કલ્પના સરોજ - દેશની પ્રથમ દલિત મહિલા આંત્રપ્રિન્યોર, જેણે બિઝનેસમાં સવર્ણોની મોનોપોલીને તોડી બતાવી
ભારતમાં બિઝનેસ મોટાભાગે એક ચોક્કસ જાતિના લોકોની મોનોપોલી રહી છે ત્યારે એક દલિત મહિલાએ કેવી રીતે તેને તોડી બતાવી તેની સંઘર્ષભરી કથા અહીં પ્રસ્તુત છે.
જ્યારે તમે બાળકથી લઈને પુખ્ત વયના કોઈ પણ માણસને કોઈ ઉદ્યોગસાહસિકનું નામ પૂછશો, ત્યારે તેઓ પુરુષોના નામ ગણાવવાનું શરૂ કરશે. આ પુરૂષોમાં પણ ઉચ્ચ જ્ઞાતિના માણસો મોટી સંખ્યામાં સામેલ રહેશે. વાસ્તવિકતા પણ આવી જ છે. 2005માં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં માત્ર 9.6% ઉદ્યોગો દલિતો દ્વારા ચલાવવામાં આવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ દલિત સ્ટડીઝ અનુસાર, આમાંથી 96 ટકા નાના પાયાના ઉદ્યોગો છે જેમાં મહિલાઓ ભાગ્યે જ જોવા મળે છે. કારણ કે આપણા દેશમાં ઇતિહાસથી લઈને અત્યાર સુધી મૂડી એક પ્રકારના વર્ગના હાથમાં રહી છે. પરંતુ આજે આપણે એક મહિલા ઉદ્યોગસાહસિક વિશે વાત કરીશું જે આ દેશની પ્રથમ દલિત મહિલા ઉદ્યોગસાહસિક છે અને તેમનું નામ છે કલ્પના સરોજ. વર્ષ 2013માં તેમને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તે હાલમાં કમાની ટ્યુબ્સ કંપની, મુંબઈ, મહારાષ્ટ્રના CEO છે, TEDx સ્પીકર છે, અને કલ્પના સરોજ ફાઉન્ડેશનના સ્થાપક છે, જે એક NGO છે જે મહિલાઓના મુદ્દાઓ પર કામ કરે છે. આજે તેમની કંપનીની વાર્ષિક આવક 750 કરોડ રૂપિયા છે.
.
લેખની શરૂઆતમાં દેશની પ્રથમ મહિલા ઉદ્યોગસાહસિક સાથે પ્રથમ દલિત મહિલા એવું લખ્યું છે કારણ કે દલિત મહિલાઓ જાતિ અને પિતૃસત્તાનો બેવડો માર સહન કરે છે. કલ્પના સરોજની જીવનયાત્રા આગળ વાંચતી વખતે તમે પોતે જ આનો અહેસાસ કરી શકશો. મહારાષ્ટ્રના રોપરખેડાના ગરીબ દલિત પરિવારમાં 1961માં જન્મેલા કલ્પના સરોજના પિતા મહાદેવ તેમના જ ગામમાં પોલીસ કોન્સ્ટેબલ હતા. તેમના પિતા બહુ ભણેલા ન હતા પરંતુ કલ્પનાને અભ્યાસમાં રસ હોવાથી તેમણે કલ્પનાને ગામની સરકારી શાળામાં ભણવા મોકલ્યાં, જ્યાં તેમના શિક્ષકોએ તેની સાથે ક્યારેય યોગ્ય વર્તન કર્યું ન હતું. તેમના વર્ગના બાકીના બાળકો તેમનાથી અલગ બેસતા કારણ કે તે દલિત હતી. અન્ય બાળકોના માતા-પિતા અને શિક્ષકોને એ પસંદ ન હતું કે એક દલિત છોકરી તેમની સાથે ભણે. તેમણે સાતમા ધોરણમાં શાળા છોડવી પડી. કલ્પના આગળ ભણવા માંગતી હતી પરંતુ ગામડામાં અને દલિત સમાજમાં નાની ઉંમરમાં છોકરીઓના લગ્ન કરવાનો રિવાજ હતો. આથી તેમના લગ્ન 12 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. કલ્પનાને પણ ઘરના એ ચૂલામાં ફેંકી દેવામાં આવી હતી જ્યાં આજે પણ ઘણી છોકરીઓ અને મહિલાઓની જિંદગી ખતમ થઈ જાય છે, એટલું જ નહીં, ઘરેલું શારીરિક અને માનસિક હિંસાનો સામનો કરવો પડે છે, જ્યાંથી તેઓ ઇચ્છવા છતાં પણ પાછી ફરી શકતી નથી. કલ્પનાને પણ આવી હિંસાનો સામનો કરવો પડ્યો હતો અને તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
જ્યારે કલ્પનાના પિતા લગ્નના છ મહિના પછી તેમની પુત્રીને મળે છે અને તેનું શારીરિક શોષણ થયું હોવાનું જાણે છે, ત્યારે તેઓ "ચાર લોકો શું કહેશે" તે વિચાર્યા વિના પુત્રીને ઘરે પાછી લાવે છે અને તેને ક્યારેય તેના સાસરે મોકલતા નથી. ઘરે આવ્યા પછી કલ્પનાને પડોશીઓ સહિત અનેક લોકોનાં ટોણાંનો સામનો કરવો પડ્યો. જ્યારે તે 15 વર્ષની હતી, ત્યારે તેણે કંઈક કરી છૂટવા મન મક્કમ કર્યું, તેથી તે તેના એક કાકા સાથે મુંબઈ આવી અને કપડાના કારખાનામાં સહાયક દરજી તરીકે કામ કરવા લાગી. સમય જતાં તે ટેલરિંગમાં નિપુણ બની ગઈ. આ દરમિયાન દવા જેવી પ્રાથમિક સુવિધાના અભાવે તેની નાની બહેનનું અવસાન થયું, જેના કારણે કલ્પનાને સમજાયું કે પૈસા વિના કંઈ જ શક્ય નથી. એક દિવસ કામ કરતી વખતે, તેને રેડિયો દ્વારા દલિતો માટેના વિશેષ લોન પ્રોગ્રામ વિશે ખબર પડે છે, પછી તે લોન લે છે અને તેના ઘરે કેટલાક સિલાઈ મશીન લાવે છે અને અન્ય મહિલાઓ સાથે કામ કરવાનું શરૂ કરે છે. જ્યારે કામ વધવા લાગ્યું તો તેણે ટેલરિંગની સાથે ફર્નિચરનું કામ પણ શરૂ કર્યું. દરમિયાન વર્ષ 1980માં તેના લગ્ન સમીર સરોજ સાથે થાય છે, જેઓ સ્ટીલ ફર્નિચરનો વ્યવસાય ધરાવતા હતા, પરંતુ થોડા વર્ષો પછી, તેના જીવનસાથીનું અકાળે અવસાન થાય છે.
કલ્પનાના જીવનનો તબક્કો ત્યારે બદલાવા લાગ્યો જ્યારે એક દિવસ એક વ્યક્તિ તેની પાસે આવ્યો અને તેને રૂપિયા 1.5 લાખમાં તેની જમીન ખરીદવા કહ્યું કારણ કે તેને પૈસાની જરૂર હતી. આ જમીન સાથે જોડાયેલી કેટલીક કાનૂની ગૂંચવણો હતી. પરંતુ થોડા જ મહિનામાં કલ્પનાએ કેસ જીતી લીધો અને 1.5 લાખમાં ખરીદેલી જમીનની કિંમત 50 લાખને પાર કરી ગઈ. અહીંથી જ કલ્પનાએ રિયલ એસ્ટેટ અને બાંધકામના વ્યવસાયમાં પ્રવેશ કર્યો. 2011ની સામાજિક આર્થિક જાતિ ગણતરી અનુસાર દેશમાં 45 ટકા દલિતો પાસે જમીન નથી. તેથી જ કલ્પના સરોજે સમગ્ર કોર્પોરેટ વર્ચસ્વ તોડવા માટે રિયલ એસ્ટેટમાં પગ મૂક્યો. ઈન્ડિયન એક્સપ્રેસના એક લેખ અનુસાર સમસ્યાઓ ત્યારે વધી જ્યારે 1999માં કલ્પનાની હત્યાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો. તે ઉત્તર ભારતમાં ઠાકુર સમુદાયના વ્યક્તિ પાસેથી જમીન ખરીદે છે જે કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલા હતા. બાકીના ઠાકુરોને આ વાત ખટકી, પરંતુ સરોજને મારવાના હેતુથી આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ દર વખતે નિષ્ફળ ગયો.
તમે જોશો કે જો આ જ કામ ઉચ્ચ જ્ઞાતિની મહિલા દ્વારા કરવામાં આવ્યું હોત તો ભાગ્યે જ હત્યા જેવી ધમકી આપવામાં આવી હોત. તેથી જ આ લેખની શરૂઆતમાં જાતિ અને પિતૃસત્તાને દલિત મહિલાઓ માટે બેવડો ફટકો ગણાવ્યો હતો
સમય આગળ વધતો ગયો અને કલ્પનાનું કામ સરળતાથી ચાલતું રહ્યું. વર્ષ 2006માં કમાની ટ્યુબ્સ કંપનીના કામદારો કલ્પના સરોજ પાસે મદદ માટે આવે છે અને તેમણે આખી કમાની ટ્યુબ્સ કંપની ખરીદી લીધી હતી પરંતુ અહીં પણ તેની જાતિ તેને છોડી શકી ન હતી. કંપનીના વર્કર્સ યુનિયન, જેમાં ઉચ્ચ જાતિના કર્મચારીઓ પણ સામેલ હતા, કલ્પના પર કોર્ટમાં આરોપ મૂક્યો હતો કે કલ્પનાએ 97માંથી 63 કામદારોને કામ પર આવવા દીધા ન હતા અને તેમને પગાર પણ આપ્યો ન હતો, જેના જવાબમાં કલ્પનાએ કહ્યું કે તેણે તેમને કામ આપ્યું હતું. બલ્કે વધુ શેર પણ આપ્યા.
તેની કંપનીએ સારું પ્રદર્શન કર્યું અને આજે તે એ જ નાદારીવાળી કંપનીને એવી સ્થિતિમાં લાવી છે જેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 750 કરોડ છે. કલ્પના સરોજ કહે છે, "IVY Leage(અમેરિકાની 8 સૌથી મોટી સ્કૂલોનું સંગઠન છે)ની ડિગ્રી અને ફેન્સી MBA તમને ઉદ્યોગસાહસિક નથી બનાવતા. ધીરજ, દ્રઢતા અને તમારામાં વિશ્વાસ રાખવાની અલૌકિક ક્ષમતા તમને ઉદ્યોગસાહસિક બનાવે છે.”
આવા સંજોગોમાં મહિલા ઉદ્યોગસાહસિક તરીકે કલ્પના સરોજનો ઉદભવ અન્ય મહિલાઓ માટે ખરેખર પ્રેરણા સમાન છે. કલ્પના તેના ગામ અકોલા પાછા જવા માંગે છે અને ત્યાં ખેતી કરવા માંગે છે અને સમગ્ર ગામ અને ત્યાંની મહિલાઓ માટે ઉદ્યોગના માર્ગો ખોલવા માંગે છે. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને તેમના પ્રેરણાસ્રોત તરીકે ટાંકતા તે કહે છે, "જો બાબા સાહેબ ટાંચા સંસાધનો અને સહકાર વચ્ચે પણ સમાજ માટે આટલું બધું કરી શક્યાં, તો હું અમુક ટકા કામ તો ચોક્કસ કરી શકું છું." કલ્પના સરોજ આંબેડકરવાદી હોવા ઉપરાંત બુદ્ધિસ્ટ પણ છે.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Manojkumar MauryaGreat, Bravo Saroj madam. Inspirational for both Dalit man & Women.