દબંગોએ દલિત યુવકના પગના નખ ખેંચી કાઢ્યા, જીવતો દાટી દેવા પ્રયત્ન

મંડપ સર્વિસમાં લાઈટ લગાવવાનું કામ કરતા દલિત યુવકને માથાભારે તત્વોએ તાલીબાની સજા આપતા તેના પગના નખ ખેંચી કાઢ્યા હતા અને તેને જીવતો દાટી દેવા પ્રયત્ન કર્યો હતો.

દબંગોએ દલિત યુવકના પગના નખ ખેંચી કાઢ્યા, જીવતો દાટી દેવા પ્રયત્ન
image credit - Google images

વધુ એક દલિત અત્યાચારની ખૌફનાક ઘટના સામે આવી છે. એક ગામમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક દલિત યુવક મંડપ સર્વિસવાળા વતી લાઈટ લગાવવા માટે મજૂરી કામે ગયો હતો. એ દરમિયાન મંડપ સર્વિસના માથાભારે તત્વો સાથે તેને કોઈ બાબતે વિવાદ થઈ ગયો. આથી ઉશ્કેરાયેલા શખ્સોએ દલિત યુવકને લોખંડના પાઈપ અને રોડ વડે ખરાબ રીતે માર્યો હતો. એ પછી તેમણે મશીનથી તેના પગના નખ ખેંચી કાઢ્યા હતા. જેના કારણે યુવકનો આખો પગ ભયંકર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. 

માથાભારે તત્વો આટલેથી અટક્યા નહોતા. એ પછી તેઓ યુવકને બાઈક ઉપર બેસાડીને અજાણી જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં મોટો ખાડો ગાળીને તેને જીવતો દાટી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, એ દરમિયાન યુવકના પરિવારજનો સહિતના લોકોને જાણ થતા તેઓ ત્યાં પહોંચી જતા આરોપીઓ યુવકને બેભાન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. પરિવારે યુવકને દવાખાને દાખલ કર્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. 

મામલો જાતિવાદ અને લુખ્ખાગીરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં ફતેહપુર જિલ્લામાંથી આ ખૌફનાક ઘટના સામે આવી છે. અહીંના બકેવર પોલીસ સ્ટેશનમાં આવતા જગદીશપુર ગામના સંતોષકુમારની દીકરી પૂજા કોળીએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે કે, તેનો 19 વર્ષનો ભાઈ શિવમ કોળી 30 જૂનના રોજ રમેશ મંડપ સર્વિસવાળાની વર્ધી હોવાથી મંડપમાં લાઈટ લગાવવા માટે ગયો હતો.

એ દરમિયાન બકેવરના આનંદ તિવારી અને લોધે તિવારી સાથે તેને કોઈ બાબતે વિવાદ થયો હતો. જેનાથી આ બંને સિવાય અન્ય બે અજાણ્યા શખ્સોએ મળીને શિવમને જાતિસૂચક ગાળો ભાંડીને અપમાન કર્યું હતું. શિવમે તેનો વિરોધ કર્યો હતો. તેથી માથાભારે તત્વોએ તેને લોખંડનો રોડ કાઢીને ફટકારવાનું શરૂ કરી દીધું હતું.

આ પણ વાંચો: સરકાર એક સાંસદના આરોગ્ય પાછળ વર્ષે રૂ. 51,000 ખર્ચે છે, જ્યારે નાગરિક પાછળ ફક્ત રૂ. 1815 ખર્ચે છે!

માથાભારે તત્વો આટલેથી અટક્યા નહોતા. એ પછી તેમણે ક્રૂરતાની તમામ હદો વટાવતા મશીનથી શિવમના પગના નખ ખેંચી કાઢ્યા હતા અને તેને લોહીલુહાણ કરી દીધો હતો. આ ઘટનામાં શિવમનો પગ ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.

જીવતો દાટી દેવાનો પ્રયત્ન કર્યો

એ પછી બંને તિવારી ભાઈઓએ શિવમને બળજબરીથી બાઈક પર બેસાડીને ગામથી દૂર અજાણી જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેમણે ખાડો ગાળીને શિવમને જીવતો દાટી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, એ દરમિયાન તેના પરિવારજનો ત્યાં પહોંચી જતા તેઓ શિવમને ત્યાં જ પડતો મૂકીને ભાગી ગયા હતા. યુવક શિવમ ત્યાં સુધીમાં બેભાન થઈ ગયો હતો.

એ પછી પરિવારજનો શિવમને હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં તેની હાલત નાજુક હોવાનું કહેવાઈ રહ્યું છે. આ મામલે શિવમની બહેન પૂજાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો પણ તેઓ ફોન બંધ કરીને ભાગી ગયા હોવાનું જાણવા મળે છે.

જો કે, આશ્ચર્યની વાત એ છે કે, પોલીસનું કહેવું છે કે, આવી કોઈપણ પ્રકારની ઘટના બની નથી. એડિશનલ એસપી વિજય શંકર મિશ્ર કહે છે કે, આવી કોઈપણ ઘટના અમારા ધ્યાનામાં નથી આવી.

આ પણ વાંચો: દલિત યુવકને ફટકારતા બેભાન થયો, પાણી છાંટી ભાનમાં લાવી ફરી માર્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.