દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ...
દલિત યુવકના લગ્ન હતા, વરઘોડો ગામમાંથી નીકળવાનો હતો, પણ જાતિવાદી તત્વોએ ધમકી આપી કે દલિત વરરાજો ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. જાણો પછી શું થયું.
ભારત સૌથી પહેલા જાતિપ્રધાન દેશ છે, ખેતીપ્રધાન કે અન્ય પ્રધાન પછી છે. આવું ભારતમાં દરરોજ ખૂણેખાંચરે બનતી જાતિવાદની ઘટનાઓ કહે છે. અમુક જાતિવાદી તત્વો દેશ આઝાદ થયા પછી પણ અમુક રીતિરિવાજો જાણે તેમના બાપની જાગીર હોય એમ વર્તતા હોય છે. એટલું જ નહીં, જો કોઈ અન્ય જાતિના લોકો એ રિવાજ કે પરંપારને અનુસરે તો તેનો વિરોધ કરે છે અને તેમના સજારૂપે માર મારવા કે હુમલો કરવાથી પણ પાછા નથી પડતા. કમનસીબે એ વખતે કાયદો આવા જાતિવાદી તત્વોની તરફેણમાં કામ કરતો હોવાથી આવા લુખ્ખા તત્વોની હિંમત વધી જાય છે અને તેઓ ફરી આવું જ કૃત્ય કરવાની હિંમત કરે છે. પણ જો, કાયદો કાયદાનું કામ કરે ત્યારે આવા તત્વોની બધી દાદાગીરી સોંસરી નીકળી જતી હોય છે. આ ઘટના તેનું ઉદાહરણ છે.
બુંદેલખંડના ટીકમગઢના હટા ગામની ઘટના
મામલો મધ્યપ્રદેશના બુંદેલખંડનો છે. અહીં ફરી એકવાર સામંતવાદી માનસિકતા અને સામાજિક ભેદભાવનો મામલો સામે આવ્યો છે. ટીકમગઢ જિલ્લાના હટા ગામમાં 17 નવેમ્બર 2024ના રોજ જીતેન્દ્ર અહિરવાર નામના દલિત યુવકના લગ્ન હતા, પરંતુ વરરાજાને ઘોડી પર બેસાડવાની પરંપરાને લઈને ગામના માથાભારે જાતિવાદી તત્વોએ વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે, એક દલિત વરરાજો અમારી સામે ઘોડી પર બેસીને ન નીકળવો જોઈએ. જો કે, વરરાજા અને તેના પરિવારે હિંમત દાખવીને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું. જેના કારણે જાતિવાદી તત્વોની કોઈ કારી ફાવી નહોતી અને રંગેચંગે ગામ વચ્ચેથી દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળી શક્યા હતા.
ગામમાંથી વરઘોડો કાઢવા જાતિવાદીઓની મંજૂરી લેવી પડે
ભારતના લગભગ તમામ ગામડાઓની જેમ બુંદેલખંડમાં પણ જાતિવાદી વિચારસરણીના મૂળ હજુ પણ મજબૂત છે, જેના કારણે નીચલી જાતિના લોકો સામાન્ય રીતિરિવાજોનું પણ પાલન કરી શકતા નથી. જીતેન્દ્ર અહિરવારના લગ્ન વખતે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. "રછવાઈ" અથવા "રાછ ફેરવવાની" લગ્ન પહેલાની વિધિમાં વરરાજા ઘોડા પર બેસીને ગામની આસપાસ ફરે છે, જેમાં સગાસંબંધીઓ અને પરિવારના સભ્યો તેને સન્માન સાથે ભેટસોગાદો આપે છે.
જો કે, ભૂતકાળમાં આ ગામમાં આ પરંપરાને લઈને વિવાદ થયો હતો, જ્યારે દલિત વરરાજાને ઘોડી પર બેસવાની ગામના જાતિવાદી તત્વોએ મંજૂરી નહોતી આપી. જી હા, આઝાદ ભારતમાં આજે પણ એવા અનેક ગામો છે, જ્યાં ઘોડી પર કોણ બેસશે, કોણ નહીં, તે ગામની માથાભારે કોમના જાતિવાદી તત્વો નક્કી કરે છે.
કાયદાએ કાયદાનું કામ કર્યું, જાતિવાદીઓની બોલતી બંધ
આ વખતે પણ કેટલાક સ્થાનિક માથાભારે તત્વોએ જીતેન્દ્રની ઘોડી પર સવારી કરવાનો વિરોધ કર્યો હતો. પણ જીતેન્દ્ર ડરે તેવો યુવક નહોતો. તેણે ભૂતકાળની ઘટનામાંથી બોધપાઠ લીધો હોવાથી તરત પોલીસ પાસે રક્ષણની માંગ કરી દીધી હતી. બલદેવગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓએ આ બાબતને ગંભીરતાથી લીધી અને જીતેન્દ્રના લગ્નના દિવસે સુરક્ષા વ્યવસ્થા કરી હતી.
પોલીસે સૌપ્રથમ ગામમાં જઈને જાતિવાદી તત્વોને સમજાવ્યા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાતરી કરી. જિતેન્દ્રને પોલીસ સુરક્ષામાં ઘોડી પર બેસાડવામાં આવ્યો હતો અને અડધો ડઝન પોલીસકર્મીઓ તેની સાથે હતા. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, પોલીસે સુનિશ્ચિત કર્યું કે રછવાઈ વિધિ શાંતિપૂર્ણ રીતે થાય અને વરરાજાને સંપૂર્ણ સુરક્ષા મળે. પોલીસે કાયદો વ્યવસ્થાનું કડકાઈથી પાલન કર્યું, જેના કારણે જાતિવાદી તત્વોની સાન ઠેકાણે આવી ગઈ. જો આ જ રીતે પોલીસ જાતિવાદીઓ, માથાભારે તત્વોની રાજકીય વગ કે જાતિ જોયા વિના માત્ર કાયદાના આધારે કામ કરે તો આ દેશમાંથી જાતિવાદ સહિત સેંકડો ગુનાઓ ઓછા થઈ શકે તેમ છે. પણ કમનસીબે એવું બહું ઓછી ઘટનાઓમાં થાય છે.
બુંદેલખંડ જાતિવાદી માનસિકતાનો ગઢ રહ્યું છે
જિતેન્દ્ર અહિરવારના લગ્નનો આ કિસ્સો સામાજિક પરિવર્તનની દિશામાં એક પગલું સાબિત થયો છે, જ્યાં દલિત સમાજના લોકો પણ સમાન અધિકારો માટે લડી રહ્યા છે. આ ઘટના દર્શાવે છે કે આઝાદીના 77 વર્ષ પછી પણ ભારતમાં ચોતરફ જાતિવાદી માનસિકતાનો પ્રભાવ છે. બુંદેલખંડમાં આ પહેલા પણ ઘણી વખત એવી ઘટના બની છે, જેમાં કથિત નીચલી જાતિના વરરાજાને ઘોડી પર સવારી કરતા અટકાવવામાં આવી હોય અને પછી પોલીસની મદદથી આ વિધિઓ પૂર્ણ કરવામાં આવી છે. જાતિવાદી તત્વોની સાન ઠેકાણે લાવવાનું કામ પોલીસનું હોય છે, જો પોલીસ કાયદામાં રહેલી જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ કરે તો પણ આવા તત્વો હેઠાં બેસી જાય. બુંદેલખંડ પોલીસની આ કામગીરીની ચોક્કસ પ્રશંસા થવી જોઈએ.
આ પણ વાંચો: જાતિવાદીઓનો ખૌફઃ દલિત વરરાજાએ ઘોડી બેસવા પોલીસ બોલાવવી પડી