ફાતિમા શેખની પ્રતિભા-ક્ષમતાઓની સાબિતી આપતો માતા સાવિત્રીબાઈ ફૂલેનો પત્ર

આજે બહુજન મહાનાયિકા ફાતિમા શેખનો જન્મદિવસ છે. જાતિવાદી તત્વો હજુ પણ તેમને દેશની પ્રથમ મહિલા મુસ્લિમ શિક્ષિતા તરીકેના તેમના કદને નાનું કરવા પ્રયત્ન કરતા રહે છે, તેમની ક્ષમતાઓ પર સવાલો ઉઠાવે છે. પણ માતા સાવિત્રીબાઈ ફૂલેએ લખેલા એક પત્રની ફક્ત ત્રણ લાઈનમાં જ તેમની ક્ષમતાઓ સાબિત થઈ જાય છે. વાંચો આ અહેવાલ.

ફાતિમા શેખની પ્રતિભા-ક્ષમતાઓની સાબિતી આપતો માતા સાવિત્રીબાઈ ફૂલેનો પત્ર

- હિદાયત પરમાર

આજે બહુજન મહાનાયિકા ફાતિમા શેખનો જન્મદિવસ છે. દેશની પહેલી મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખનું મહત્વ શું છે તે જાણવું જરૂરી છે. માતા સાવિત્રીબાઈ ફૂલેએ તેમને શિક્ષિત કર્યા હતા. વર્ષ 1856માં સાવિત્રીબાઈને માંદગીને કારણે ઘણા દિવસો સુધી તેમના પારિવારિક ઘરમાં રહેવું પડ્યું હતું. બિમાર હોવા છતાં તેમનું મન હંમેશા તેમની શાળાઓના વિચારોમાં વ્યસ્ત રહેતું. પરંતુ તેમને તેમની સાથીદાર ફાતિમા શેખની ક્ષમતાઓમાં અપાર વિશ્વાસ હતો અને એટલે તેઓ ચિંતામુક્ત રહી શક્યાં હતા.

જો કે માતા સાવિત્રીબાઈ ફૂલેને ફાતિમા શેખની ભારે ચિંતા થતી હતી, કેમ કે તેમની ગેરહાજરીમાં તેમના પર કામનું વધુ ભારણ આવી પડ્યું હતું. ફાતિમાની પ્રકૃતિ, કાર્યશૈળી અને વહિવટી ક્ષમતાઓથી પરિચિત માતા સાવિત્રીબાઈ ફૂલે જાણતા હતા કે ફાતિમા એકપણ ફરિયાદ કર્યા વિના પોતાની ફરજો અસરકારક રીતે નિભાવશે. એ દરમિયાન માતા સાવિત્રીબાઈએ ફાતિમા શેખને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમની ફાતિમા પ્રત્યેની લાગણીઓ અને અભિપ્રાયો સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે.

માતા સાવિત્રીબાઈ તેમના પારિવારીક ઘરમાં હતા એ દરમિયાન 10 ઓક્ટોબર 1856 ના રોજ તેમણે પૂનામાં રહેલા પતિ જ્યોતિરાવ ફૂલેને એક પત્ર લખ્યો હતો. એ લાંબા પત્રમાં તેમણે વતન નાયગાંવની સામાજિક પરિસ્થિતિઓ, તેમના આરોગ્યની સાથે ફાતિમા શેખ વિશે પણ લખ્યું હતું.

એ સમયે જ્યોતિરાવ ફૂલેએ પૂણેમાં 5 અને તેની બહાર 15 શાળાઓ સ્થાપી હતી. માતા સાવિત્રીબાઈ અને ફાતિમા શેખ જ્યોતિરાવ ફૂલેના માર્ગદર્શન હેઠળ આ શાળાઓના શિક્ષણ અને વહીવટની દેખરેખ રાખતા હતા. પણ જ્યારે સાવિત્રીબાઈને તેમની માંદગીને કારણે ઘણા દિવસો સુધી પુણેથી દૂર રહેવું પડ્યું હતું, ત્યારે તે તમામ શાળાઓમાં વહીવટ અને શિક્ષણનો તમામ બોજો ફાતિમા શેખ પર આવી પડ્યો હતો. સાવિત્રીબાઈ સમજી ગયા હતા કે ફાતિમા માટે તેમની ગેરહાજરીમાં, એકલા હાથે કરવું કેટલું બોજારૂપ હતું. ફાતિમા શેખ પર શિક્ષણ અને શાળાના વહીવટનો વધતો બોજ અને પોતે પુણે ન જઈ શકે તેવી ગંભીર પરિસ્થિતિ વિશે વિચારીને તેણીએ તે પત્રમાં લખ્યું: 

‘હું પૂરેપૂરી સ્વસ્થ થતાં જ પૂણે આવીશ, મહેરબાની કરીને મારા વિશે ચિંતા કરશો નહીં. ફાતિમાને ઘણી તકલીફ થતી હશે. પણ મને ખાતરી છે કે તે સમજી જશે અને ફરિયાદ પણ નહીં કરે.’ આમ માતા સાવિત્રીબાઈએ એમ કહીને પતિને દિલાસો આપ્યો હતો કે ફાતિમા બધી બાબતોને સારી રીતે સમજે છે એટલે શાળાઓના વહિવટને સારી રીતે સંભાળી લેશે. સંદર્ભ(સામાજિક વિપ્લવકારિણી સાવિત્રીબાઈ(તેલુગુ) વ્યાસસંપુટી, વ્યાસમ: જ્યોતીબકું સાવિત્રી રસીણા પ્રેમલેખાલું, વ્યાસકાર્થા, સુનીલ સરદાર, તેલુગુ અનુવાદમ, કથ્યાયીની, હૈદરાબાદ બુક ટ્રસ્ટ, 2017, પાનું 49)

પ્રખ્યાત પુસ્તક WOMEN WRITING IN INDIA: 600 BC TO THE PRESENT, તેના સંયુક્ત સંપાદન હેઠળ પ્રકાશિત થયેલા પ્રથમ ખંડમાં, પ્રખ્યાત લેખકો સુસી થારુ અને કે. લલિતાએ સાવિત્રીબાઈના પત્રના તે ભાગને પાના નં. 213 પર ટાંક્યો હતો. આ બાબતો પરથી એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે માતા સાવિત્રીબાઈની ગેરહાજરીમાં ફાતિમા શેખે શાળાઓમાં શિક્ષણ અને દેખરેખની જવાબદારીઓ ખંતથી અને અસરકારક રીતે નિભાવી હતી. માતા સાવિત્રીબાઈ ફૂલેએ આ પત્ર ભલે પતિ જ્યોતિબાને સંબોધીને લખ્યો હતો, પરંતુ તેમાં ફાતિમા શેખની પ્રતિમા અને તેમના પરનો તેમનો વિશ્વાસ સ્પષ્ટપણે વર્તાય છે. જાતિવાદી તત્વો ફાતિમા શેખની પ્રતિભા અને તેમના કદને નાનું કરવા પ્રયત્નો કરતા રહે છે. આવા તત્વોને માતા સાવિત્રીબાઈ ફૂલેના આ વિચારો એક લપડાક સમાન છે. એટલે એમાં કોઈ શંકા ન રહેવી જોઈએ કે આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખ હતા અને તેમનું આ દેશની મહિલાઓને શિક્ષિત કરવામાં મહત્વનું યોગદાન છે. (સંદર્ભઃ આધુનિક ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખ)

(લેખક વ્યવસાયે કમ્પ્યૂટર નિષ્ણાત અને બહુજન સાહિત્યના અભ્યાસુ છે)

આ પણ વાંચો : ફાતિમા શેખ: પ્રથમ મુસ્લિમ શિક્ષિકા જેમણે ક્રાંતિસૂર્ય ફૂલે દંપતી સાથે મળીને 170 વર્ષ પહેલાં કન્યા કેળવણીની મશાલ પ્રગટાવી હતી

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.