ઝાંઝરિયાના દલિત શિક્ષકની આત્મહત્યા મામલે સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ દાખલ કરી
ગત 20 ઓક્ટોબર 2023ના રોજ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જુના ઝાંઝરીયા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરતા અનુસૂચિત જાતિના કાંતિભાઈ બધાભાઈ ચૌહાણે ગામના સરપંચ, ઉપ સરપંચ અને ભાજપના આગેવાન તથા અન્ય ત્રણ મહિલા શિક્ષિકાઓ દ્વારા આપવામાં આવતા જાતિગત માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે હવે અમદાવાદના સામાજિક કાર્યકર્તા કાંતિલાલ પરમારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હીમાં ફરિયાદ દાખલ કરી છે. આયોગે આ ફરિયાદની નોંધ લીધી છે અને તેના પર આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા માંગણી કરવામાં આવી છે કે તાત્કાલિક તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે, આ ગુનામાં સંડોવાયેલા સરપંચ અને ઉપ સરપંચને તાત્કાલિક ધોરણે ગુજરાત પંચાયત અધિનિય 1993 ની કલમ 59(1) મુજબ નૈતિક અધઃપતનનો પણ ગુનો બનતો હોઈ તાત્કાલિક જીલ્લા વિકાસ અધિકારીએ સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવે, આ કેસમાં ખાસ સરકારી વકીલ (Special Public Prosecutor)ની નિમણુંક કરવી, આઈપીસી અને એટ્રોસિટીની ઘટતી ગુના સબંધિત કલમો FIRમાં લગાડવી, ત્રણેય મહિલા શિક્ષિકાઓને સસ્પેન્ડ કરવી, ભોગ બનનાર આશ્રિત પરિવારને એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદાકીય જોગવાઈ મુજબ સહાય મળે અને તેમનું પુનઃર્વસન કરવામાં આવે, આ ગુનાના કામે નિષ્પક્ષ તપાસ થાય તે માટે SIT(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી તપાસ કરવામાં આવે.
કાંતિલાલ પરમાર, સામાજિક કાર્યકર, અમદાવાદ
શું હતો મામલો?
જૂના ઝાંઝરિયા ગામે પ્રાથમિક શાળામાં છેલ્લા બે વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા અનુસૂચિત જાતિના 52 વર્ષના કાંતિલાલ બધાભાઈ ચૌહાણે ગામના સરપંચ, ઉપ સરપંચ તેમજ શાળાની ત્રણ મહિલા શિક્ષિકાઓ દ્વારા માનસિક અને જાતિગત ત્રાસ આપી, ખોટી ફરિયાદમાં સંડોવી દેવાની ધમકી આપવામાં આવતી હતી. જેનાથી કંટાળીને તેમણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા તેમણે આ બાબતનો વીડિયો બનાવી અને સુસાઇડ નોટ લખી હતી. દવા પીધા બાદ તેમને પ્રથમ બગસરા અને બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. ઘટનાને લઈને હોબાળો થતા ગુજરાતભરમાંથી દલિત સમાજના આગેવાનો, એક્ટિવિસ્ટો, વકીલો અને અન્ય કાર્યકરો જૂનાગઢ ખાતે ઉમટી પડ્યાં હતા. જ્યાં મૃતકના પરિવારજનોએ જૂનાગઢ ખાતે મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાવી મૃતકની ડેડબોડી બગસરા પોલીસ સ્ટેશન લાવી આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો.
આ પણ વાંચોઃ થાનગઢ હત્યાકાંડ: સંજય પ્રસાદ કમિટીનો રિપોર્ટ કેમ જાહેર નથી કરાતો? હાઈકોર્ટે રાજ્ય સરકારને ખખડાવી
આ કેસમાં બગસરા પોલીસ સ્ટેશનમાં મૃતક કાંતિલાલ ચૌહાણના પત્ની રામુબેન દ્વારા આઈપીસી 306, 114, અને અનુસૂચિત જાતિ અને જન જાતિ(અત્યાચાર અટકાવ)અધિનિયમની કલમ 3(1)(r), 3(2)(v) હેઠળ તારીખ 21/10/2023ના રોજ રંજનબેન, હંસાબેન, ભાવનાબેન એમ ત્રણ શિક્ષીકાઓ ઉપરાંત વિપુલભાઈ કયાડા, મુકેશભાઈ બોરીસાગર સહિત કુલ 5 વ્યક્તિ સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી હતી. પોલીસે મુખ્ય આરોપી અને એક શિક્ષિકાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીએ ધારી સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જેને કોર્ટે ફગાવી દીધી છે. હાલ કેસની તપાસ અમરેલી જીલ્લાના એસ. સી./એસ. ટી. સેલના DySP કરી રહ્યાં છે.
આગળ વાંચોઃ ભાજપ ચૂંટણી પ્રચારમાં ડો. આંબેડકરને યાદ કરે છે, પરંતુ ભારતીય દૂતાવાસોમાં તેમની કોઈ તસવીર નથી