આંબેડકરનગરમાં આંબેડકર જયંતિની રાત્રે દલિત યુવકને પોલીસે મારતા મોત

રાજકોટ શહેરમાં એક દલિત યુવકને બરાબર 14મી એપ્રિલના રોજ માલવીયાનગર પોલીસ ઉઠાવી ગઈ હતી અને ઢોર મારતા તેનું મોત નીપજતા એક પરિવારનો આધાર છીનવાઈ ગયો છે.

આંબેડકરનગરમાં આંબેડકર જયંતિની રાત્રે દલિત યુવકને પોલીસે મારતા મોત
image credit - Google images

14મી એપ્રિલની રાત્રે એક બાજુ ગુજરાત સહિત આખા દેશનો બહુજન સમાજ તેમના મહાનાયક ડૉ. આંબેડકરની જન્મજયંતિ ઉજવી રહ્યો હતો, બીજી તરફ રાજકોટના માલવીયા નગર પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવેલા ખોડીયારનગરમાં પડોશમાં થયેલા ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક દલિત યુવકને પોલીસ કોઈ જ કારણ વિના ઉઠાવી ગઈ હતી અને ત્યાં ઢોર માર મારતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર રાજકોટ પંથકમાં દલિત સમાજમાં હાહાકાર મચી ગયો છે.

મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે માલવીયાનગર પોલીસ યુવકને ઉઠાવી ગઈ હતી અને તેને કસ્ટડીમાં ઢોર માર માર્યો હતો, જેના કારણે તેમને બ્રેઈન હેમરેજ થતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ મામલે મૃતકના પરિવારજનોએ ન્યાયની ગુહાર લગાવી છે અને યુવકના મૃતદેહને રાજકોટની સિવિલ હોસ્પિટલ બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાખીને ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર રાજકોટ પંથકમાં દલિત સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, એક્ટિવિસ્ટો અને યુવાનો રાજકોટ પહોંચીને મૃતક યુવાનના પરિવારને સાંત્વના આપી ન્યાયની લડતમાં જોડાઈ રહ્યા છે. આ ઘટનામાં કથિત રીતે જવાબદાર આરોપી એએસઆઈ અશ્વિન કાનગડની ધરપકડ કરીને એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા માંગ કરી છે.

મામલો શું હતો?
આ બનાવની મળતી વિગતો પ્રમાણે રાજકોટના ગોંડલ રોડ પાસે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલા આંબેડકરનગર શેરી નં. 2માં રહેતા ગીતાબેન હમીરભાઈ ઉર્ફે ગોપાલભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ઘરકામ કરે છે. ત્રણ દિવસ પહેલા તા. 14મી એપ્રિલની રાતે 11 વાગ્યાની આસપાસ તેમની શેરીની બાજુમાં ખોડીયારનગર શેરી નં.16 ના ખુણા પાસે ચોકમાં રાજુભાઈ સોલંકી તથા તેમના પુત્ર જયેશને તેમના પડોશી સાથે ઝગડો થયો હતો. આ મામલે પોલીસ બોલાવવામાં આવી હતી. જેથી જયેશ ગીતાબેનના પતિ હમીરભાઈને ઘરે બોલાવવા માટે આવ્યો હતો અને સમગ્ર મામલાની જાણ કરી સમાધાન માટે પ્રયત્નો કરવા કહ્યું હતું. આથી હમીરભાઈ તેની સાથે ગયા હતા. જો કે 15 મિનિટ બાદ તેમના દીકરા અરમાને આવીને ગીતાબેનને જણાવ્યું હતું કે, પોલીસની ગાડી આવી હતી અને તેઓ પપ્પાને મારતા મારતા ગાડીમાં બેસાડીને લઈ ગયા છે. આથી ગીતાબેન તેમની સાસુ કેશુબેન સાથે પડોશી નાગજીભાઈના ઘરે ગયા હતા અને તેમને પોલીસ હમીરભાઈને લઈ ગઈ હોવાની વાત કરી હતી.
આથી તેઓ માલવીયાનગર પોલીસ સ્ટેશન પર ગયા હતા અને બાદમાં રાત્રીના એકાદ વાગ્યા આસપાસ નાનજીભાઈ ગીતાબેનના પતિ હમીરભાઈને એકટીવા બેસાડીને  ઘરે લઈ આવ્યા હતા. એ પછી તેઓ સુઈ ગયા હતા અને ત્યારે જ તેઓ અર્ધબેભાન જેવી સ્થિતિમાં હતા. હમીરભાઈને સવારે વહેલા ઉઠવાની ટેવ હતી. પરંતુ બીજા દિવસે સવારે તેઓ વહેલા જાગ્યા નહોતા. આથી તેમના પત્ની ગીતાબહેને જોયું તો તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને પેન્ટ પણ ખરાબ થઈ ગયું હતું. આથી તેમનાં કપડાં બદલ્યા હતા. એ દરમિયાન ગીતાબેનના ધ્યાને આવ્યું કે હમીરભાઈના શરીરે ઢોર માર માર્યાના મસમોટા ચાઠાં પડી ગયા હતા. જેથી તેમણે સાસુ અને જેઠને વાત કરતા તેઓને તાત્કાલિક વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને માથાના ભાગે હેમરેજ જેવી ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં યુવકના ભાઈએ એક વિડીયો મારફતે બનાવ અંગે રોષ ઠાલવતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે.આર. દેસાઈ, પીઆઈ એમ.ડી. ગઢવી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલે દોડી ગયો હતો અને અજાણ્યાં શખ્સ વિરૂદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

દરમિયાન ગઈકાલે સવારે સારવારમાં રહેલા હમીરભાઈનું મોત નિપજયું હતું. આથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ બનાવથી પીડિત દલિત પરિવારમાં આક્રંદની સાથે પોલીસ સામે ભારે રોષ જોવા મળ્યો હતો. બીજી તરફ સમાજના યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થયાનું જાણીને દલિત સમાજના આગેવાનો સહિતના લોકો દોડી આવ્યા હતાં અને જ્યાં સુધી યુવકને માર મારનાર પોલીસકર્મીનું નામ ફરિયાદમાં ઉમેરી ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરી પોલીસ કમિશ્નર કચેરીએ લોકોના ઘાડેધાડા ઉતરી આવ્યા હતાં અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ સ્થિતિ તંગ બનતાં એ. ડિવિઝન પીઆઈ આર.જે.બારોટ સહિતનો પોલીસ સ્ટાફ તેમજ એલસીબી ઝોન-1 ના પીએસઆઈ આર. એચ. ઝાલા સહિતનો સ્ટાફ પણ હોસ્પિટલે દોડી આવ્યો હતો. જો કે, પોલીસે ન્યાય અપાવવાને બદલે દલિત સમાજના આગેવાનોને દૂર ખસેડવાનું કામ કર્યું હતું. આથી દલિતો રોષે ભરાયા હતા.


સિવિલ હોસ્પિટલ ચોકમાં પથ્થરમારો
રાજકોટમાં પોલીસના મારથી હમીરભાઈ રાઠોડનું મોત નિપજ્યું હોવાના સમાચાર સામે આવતા શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રિક્ષા સહિતના વાહનોમાં તોડફોડ થઈ હતી. જ્યાં પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેર પોલીસ દ્વારા આઈપીસી 302 અને એટ્રોસિટી એક્ટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિન કાનગડ નામના એએસઆઈ સામે કોર્ટમાં નામજોગ રિપોર્ટ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસની જુદી જુદી સાત જેટલી ટીમો દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું કહેવાય છે. બીજી તરફ વગર વાંકે એક નિર્દોષ દલિત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત થતા ઉશ્કેરાયેલા લોકોએ શહેરના સિવિલ હોસ્પિટલ ચોક ખાતે રિક્ષા સહિતના વાહનોમાં તોડફોડ કરી હતી. લોકોનો રોષ જોઈને પોલીસે આરોપીઓને 48 કલાકમાં ઝડપી પાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો હતો અને મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ
હમીરભાઈ રાઠોડના મોત બાદ કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે ત્યારે એ પણ યાદ રાખવું જોઈએ કે ગુજરાત પોલીસ સમગ્ર દેશમાં કસ્ટોડિયલ ડેથને મામલે બદનામ છે. સામાન્ય લોકો પર વર્દીનો રોફ ઝાડતી ગુજરાત પોલીસની છબિ લોકોમાં પહેલેથી જ સારી નથી અને તેનું સૌથી મોટું કારણ તેમનું લોકો સાથેનું તોછડું વર્તન અને વર્દીની રોફ છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળવી સહિતના કારણોને લીધે આરોપીઓનાં મોત થયા છે. વર્ષ 2022માં જ ગુજરાતમાં સૌથી વધુ 24 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન(NHRC)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ સરકારના ગૃહ વિભાગનો અસંવેદનશીલ ચહેરો ખુલ્લો પાડ્યો છે.

કસ્ટોડિયલ ડેથના આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 અને વર્ષ 2021-22માં 24 કસ્ટોડીયલ ડેથની ઘટનાઓ બની છે. કોરોનાકાળના વર્ષ 2019-20માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.

આગળ વાંચોઃ કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.