માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો, જે આજેય એટલા જ સત્ય સાબિત થઈ રહ્યાં છે
ડૉ. આંબેડકરના સપનાને પૂર્ણ કરી બતાવનાર માન્યવર કાંશીરામ સાહેબે આપેલા એવા 10 વિચારો રજૂ કરીએ છીએ જે બહુજન સમાજે કાયમ માટે યાદ રાખવા જોઈએ.
બહુજન સમાજનું સૌથી સફળ સોશિયલ એન્જિનિયરીંગ કરીને દેશના દલિત, આદિવાસી, ઓબીસી અને લઘુમતી સમાજને સત્તામાં લાવવાના ડૉ. આંબેડકરના સપનાને પૂર્ણ કરી બતાવનાર માન્યવર કાંશીરામ સાહેબની આજે 90મી જન્મજયંતિ છે. માન્યવર એ વ્યક્તિ હતા જેમણે ઉત્તર ભારતમાં વંચિત, શોષિત, પીડિત સમાજને સત્તાના રાજકારણના કેન્દ્રમાં લાવી દીધા હતા. 1984માં તેમણે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી હતી, જે આજેય એકમાત્ર રાજકીય પક્ષ છે જેના રાજકારણના કેન્દ્રમાં બહુજનો છે. કાંશીરામ સાહેબના સમર્થકો તેમને પ્રેમથી 'માન્યાવર' કહે છે. તેઓ માત્ર વિચારક જ નહિ પરંતુ પાયાના કાર્યકર પણ હતા. તેમના નેતૃત્વમાં બસપાએ ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર પ્રદેશના રાજકારણમાં એક અલગ છાપ છોડી દીધી હતી. કાંશીરામ માનતા હતા કે બહુજન સમાજે પોતાના અધિકારો માટે પોતે જ લડવું પડશે અને તેમના માટે અન્ય લોકોને સત્તામાં લાવીને પછી આજીજી કરવાથી કોઈ ફાયદો થશે નહીં.
માન્યવર માનતા હતા કે જ્યાં સુધી આપણે રાજકારણમાં સફળ નહીં થઈએ અને આપણા હાથમાં સત્તા નહીં હોય, ત્યાં સુધી સામાજિક અને આર્થિક પરિવર્તન શક્ય નથી. રાજકીય તાકાત જ સફળતાની માસ્ટર કી છે. આજે તેમની જન્મજયંતિ છે ત્યારે આવો જાણીએ માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો જેમણે દલિતોને ભારતના રાજકારણના કેન્દ્રમાં લાવીને મૂકી દીધા હતા.
1. માનનીય કાંશીરામ કહેતા હતા કે, “ઉચ્ચ જાતિના લોકો અમને પૂછે છે કે અમે તેમને પાર્ટીમાં શા માટે સામેલ નથી કરતા, પરંતુ હું તેમને કહું છું કે તમે અન્ય તમામ પાર્ટીઓનું નેતૃત્વ કરો છો. જો તમે અમારી પાર્ટીમાં જોડાશો તો તમે પરિવર્તનને અટકાવશો. મને પાર્ટીમાં ઉચ્ચ જાતિના લોકોથી ડર લાગે છે. તેઓ યથાસ્થિતિ જાળવી રાખવાનો પ્રયાસ કરે છે અને હંમેશા નેતૃત્વ ધારણ કરવાનો પ્રયાસ કરે છે. આ સિસ્ટમ બદલવાની પ્રક્રિયાને અટકાવશે.”
2. 'જ્યાં સુધી જાતિ છે ત્યાં સુધી હું તેનો ઉપયોગ મારા સમાજના ભલા માટે કરીશ. જો તમને કોઈ સમસ્યા હોય તો જાતિ પ્રથા નાબૂદ કરો.'
3. બ્રાહ્મણવાદ વિશે તેમણે કહ્યું હતું કે, "જ્યાં બ્રાહ્મણવાદ સફળ છે, ત્યાં અન્ય કોઈ 'વાદ' સફળ થઈ શકશે નહીં, આપણે મૂળભૂત, માળખાકીય, સામાજિક ફેરફારોની જરૂર છે."
4. માન્યવર કહેતા હતા, "બહુ લાંબા સમયથી અમે તંત્રના દ્વાર ખટખટાવીએ છીએ, ન્યાય માંગીએ છીએ અને નથી મળતો, હવે આ હાથકડીઓ તોડવાનો સમય આવી ગયો છે."
5. કાંશીરામ સાહેબના જણાવ્યા મુજબ, "અમે ત્યાં સુધી અટકીશું નહીં, જ્યાં સુધી આપણે સિસ્ટમના પીડિતોને એક નહીં કરીએ અને આપણા દેશમાં અસમાનતાની ભાવનાને નાબૂદ નહીં કરીએ."
6. કાંશીરામ કહેતા હતા, “મેં ગાંધીને શંકરાચાર્ય અને મનુ(મનુસ્મૃતિ) ની શ્રેણીમાં મૂક્યાં કારણ કે તેઓ ચતુરાઈથી 52% OBC ને બાજુ પર રાખવામાં સફળ થયા. જે સમુદાયનું રાજકીય પ્રણાલીમાં પ્રતિનિધિત્વ નથી તે મરી ગયો છે.”
7. ગાંધીજીએ દલિતો માટે અલગ મતદાર મંડળની આંબેડકરની માંગને દબાણની રાજનીતિ દ્વારા પૂર્ણ થવા દીધી ન હતી અને પૂના કરારના પરિણામે, તેમના 'ચમચાઓ' સંયુક્ત મતદારોમાં ઉભા થયા હતા.
8. “અમને સામાજિક ન્યાય નથી જોઈતો, અમે સામાજિક પરિવર્તન ઈચ્છીએ છીએ. સામાજિક ન્યાય સત્તામાં રહેલી વ્યક્તિ પર આધાર રાખે છે. ધારો કે એક સમયે કોઈ સારો નેતા સત્તામાં આવે છે અને લોકોને સામાજિક ન્યાય મળે છે અને ખુશ થાય છે, પરંતુ જ્યારે ખરાબ નેતા સત્તામાં આવે છે ત્યારે તે ફરીથી અન્યાયમાં ફેરવાય છે. તેથી, અમે સંપૂર્ણ સામાજિક પરિવર્તન ઈચ્છીએ છીએ.
9. કાંશીરામ માનતા હતા કે જ્યાં સુધી આપણે રાજનીતિમાં સફળ નહીં થઈએ અને આપણા હાથમાં સત્તા નથી, ત્યાં સુધી સામાજિક અને આર્થિક પરિવર્તન શક્ય નથી. રાજકીય તાકાત એ સફળતાની માસ્ટર કી છે.
10. કાંશીરામ કહેતા હતા, “સત્તા મેળવવા માટે જનઆંદોલન જરૂરી છે, એ જનઆંદોલનને મતમાં રૂપાંતરિત કરવું, પછી મતોને સીટોમાં રૂપાંતરિત કરવા, સીટોને સત્તામાં પરિવર્તિત કરવી અને અંતે તેને સત્તાના કેન્દ્રમાં પરિવર્તિત કરવી. આ અમારા માટે મિશન અને લક્ષ્ય છે.
આ પણ વાંચો : બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા કાંશીરામ કાર્ય ઍવોર્ડની જાહેરાત
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.