અમદાવાદમાં બહુજનોએ Thangalaan ને હાઉસફૂલ કરી મનુવાદનું નાક કાપ્યું

Pa. Ranjith ની ફિલ્મ Thangalaan ને અમદાવાદમાં રજૂ ન થવા દેવા મનુવાદીઓ મેદાને પડ્યા છે, પણ બહુજનોએ તમામ શો હાઉસફૂલ કરી મનુવાદ અને મનુવાદીઓનું નાક કાપી લીધું છે.

અમદાવાદમાં બહુજનોએ Thangalaan ને હાઉસફૂલ કરી મનુવાદનું નાક કાપ્યું
image credit - Google images

આર.કે. પરમાર

આખરે ૬ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ભારત અને વિશ્વના દેશોમાં તરખાટ મચાવનાર સુપરસ્ટાર નિર્દેશક પા રંજીથ(pa. ranjith)ની ફિલ્મ થાંગાલાન(thangalaan) ઉત્તર ભારત(North India) સહિત ગુજરાત(Gujarat)માં રિલીઝ થઈ ચૂકી છે. સુપરસ્ટાર ચિયાન વિક્રમ(chiyaan vikram) અભિનીત આ ફિલ્મ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે ત્યારે હવે ઉત્તર ભારતમાં રિલીઝ થયા બાદ આ ફિલ્મ કમાણીના વધુ રેકોર્ડ કરશે એમાં કોઈ બેમત નથી.

જોકે બ્રાહ્મણવાદ(brahmanvaad) અને જાતિવાદ(casteism)નો ગઢ ગણાતા ગુજરાતમાં આ ફિલ્મને પહેલા માત્ર અમદાવાદમાં પાંચ જ થિયેટર ફાળવવામાં આવ્યા હતા અને એ પાંચ થિયેટરમાં પણ માત્ર એક એક શો જ રજૂ કરવામાં આવ્યો હતો. જો કે આ પાંચ થીયેટરો ફાળવ્યા હોવા છતાં પણ ગુજરાતના આંબેડકરવાદીઓએ સોશ્યલ મીડિયા કેમ્પેઇનથી ફિલ્મનો ધરખમ પ્રચાર પ્રસાર કરતા આ શો ખૂબ ઝડપથી હાઉસ્ફૂલ થવા લાગ્યા હતાં. કેટલીક જગ્યાએ તો આખેઆખા શૉ જ બુક કરવામાં આવ્યા હતા. આ જોઈ આ મનુવાદીઓ પાછા હરકતમાં આવ્યા અને રિલીઝના દિવસે પાંચ થિયેટરની જગ્યાએ અમદાવાદ ગાંધીનગર માં મળીને કુલ ૧૭ થિયેટરોમાં ફિલ્મના શો વધારી દીધા હતા.

સામે કેટલાક થિયેટરોના માલિકો જેમણે આગાઉ આ ફિલ્મ પોતાના થિયેટરમાં રજૂ કરવાનું નક્કી કર્યું હતું તેમણે છેલ્લી ઘડીએ પોતાના થિયેટરોમાં આ ફિલ્મના શૉ રદ્દ કરી દીધા હતા. ગુજરાતના આ મનુવાદી લોકો બહુજન વિચારધારાની ફિલ્મો સાથે આટલી આભડછેટ રાખતા હોય તો માણસો સાથે તેમનો વ્યવહાર કેટલો કટ્ટર રહેતો હશે? 

જોકે ગુજરાતના આંબેડકરવાદી લોકોએ આ ફિલ્મના પ્રચાર પ્રસાર દ્વારા તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી દીધી છે. એવું તે શું કારણ છે કે ગુજરાતનાં બ્રાહ્મણવાદી લોકો આ ફિલ્મે લોકો સુધી પહોંચતા અટકાવવાના ભરપૂર પ્રયાસો કરી રહ્યા છે. એક ૧૦૦ કરોડ કમાણી કરેલ ફિલ્મને ગુજરાત જેવા રાજ્યમાં માત્ર પાંચ શો જ ફાળવવામાં આવે તે કેટલું ભેદભાવપૂર્ણ છે? 

હકીકતમાં આ ફિલ્મની વાર્તા એ સદીઓથી ચાલ્યા આવતા બહુજન-મૂળનિવાસી વિરૂદ્ધ બ્રાહ્મણવાદના સંઘર્ષ ઉપર છે. આ ફિલ્મની વાર્તા ઇતિહાસના પુસ્તકો, ફિલ્મોમાં દબાવી દેવામાં આવેલા એ દલિત - આદિવાસીઓના ઇતિહાસને રજૂ કરે છે જે વીરતા, બહાદુરી અને આત્મસન્માનવાળો ઇતિહાસ છે.

આ પણ વાંચો:  Pa. Ranjithની બોલીવૂડમાં એન્ટ્રી, Birsa Munda પર ફિલ્મ બનાવશે

ગુજરાતના આંબેડકરવાદીઓએ પણ આ ફિલ્મને એટલા જ ઉમળકાથી વધાવી છે. અમદાવાદ સીટી ગોલ્ડ આશ્રમ રોડ ઉપર ફિલ્મના પહેલા જ દિવસે એક આખો શો બુક કરાવવામાં આવ્યો હતો અને તેમાં અમદાવાદ અને બહારના આંબેડકરવાદીઓએ આ ફિલ્મે એકસાથે માણી હતી. 

બીજી બાજુ પ્રકાશ બેન્કર સાહેબે પણ મણિનગરના એક થિયેટરમાં આ ફિલ્મનો શો બુક કરાવવાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે ટિકિટના દર માત્ર ૧૦૦ રૂપિયા જ રાખ્યા હતા જ્યારે ટિકિટના બાકીના પૈસા જાતે ઉમેરવાનું પણ જાહેર કર્યું હતું. જોકે શોના દિવસે સવારે જ થિયેટર માલિકે આ ફિલ્મના શો રદ્દ કરી દીધા હતા. બહુજન વિચારધારાને રજૂ કરતી ફિલ્મો બહુજન સમાજના લોકો સુધી ના પહોંચે તે માટે તેઓ એડીચોટી નું જોર લગાવી રહ્યા છે.

આવુ થવાનું મૂળ કારણ ગુજરાતમાં થિયેટર અને ફિલ્મ નિર્માણ ના ઉદ્યોગોમાં મોટાભાગે સવર્ણ હિન્દુ જાતિઓના લોકોનો કબજો છે. આ લોકો પોતાના હિંદુત્વના એજન્ડાના રજૂ કરતી ફિલ્મો બનાવે છે, રજૂ કરે છે અને સરકાર પાસે ટેકસ ફ્રી પણ કરાવીને ઊંચનીચ અને ભેદભાવ વાળી હિન્દુત્વની વિચારધારાને પ્રોત્સાહન આપે છે પરંતુ જોઈ કોઈ દલિત આદીવાસી વિચારધારાને રજૂ કરતી ફિલ્મ આવે ત્યારે તેઓ તેને લોકો સુધી નહિ પહોંચવા દેવા તેઓ એકમત થઈ કામ કરે છે.

આ ફિલ્મ જોયા બાદ કેટલાક દર્શકોના રિવ્યૂ પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં તેઓ આ ફિલ્મને બ્રાહ્મણવાદના અત્યાચારને બેનકાબ કરતી સુંદર ફિલ્મ તરીકે ગણાવી રહ્યા છે. કેટલાક દર્શકોના માટે આ ફિલ્મ જોયા બાદ તેમનો બૌદ્ધ ધમ્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ પણ બદલાઈ ગયો છે.

ગુજરાતના બ્રાહ્મણવાદીઓએ જે રીતે આ ફિલ્મને રોકવાની કોશિશો કરી છે તેનો જવાબ ગુજરાતના બહુજન દર્શકોએ આ ફિલ્મને ઉમળકાભેર વધાવીને આપી દીધી છે. આપ પણ આ ફિલ્મને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી આપણી વિચારધારાને મજબૂત બનાવવામાં આપનું યોગદાન જરૂર આપો.

(લેખક બહુજન સમાજના વિખ્યાત ડિજિટલ પ્લેટફોર્મ R K Studioz ના ફાઉન્ડર છે.)

આ પણ વાંચો: પા. રંજિથની ફિલ્મ Thangalaan ને ગુજરાતમાં કેમ રિલીઝ થવા દેવાતી નથી?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.