કસ્ટોડિયલ ડેથમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે, છેલ્લાં 5 વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓના મોત થયા
ગાંધીનું ગુજરાત દારૂબંધી બાદ કસ્ટોડિયલ ડેથ મામલે પણ ચર્ચામાં આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીનાં કસ્ટોડીયલ ડેથ સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમાંકે છે. પોલીસ ટોર્ચર, સમયસર મેડીકલ ટ્રીટમેન્ટ ન મળવી સહિતના કારણોને લીધે આરોપીઓનાં મોત થયા છે. વર્ષ 2022માં જ ગુજરાતમાં સૌથી વધુ 24 મોત પોલીસ કસ્ટડીમાં થયા છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન(NHRC)ના રિપોર્ટમાં કસ્ટોડીયલ ડેથના આંકડાઓએ સરકારના ગૃહ વિભાગનો અસંવેદનશીલ ચહેરો ખુલ્લો પાડ્યો છે.
કસ્ટોડિયલ ડેથના આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાતમાં વર્ષ 2017-18માં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 અને વર્ષ 2021-22માં 24 કસ્ટોડીયલ ડેથની ઘટનાઓ બની છે. કોરોનાકાળના વર્ષ 2019-20માં કસ્ટોડીયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટના સાથે કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે.
આ મામલે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ‘માનવ અધિકારોનું’ મોટાપાયે ઉલ્લંઘન થાય છે. સત્તાના દુરઉપયોગમાં રાચતી ભાજપ સરકારના શાસનમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથ અંગે ગુજરાત લૉ-કમીશનનો અહેવાલ પોલીસ તંત્રની અમાનવીય કામગીરીને ઉજાગર કરે છે. ગુજરાતમાં સતત વધી રહેલા કસ્ટોડીયલ ડેથના કિસ્સાઓ ચિંતાનો વિષય છે. સભ્ય સમાજ કાયદાના શાસનથી ચાલે છે. ગુજરાત લો-કમીશનના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, પોલીસ તંત્રની કામગીરી પર વારંવાર પ્રશ્નાર્થ ઉભો થાય છે કારણ કે પોલીસ કર્મચારીઓ બેફામ રીતે સત્તાનો દુરૂપયોગ કરી રહ્યાં છે અને રક્ષકને બદલે ભક્ષકની કામગીરી કરી રહ્યાં છે.
રાજ્ય સરકારે પોલીસ તંત્રને સંવેદનશીલ બનાવવું જોઈએ
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ન્યાયતંત્રમાં વિશ્વાસ ટકી રહે તે માટે પણ આ મામલે તટસ્થ અને પારદર્શક તપાસ થવી જોઈએ. માનવ અધિકારનું સન્માન અને માનવ અધિકારના ઉલ્લંઘનને રોકવા માટે માનવ અધિકાર કાયદાનો કડક અમલ થવો જરૂરી છે. માનવ અધિકારનું સન્માન એ સુશાસનના કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. લોકતંત્રમાં રાજ્ય સરકારની જવાબદારી બને છે કે માનવ અધિકારનું સંરક્ષણ અને માનવ અધિકારને પ્રોસાહીત કરવાનું કામ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકારે કસ્ટોડીયલ ડેથ રોકવા માટે પોલીસ તંત્રમાં સતત સુધારા પણ કરવા જોઈએ અને પોલીસ તંત્રને સંવેદનશીલ બનાવવું બંધારણીય જવાબદારી છે.
ગુજરાતના 130 પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા નથી!
અહીં એ પણ યાદ રાખવું રહ્યું કે, સુપ્રીમ કોર્ટના 24 જુલાઈ 2015ના ચુકાદામાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા માટે આદેશ કરવામાં આવેલો છે, છતાં ગુજરાતમાં 130 પોલીસ સ્ટેશનમાં આજદીન સુધી સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. તેનાથી માનવ અધિકારના ઉલ્લંઘનને રોકી શકવામાં મદદ મળી શકે અને સત્તાધીશોને શિસ્ત જાળવવામાં મદદરૂપ થાય છે. સુપ્રીમકોર્ટના ચુકાદા પછી જો રાજ્ય સરકારે સીસીટીવી કેમેરા લગાવ્યા હોત તો અનેક કિસ્સાઓમાં કસ્ટોડીયલ ડેથ રોકી શકાઈ હોત. ઘણાં કિસ્સામાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા હોવા છતાં કાર્યરત નથી તે ઘણી ચિંતાનો વિષય છે. કસ્ટોડીયલ ડેથના નોંધાયેલા કેસોમાં પોલીસ દ્વારા માર મારવો, ટોર્ચર કરવા ઉપરાંત કેટલાક કિસ્સામાં બીમારી સહિતના કારણોસર આરોપીઓના જીવ ગયા છે.