેશ કરતી ઉચ્ચ-સ્તરીય જ્યુરીએ તેમના પોતાના માપદંડો પર આ રચનાઓનું પરીક્ષણ કર્યું છે. આ સન્માન આવતા મહિને એક સમારંભમાં વિજેતાઓને એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો : કચ્છના મુંદ્રામાં દલિતોને 6 દાયકા પહેલા સાંથણીમાં મળેલી જમીનો હજુ નિયમિત નથી થઈ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.