હાઈવે બનાવવા રૂ. 1896 કરોડ ખર્ચ થયો, ટોલ ટેક્સથી 8349 કરોડ વસૂલ્યા
સોશિયલ મીડિયામાં હાલ એક નેશનલ હાઈવે પર ઉઘરાવવામાં આવતા ટોલટેક્સને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. શું છે આખો મામલો વાંચો આ રિપોર્ટ.
સરકાર અને કોન્ટ્રાક્ટરો મળીને કેવી રીતે લોકો પાસેથી કરોડો રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવે છે તેની આ વાત છે. હાલ દેશભરમાં વરસાદ બાદ રસ્તાઓ ખાડા-ભૂવાનગરીમાં ફેરવાઈ ચૂક્યા છે ત્યારે લોકો રસ્તાઓ અને તેની પાછળ થતા ખર્ચાની ચર્ચા શરૂ કરતા થયા છે. એવામાં એક નેશનલ હાઈવેના નિર્માણના ખર્ચ અને અત્યાર સુધીમાં ત્યાં ટોલટેક્સ દ્વારા વસૂલ કરવામાં આવેલી રકમના આંકડાએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ રોડને લઈને થયેલી એક આરટીઆઈમાં સામે આવ્યું હતું કે રોડ બનાવવા પાછળ રૂ. 1896માં બન્યો હતો અને ત્યાં ટોલનાકું ખોલીને સરકારે અધધધ.. 8349 કરોડની રકમ વસૂલ કરી લીધી હતી.
મામલો દિલ્હી જયપુર નેશનલ હાઈવેનો છે જેને NH 8 તરીકે ઓળખવામાં આવે છે. આખી ઘટના એક ન્યૂઝ ચેનલને જયપુરના એક દર્શકે જણાવી હતી. એ પછી ન્યૂઝ ચેનલે આરટીઆઈ કરી માહિતી મેળવતા આખો મામલો સામે આવ્યો હતો.
આ પણ વાંચો: વોટ્સએપ યુનિવર્સિટી કરતા પણ કોર્પોરેટ કથાકારો વધુ જુઠ ફેલાવે છે
જયપુરથી આજતક ન્યૂઝ ચેનલને પત્ર લખનાર દર્શકે જણાવ્યું હતું કે, દિલ્હી-જયપુર હાઈવે પર મનોહરપુર ટોલ પ્લાઝા પર ઘણાં સમયથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે. રોડની કિંમત વસૂલવામાં આવી ગઈ હોવા છતાં પણ આ ટોલનાકું બંધ કરવામાં આવ્યું નથી. દર્શકે એ પણ જણાવ્યું કે આ નેશનલ હાઈવે પર મનોહરપુર સિવાય શાહજહાંપુર અને દૌલતપુર એમ બે ટોલ પ્લાઝા છે.
આ પછી આજતકે આરટીઆઈ દ્વારા ત્રણેય ટોલ પ્લાઝાની માહિતી માંગી હતી, જેમાંથી એક આરટીઆઈનો જવાબ મળ્યો હતો. આરટીઆઈમાં આજતકે પૂછ્યું હતું કે રાજસ્થાનમાં ગુરુગ્રામ-કોટપુતલી-જયપુરમાંથી NH-8 નું નિર્માણ ક્યારે થયું અને ટોલ ટેક્સ ક્યારે લાગુ કરવામાં આવ્યો? જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે આ ટોલ પ્લાઝા પર તા. 3 એપ્રિલ 2009થી ટોલ વસૂલવામાં આવે છે. ચેનલે એ પણ પૂછ્યું હતું કે રોડ બનાવવાનો ખર્ચ કેટલો થયો અને તેમાં સરકારનો કેટલો હિસ્સો હતો? જેના જવાબમાં કહેવામાં આવ્યું કે હાઈવેના નિર્માણમાં 1896 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આરટીઆઈમાં આગળ પૂછવામાં આવ્યું હતું કે આ રોડ પર કેટલો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે? તેના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૩ સુધી આ ટોલ પ્લાઝામાંથી ૮૩૪૯ કરોડ રૂપિયા એકત્ર થયા છે. આટલી રકમથી ગુરુગ્રામથી જયપુરને જોડતા ૪ હાઈવે બનાવી શકાય.
ટોલપ્લાઝા પર આટલી મોટી રકમ વસૂલી લેવામાં આવી હોવા છતાં હજુ પણ તેને બંધ કરવામાં આવ્યું નથી. જ્યારે આ માહિતી આજતક દ્વારા સામે આવી ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ હતી. લોકો સવાલ પૂછી રહ્યા છે કે જ્યારે વાહન ખરીદતી વખતે રોડ ટેક્સ ભરાય છે તો પછી રસ્તા પર મુસાફરી કરવા પર દર ૫૦ કિલોમીટરે ટોલ ટેક્સ કેમ વસૂલવામાં આવે છે? અન્ય એક યુઝરે કહ્યું કે જો આવા તમામ મોટા હાઈવેની પણ આરટીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તો ૪ ગણા નફાના સમાન આંકડાઓ સામે આવે તેમ છે.
આ પણ વાંચો: અમદાવાદના રસ્તાઓ જીવલેણ છે, ૨૦૨૩માં ૮૭૦નાં મોત થયા