રમણલાલ વોરાએ આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહ્યાં

ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ ભાજપના જ એક મહિલા કાર્યકર્તાને જાહેરમાં અપશબ્દો બોલતા મામલો બિચક્યો છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટમાં.

રમણલાલ વોરાએ આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહ્યાં
image credit: Naresh Makwana

લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે ત્યારે ઈડરના અનુસૂચિત જાતિ સમાજની અનામત સીટ પર ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ તેમના જ પક્ષની એક આદિવાસી મહિલા કાર્યકરને જાહેરમાં અપશબ્દો કહેતા હોબાળો મચી ગયો છે. માહોલ વધુ ઉગ્ર બનતા અન્ય સિનિયર નેતાઓએ વચ્ચે પડવું પડ્યું હતું, જો કે એ પછી પણ તેમણે અન્ય એક કાર્યકર સાથે પણ ગેરવર્તન કરતા મામલો બિચક્યો છે.

મળતી વિગતો પ્રમાણે ગઈકાલે સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં આવેલ કચ્છી સમાજવાડી ખાતે ભાજપના કાર્યકરોની ઘર ઘર સંપર્ક માટેની એક બેઠક ચાલી રહી હતી. જેમાં લોકસભા બેઠકના દુષ્યંત પંડ્યા, સંયોજક જે.ડી. પટેલ, જિલ્લા પ્રભારી ગજેન્દ્ર સકસેના સહિતના નેતાઓ, પદાધિકારીઓ પણ હાજર હતા. આ સિવાય સાબરકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કનુ પટેલ, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા પણ ઉપસ્થિત હતા. હાલમાં જ ભાજપે અહીં લોકસભા ચૂંટણી માટે કૉંગ્રેસના આયાતી ઉમેદવારના પત્ની શોભના બારૈયાની ટિકિટ આપી છે, જેની સામે ભાજપના સંનિષ્ઠ કાર્યકરોમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આ અંગે રજૂઆત કરવા માટે કેટલાક કાર્યકરો અને મહિલા કાર્યકરો બેઠકના સ્થળે પહોંચી હતી. એ દરમિયાન ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાએ પિત્તો ગુમાવ્યો હતો અને ઉપસ્થિત મહિલા કાર્યકરોને અપશબ્દો કહ્યા હતા. જેને લઈને હોબાળો મચી ગયો હતો.

ભાજપના સ્થાનિક કાર્યકરો પાસેથી મળતી માહિતી પ્રમાણે રમણલાલ વોરાએ જેમને અપશબ્દો કહ્યા હતા તે અનસુયાબેન ગામેતી સાબરકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન છે અને આદિવાસી સમાજમાંથી આવે છે. ભાજપના એક કાર્યકરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એક બાજુ પક્ષ મહિલા સશક્તિકરણની વાતો કરે છે, બીજી તરફ ખુદ ચૂંટાયેલા ધારાસભ્યો જાહેરમાં મહિલાઓને બેફામ અપશબ્દો બોલે છે, જે સાંખી લેવાય તેમ નથી. તેમણે જે મહિલાને ગાળો ભાંડી તેઓ ઉચ્ચ હોદ્દા પર બિરાજે છે જેને લઈને હવે આદિવાસી સમાજમાં પણ રોષ છે. આ મામલે આગળ કંઈ નવાજૂની થાય તો નવાઈ નહીં.

મહિલા કાર્યકરોએ પોલીસ ફરિયાદ કરવા સુધીની વાત કરી હતી
આ હોબાળો નજરે જોનાર એક કાર્યકરે જણાવ્યું હતું કે, રમણલાલ વોરાએ જે રીતે આદિવાસી મહિલા કાર્યકરનું અપમાન કર્યું હતું તેને લઈને તેઓ ભારે રોષે ભરાયા હતા અને પોલીસ ફરિયાદ કરવા સુધીની વાત કરતા હતા. પરંતુ પક્ષના અન્ય સિનિયર નેતાઓએ તેમને રોક્યા હતા. જો કે વાત આટલેથી અટકી નહોતી અને રમણલાલ વોરાએ ઈડર તાલુકા પંચાયતના સભ્ય નવીન પટેલને પણ રજૂઆત કરતા અટકાવ્યા હતા અને તેમને પણ અપશબ્દો કહ્યાં હોવાનું કહેવાય છે. જેના કારણે તેમના વર્ચસ્વ ધરાવતા ઈડર તાલુકાના જવાનગઢ, વસાઈ સહિતના ગામોના કાર્યકરોમાં પણ રોષ ફેલાયો હતો.

તલોદ શહેર ભાજપ મહામંત્રીએ વી.ડી. ઝાલા વિરુદ્ધ સી.આર. પાટિલને પત્ર લખ્યો
હિંમતનગરમાં યોજાયેલી આ બેઠકમાં બીજો પણ એક મોટો ડખો સામે આવ્યો હતો. જેમાં તલોદ શહેર ભાજપના મહામંત્રી વિનુ સુથાર સાથે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ગેરવર્તન કર્યું હતું. આ મામલે વિનુ સુથારે છેક ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલને પત્ર લખ્યો છે. પત્રમાં વિનુ સુથારે લખ્યું હતું કે, તા.૨૭-૦૩-૨૦૨૪ના રોજ હિંમતનગર ખાતે જિલ્લા સંગઠનની ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગતની બેઠકમાં મેં હાજરી આપી હતી. મિટીંગ પુરી થયા બાદ સૌ બહાર નીકળતા હતા એ દરમિયાન સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાના વિરોધમાં જિલ્લા ભાજપની અનેક મહિલા સભ્યો અને કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા હતા. જેમાં બડોલીના જિલ્લા સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન, અનસુયાબેન ગામેતી પણ હતા. એ દરમિયાન પૂર્વ શિક્ષણમંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને તેમની સાથે બોલાચાલી થઈ હતી. જેમાં તેમણે વચ્ચે પડીને રમલાલ વોરાને આવું વર્તન ન કરવા વિનંતી કરી હતી. આથી બાજુમાં ઉભેલા પૂર્વ કાયદામંત્રી અને હિંમતનગરના વર્તમાન ધારાસભ્ય વી.ડી.ઝાલાએ તેમની સાથે અશોભનીય વર્તન કર્યું હતું. હું સંઘનો જૂનો કાર્યકર છું અને હાલ તલોદ શહેરમાં મહામંત્રી તરીકે સેવા આપી રહ્યો છું, પાર્ટીમાં વફાદારી સાથે કામ કરું છું તેમ છતાં પક્ષના જ ધારાસભ્ય મારા જેવા કાર્યકર સાથે અશોભનીય વર્તન કરે છે તે દુઃખની વાત છે. આ બાબતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય સામે યોગ્ય શિક્ષાત્મક પગલાં લેશો.”

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા લોકસભા બેઠક પર હાલ ભાજપ માટે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ છે. અહીં પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ અપાઈ હતી, પણ સૂત્રોના મતે તેમની અટક ઠાકોર નહીં ડામોર છે એ પ્રકારની પત્રિકા ખુદ પક્ષના જ અસંતુષ્ટોએ વહેતી કરીને તેમને ચૂંટણી ન લડવાનો નિર્ણય લેવા મજબૂર કર્યા હતા. એ પછી ભાજપ મોવડીમંડળે કૉંગ્રેસના આયાતી ઉમેદવાર મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બારૈયાને ટિકિટ આપી હતી. પરંતુ તેમની સામે તેનાથી પણ વધુ મોટો વિરોધ થઈ રહ્યો છે. આ જ બાબતે ભાજપની મહિલા કાર્યકરો વિરોધ નોંધાવવા પહોંચી હતી, જ્યાં રમણલાલ વોરાએ પિત્તો ગુમાવ્યો હતો અને પક્ષની મહિલાઓને અપશબ્દો કહ્યાં હતા. જેના પડઘા સમગ્ર ઉત્તર ગુજરાતમાં પડ્યાં છે. 

આગળ વાંચોઃ રાજકીય પાવરહાઉસ ગણાતી અમદાવાદ પશ્ચિમ SC અનામત બેઠક પર ‘મકવાણા Vs. મકવાણા’નો જંગ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.