આજે શ્રમિકોના તારણહાર પ્રોફેસર અબ્દુલ બારીની પુણ્યતિથિ
આજે પ્રોફેસર અબ્દુલ બારી સાહેબની પુણ્યતિથિ છે. આજીવન મજૂરો માટે લડતા રહેલા બારી સાહેબની ગોળી મારીને હત્યા કરવામાં આવેલી. તેમની કામગીરીને પાલનપુરી લેખક હિદાયત પરમાર અહીં વિસ્તારથી યાદ કરે છે.

આજે શ્રમિકોના તારણહારનું જેમને બિરુદ મળેલું છે તેવા પ્રો. અબ્દુલ બારીની પુણ્યતિથિ છે. એક સમયની વાત છે. શ્રમિકોમાં ભારે અસંતોષ ફેલાઈ રહ્યો હતો. 1937-38માં બિહારમાં 11 શ્રમિક હડતાળો થઈ. 1938-39માં એ સંખ્યા વધી ગઈ. આ શ્રમિકોને કોઈ સાંભળવાવાળું ન હતું. પ્રોફેસર અબ્દુલ બારી તેમનો અવાજ બન્યા અને તેમણે તેમના નેતૃત્વમાં એક શ્રમિક સંઘ સ્થાપિત કર્યું. બારી સાહેબના નેતૃત્વવાળા સંગઠનોમાં ટાટા વર્કર્સ યુનિયન સૌથી પ્રમુખ હતું. ડિસેમ્બર 1938 માં બિહટા ખાંડ મીલના ક્ષેત્રમાં એક સભા થઈ. જેમાં પ્રોફેસર અબ્દુલ બારી અને રામવૃક્ષ બેનીપુરીએ ભાષણ આપ્યું અને એક શ્રમિક સંઘની સ્થાપના કરવામાં આવી. શ્રમિક સંઘ તરફથી માલિકોને 20 ડિસેમ્બર સુધી તેમની માંગ પુરી નહીં કરવામાં આવે તો હડતાળ કરવાની ધમકી આપવામાં આવી. વસ્તુતઃ બિહટા ખાંડ મીલ અને થોડી અન્ય મીલોમાં ડિસેમ્બર અંત સુધી હડતાળો શરૂ થઈ, પરંતુ થોડાક દિવસોમાં સમાપ્ત થઈ ગઈ.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ તેમની આત્મકથામાં લખે છે કે, 'પ્રોફેસર અબ્દુલ બારી ત્યાં સુભાષચંદ્ર બોઝની મદદ કરી રહ્યા હતા. મેં પણ, મારા સુબામાં હોવાને કારણે અને મજદૂરોની માંગોને ન્યાયયુક્ત સમજીને આ હડતાળનું સમર્થન કર્યું. એના પછી તેને ચલાવવાનો શરૂઆતનો બધો જ ભાર પ્રોફેસર અબ્દુલ બારી અને મારા ઉપર આવી ગયો. 1938 ના જૂન મહિનામાં બંગાળ અને બિહારની છ પ્રમુખ કંપનીઓને ગંભીર શ્રમિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. સૈનિક હડતાળ પર ચાલ્યા ગયા. આ બધું અબ્દુલ બારીના નેજા હેઠળ થઈ રહ્યું હતું. એક અખબારના રિપોર્ટ મુજબ 'મેનેક હોમી', જે વર્ષોથી જમશેદપુરના નિર્વિવાદ રીતે શ્રમિક 'બોસ' માનવામાં આવતા રહ્યા, તેમણે ગણિત પ્રોફેસર અબ્દુલ બારીની સામે આત્મસમર્પણ કરવું પડ્યું.
તેના પહેલાં 1929માં પ્રોફેસર અબ્દુલ બારી જમશેદપુરના 'તીનપ્લેટ સ્ટ્રાઈક' માં કેબલ વર્કર્સની સાથે ઉભેલા નજરે પડ્યા હતા અને સાફ શબ્દોમાં કહ્યું કે સ્થાનીય સરકારે ગતિરોધ ખતમ કરવા માટે જલ્દી સમાધાન બોર્ડ નિયુક્ત કરવું જોઈએ. જો સરકાર આવું નથી કરતી તો તેઓ આ મામલો બિહાર પ્રાંતીય કોંગ્રેસની વર્કિંગ કમિટી સમક્ષ મૂકશે.
કહેવાય છે કે 1929ના શ્રમિક હડતાળથી ગાંધીજી ઘણા નિરાશ હતા. એવામાં સુભાષચંદ્ર બોઝ, રાજેન્દ્ર પ્રસાદ, નેહરુ અને પ્રોફેસર અબ્દુલ બારી એ પ્રયાસમાં લાગેલા હતા કે ગાંધીજીનો એક પ્રવાસ અહીં થઈ જાય.
જ્યારે પોતાની જ સરકાર વિરુદ્ધ ઉભા રહ્યાં
શ્રમિકોની બાબતમાં પ્રોફેસર અબ્દુલ બારી પોતાની જ સરકારને કોસવામાં પણ ક્યારે પાછા નહોતા રહ્યા. તેમનું માનવું હતું કે કૃષિ સુધારાની સાથે સરકારના પક્ષપાત અને શ્રમના સવાલો ઉપર ધ્યાન આપવામાં નિષ્ફળતાને કારણે બિહારમાં એક ગંભીર સમસ્યાઓ પેદા થઈ હતી. પ્રોફેસર અબ્દુલ બારીનું ભાષણ કોંગ્રેસ સરકાર પર હિંસક હુમલાના રૂપમાં ચિન્હીત કરવામાં આવે છે. એટલું જ નહીં જમશેદપુરમાં પોતાના ભાષણમાં પ્રોફેસર બારી કહે છે કે, તેઓ ભલે બિહાર સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય, પરંતુ કાર્યકર્તાઓ તેમજ શ્રમિકો માટે તેઓ બધું જ કરશે અને તેમને પોલીસ સુરક્ષા અપાવી તેમની રક્ષા કરશે. 1938માં અબ્દુલ બારી દ્વારા આપવામાં આવેલા ભાષણો આપણે કોંગ્રેસના આંતરિક રાજનીતિક સંઘર્ષોની સાથે-સાથે પ્રચલિત કટ્ટરપંથી રાષ્ટ્રવાદી વિમર્શનો પણ અહેસાસ કરાવે છે. ખાસ કરીને 20 ઓક્ટોબર 1938 છાતાબાદ 20 નવેમ્બર 1938 મદનાડીહમાં આપવામાં આવેલ ભાષણો તેનો અહેસાસ કરાવે છે.
શ્રમિકોની લડાઈમાં કંપની માલિકોને હંમેશા અબ્દુલ બારી સામે ઝૂકવું પડ્યું હતું. 5 નવેમ્બર 1938ના એક સમાચાર મુજબ અબ્દુલ બારી સાહેબના કારણે જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીના લગભગ 7000 કર્મચારી ભવિષ્યમાં વિભાગીય ઉત્પાદન બોનસના હકદાર થયા હતા. અબ્દુલ બારી અને કંપની તરફથી એ.આર. દલાલ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષની હાજરીમાં આના પર ચર્ચા કરવામાં આવી હતી, જના પર બંને સહમત થયા હતા. અબ્દુલ બારીએ એસોસિયેટ પ્રેસને આપવામાં આવેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટાટાના મેનેજમેન્ટે વિભાગીય પ્રોડક્શન બોનસ વિશે ચૂકવણા અટકાવવા બાબતને રજૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. જેના દ્વારા એક શ્રમિકની મજૂરી જેટલી ઓછી થશે, બોનસની રાશી એટલી જ વધુ થશે. વિભાગીય ઉત્પાદન બોનસ અગાઉ 3 હજાર શ્રમિકો વચ્ચે વહેંચવામાં આવતું હતું, જે હવે તેમના સિવાય બીજા 8 હજાર શ્રમિકોમાં વહેંચણી કરાશે.
20 જુલાઈ 1939 રાંચીમાં જમશેદપુરના શ્રમિકોની સમસ્યા પર 'લેબર ઇન્કવાયરી કમિટી' ની એક બેઠક થઈ, જેમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીના ડાયરેક્ટર એ. આર. દલાલ અને કંપનીના જનરલ મેનેજર જે. જે. ગાંધી, બિહારના શ્રીકૃષ્ણ સિંહ, ફાઈનાન્સ તેમજ લેબર મિનિસ્ટર અનુગ્રહ નારાયણ સિંહ અને લેબર ઇન્કવાયરી કમિટીના ચેરમેન ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સામેલ થયા. આ બેઠકમાં પ્રોફેસર અબ્દુલ બારી સરકારની જગ્યાએ શ્રમિકો તરફથી તેમની વાત મૂકી રહ્યા હતા, જો કે અબ્દુલ બારી ખુદ સરકારમાં સામેલ હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને જે શરતો પ્રસ્તુત કરી હતી તે શરતો પ્રોફેસર અબ્દુલ બારીને નહોતી સ્વીકારી. કોંગ્રેસમાં હોવા છતાં પણ પ્રોફેસર અબ્દુલ બારી હંમેશા તેમની પાર્ટી તરફથી ઊભા રહેવાની જગ્યાએ શ્રમિકોની સાથે ઉભા નજર આવ્યા. પ્રોફેસર અબ્દુલ બારીએ ડો. રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નેહરુ દ્વારા વિવાદની મધ્યસ્થતા પર પણ સવાલ ઉભા કર્યા હતા. એટલું જ નહીં જ્યારે 1 ઓગસ્ટ 1939 ટાટા લેબર યુનિયનના મેમોરેન્ડમની તપાસ માટે રાજેન્દ્ર પ્રસાદ અને જવાહરલાલ નેહરુ જમશેદપુર પહોંચ્યા. ત્યારે પ્રોફેસર અબ્દુલ બારી મજૂર યુનિયન તરફથી ઊભા નજર પડ્યા હતા.
આ રીતે પ્રોફેસર અબ્દુલ બારી કામની બાબતમાં તેમની જ સરકાર ઉપર સવાલ ઉભા કરવામાં ક્યારેય પાછા પડતા નહીં. બજેટને લઈને સંસદમાં ચાલતી ચર્ચાઓમાં અબ્દુલ બારીએ ખુદની સરકાર પર ઘણા સવાલો ઉભા કર્યા હતા. તેમણે સવાલ કર્યો હતો કે, મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કરવા અને નવી બિલ્ડીંગ પરિયોજનાઓને લાગુ કરવામાં સરકાર કેમ પાછી પાની કરી રહી છે? વિચારો, આ પ્રકારના સવાલો કોઈ નેતા પોતાની સરકારને કરવાની હિંમત દાખવી શકે છે ખરાં?
(પ્રોફેસર અબ્દુલ બારીના પુસ્તકમાંથી સાભાર.)
અનુવાદ - હિદાયત પરમાર (લેખક વ્યવસાયે કમ્પ્યુટર એન્જિનિયર છે અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે.)
આગળ વાંચોઃ મૌલાના આઝાદઃ જેમણે દેશને IIT, IIS, UGC, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ આપી
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.