ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું

ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું

– વિજય મકવાણા

ત્યારે હું આઠ વરસનો હતો. ત્રીસ-પાંત્રીસ ઘરનો વાસ અને તેમાં વણકર, ચમાર અને વાલ્મિકી એમ ત્રણ જાતિ રહેતી. બધું મળીને બે શેરીમાં તો વાસ પૂરો થઇ જતો. એકવાર અમારી શેરીમાં એક કૂતરી વિયાઈ હતી. તેનું એક રાતા રંગનું, માથે કાળા ચાંદલાવાળું, રાભડાં જેવું ગલુડીયું હતું, જે વાસના તમામ છોકરાંઓને વ્હાલું હતું. બધાં તેને ‘રાતડો’ કહેતાં. રાતડાને બધાંય ખવડાવે, ગેલ કરાવે. વાસના ચમારોના પંચની ત્યારે મોટી ભામ હતી. આજુબાજુના ચારેક ગામના મરેલાં ઢોરને રોડની સામેની બાજુ આવેલી ખળાવાડમાં લાવતા. તેની ખાલ ઉતારવાનો સામુહિક વ્યવસાય પંચ દ્વારા થતો. અમે બધાં છોકરાઓ રાતડા માટે તેનો ‘પ્રિય ખોરાક’ ત્યાંથી લાવી તેને ખવડાવતાં. રાતડો દિવસે દિવસે કદાવર થતો જતો હતો. ખાઇ ખાઇને તે માતેલો સાંઢ થઇ ગયો હતો. વાસમાં કોઇ અજાણી વ્યક્તિ પ્રવેશે તો રાતડો રીતસર તૂટી પડતો. જ્યાં સુધી વાસનો કોઇ વ્યક્તિ રાડ પાડીને ન કહે કે, ''રાતડાંઆ...મેલ્ય હવે.'' તો જ રાતડો તેને છોડે! રાતડાની ખરેખર રાડ્ય હતી, દબદબો હતો! 

ગામમાં એક દરબાર રહે. બહુ મોટા જાગીરદાર. તે શહેરથી એક કૂતરો લાવેલા. કૂતરો પડછંદ હતો. તેના ગળે ચામડાનો પટ્ટો બાંધેલો હોય, તેની સાથે લાંબી સાંકળ બાંધેલી હોય અને દરબાર સાહેબના ખભે જોટાળી બંદૂક લટકતી હોય. આ રીતે દરબાર રોજ તળાવની પાળ પર ફરવા નીકળે. આ તેમનો નિત્યક્રમ હતો.

એક દિવસ નિત્યક્રમ ફર્યો. તળાવની પાળ ચડવાને બદલે દરબારના પગલાં દલિતવાસ તરફ જતાં મુખ્યમાર્ગ પર વળ્યાં. હાથમાં સાંકળ અને ખભે બંદૂક. દલિતવાસ નજીક પહોંચ્યાં ત્યાં જ રોડ પર રાતડો રાજાની અદાથી બેઠેલો! પેલાં શહેરી કૂતરાને પોતાના એરિયામાં આવતો જોઈને રાતડાને ગરમી ચડી ગઇ! સીધી મુકી દોટ અને વીંછળી નાખ્યો! દરબારને રીસ ચડી. તેમણે પોતાના કૂતરાના ગળેથી પટ્ટો છોડી મૂક્યો. હવે મેદાનમાં રાતડો અને પેલો શહેરી કૂતરો બઘડાટી બોલાવવા લાગ્યા. દરબારે હાથમાં બંદૂક લીધી અને લડાઇ રસપૂર્વક જોવા લાગ્યા. અમે બધાં પણ ભેગાં થઇ ગયાં! રાતડો બહું જોરાવર હતો. દસેક મિનિટમાં તો પેલાંને બચકાં ભરીને લોહીલુહાણ કરી નાખ્યો. શહેરી કૂતરાએ હાર સ્વીકારી લીધી અને દરબારનાં પગ વચ્ચે ઘુસીને 'વાંઉ વાંઉ' ચાલું કર્યું! 

અચાનક દરબારનો પિત્તો ગયો. પોતાના કૂતરાના માથે બંદૂક મુકી અને ધડામ...! કૂતરો બે મિનીટમાં શાંત. રાતડો હજી પણ ભસી રહ્યો હતો. દરબાર થોડુંક ગામ તરફ ચાલ્યાં, પછી પાછું વળીને રાતડા સામે જોયું. આ વખતે તેમની નજરમાં ખુન્નસ હતું. થોડી જ વારમાં બંદૂકનો બીજો ભડાકો થયો. ધડામ..

રાતડો તરફડી ઉઠ્યો. અમે બધાં દોડીને રાતડા પાસે પહોંચ્યાં. એણે બધાંયના હાથ ચાટ્યાં અને હળવેકથી આંખો મીંચી દીધી. દરબાર જતા જતા બબડ્યાં ''ઢેઢનું કૂતરું બાપુના કૂતરાંને રંજાડી જાય, ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું''

ગલઢેરાં, જુવાનિયા, બાળકો સૌ અવાચક બનીને જોઇ રહ્યાં. કોઇ કંઈ બોલ્યું નહીં. ઘટના નાની હતી પણ કાળજે કોરાઈ ગઈ છે. 

પછી તો કોઇ આંબેડકરની વાત લઇને આવે તો રસપૂર્વક સાંભળતા થયા, વાતો સાંભળતાં રાતડો યાદ આવતો, આંખ જરાક ભીની થતી, પણ હૃદય મજબૂત બનતું ગયું.

આજે હું આડત્રીસ વરસનો છું. ત્રીસ વરસમાં શિક્ષણ, આધુનિકતાને કારણે મારામાં ઘણું બધું બદલાઈ ગયું છે. પણ માનસિકતા જેમની તેમ છે. એ વખતે રાતડાની ઘટનાનો કોઇ પ્રત્યુત્તર નહોતો અપાયો. પણ રાતડો ઘણું શીખવતો ગયો હતો. પછી તો લડવા માટે કમર કસી. ક્યારેક તૂટ્યાં, ક્યારેક લડ્યાં, એક તાંતણે બંધાયા, હાર્યા-જિત્યાં. આજે કમ સે કમ એ મુકામ પર તો છીએ જ કે કોઈ સીધી લડત આપતા ડરે છે. પણ પડદા પાછળ ષડયંત્રોની ભરમાર છે. અને અમે પણ એ ખટપટ સામે નવતર ખટપટથી જવાબ આપતા શીખી ગયા છીએ. હવે લડત સામાજિક, આર્થિક અને રાજકીય એમ ત્રણેય મોરચે લડાઈ રહી છે, અને અમે લડી રહ્યાં છીએ અને જીતીશું પણ ખરાં. લડેંગે..જીતેંગે. જય ભીમ.

આ પણ વાંચો : Palwankar Baloo: એ દલિત ક્રિકેટર, જેણે અસ્પૃશ્યતા વેઠીને પણ દેશનું નાક બચાવેલું

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.

 


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.