Kaala - સિનેમાના પડદે રજૂ થયેલી દલિત અસ્મિતાની સિંહગર્જના
મુંબઈની ધારાવી ઝુંપડપટ્ટીના રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અદાણીને સોંપાયો છે ત્યારે અનાયાસે જ વર્ષ 2018માં આવેલી પા. રંજિત નિર્દેશિત આ ફિલ્મમાં ઉજાગર થતી દલિત અસ્મિતાની ગર્જના યાદ આવે છે.

નિર્દેશક પા. રંજીથ (Pa. Ranjith)ની ફિલ્મ ‘Kaala’ સિનેમાના પડદે રજૂ થતી દલિત અસ્મિતાની ગર્જના છે. એવું નથી કે હિન્દી સિનેમાએ અત્યાર સુધી દલિતોના શોષણની વાર્તાઓ જોઈ જ નથી. હિન્દી સિનેમામાં સિત્તેર અને એંશીના દાયકામાં સમાંતર સિનેમાના આંદોલન દરમિયાન શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાણી, કેતન મહેતા અને દેશનાં અન્ય પ્રાદેશિક ફિલ્મમેકર્સની ફિલ્મોમાં વંચિતો અને દલિતોની કથા ભારતીય દર્શકોને જોવા મળી હતી. પરંતુ, તે સમાંતર સિનેમાની ભાષા મુખ્યધારાના સિનેમાથી અલગ હતી અને સામાન્ય દર્શકોથી પણ દૂર હતી. તમિલ સિનેમામાંથી આવેલી સુપરસ્ટાર રજનીકાંતની ‘કાલા’ની સૌથી ખાસ વાત એ છે કે અહીં નિર્દેશક પા. રંજીથ દલિતોની વાત લોકપ્રિય સિનેમાની ભાષામાં રજૂ કરે છે. કંઈક આ જ પ્રકારનું કામ અગાઉ મરાઠી ભાષાની સર્વાધિક કમાણી કરતી ફિલ્મ ‘સૈરાટ’માં નિર્દેશક નાગરાજ મંજુળેએ કર્યું હતું.
.
કાલા’માં ઇન્દ્રધનુષના રંગો છે અને સંગીત પણ છે, સુંદર પ્રેમ કહાની છે અને નાયકની મારધાડ પણ છે. ફિલ્મમાં સ્લો-મોશન અને સ્પેશિયલ ઇફેક્ટ્સ, ટેકનિકનો યોગ્ય ઉપયોગ કરીને ડિઝાઇનર ફાઈટ સિક્વન્સની રચનાથી લઈને એનિમેશન સુધીનો ઉપયોગ જોવા મળે છે. સિનેમાની ભાષામાં ‘કાલા’ એક મસાલા ફિલ્મ છે કે જેમાં ભરપૂર સંયોગ અને મેલોડ્રામા છે. પ્રતિબિંબ એ જ છે પણ તેનો અર્થ વિપરીત છે, સંત કબીરની રચનાઓની માફક. આ ફિલ્મ લોકપ્રિય સિનેમા માટે જાણે કે એન્ટી-થીસિસ છે. ફિલ્મના વિસ્મયકારી અંતમાં જ્યાં એકબાજુ રામાયણની કથાનું વાંચન ચાલી રહ્યું છે, જ્યારે બીજી બાજુ ધારાવી ઝૂંપડપટ્ટીના બહુજન મહાનાયક કાલા કરિકાલન (રજનીકાંત) જે રીતે કથાથી પર જઈને વૈચારિક યુદ્ધનું પ્રતીક બની જાય છે, જે વર્તમાન શહેરી ભારતથી લઈને દંડકારણ્યના જંગલો સુધી જોવા મળી રહ્યું છે. એવું યુદ્ધ કે જે જમીનનાં કબ્જા માટે સવર્ણ રાજ્ય સત્તા અને બહુજન સમાજની વચ્ચે લડાઈ રહ્યું છે. સવર્ણ કોર્પોરેટ સત્તા માટે આ જમીન તાકાત છે, બહુજન સમાજ માટે આ જમીન તેમનું જીવન છે. રામાયણમાં રજૂ થયેલા રાવણના દસ મસ્તિષ્ક અહીં બહુજન સામૂહિકતાનું પ્રતીક બની જાય છે, જો એક મસ્તિષ્ક કપાશે તો બીજું તરત જ ઊગી આવશે.
ફિલ્મનો નાયક કાલા કહે છે કે બહુજનનું અંતિમ હથિયાર તેમનું શરીર છે. આખા શહેરનું રોજિંદુ જીવન માત્ર તેમની મહેનતના બળ પર ચાલે છે. અંતે, ધારાવીમાં રહેનાર તમામ માણસો પણ પોતે કાલા જ છે. અહીં વિલન ‘ક્લીન કન્ટ્રી’ અભિયાન ચલાવનાર અને ‘ડિજીટલ મુંબઈ’નું સ્વપ્ન વેચનાર એક એવો રાષ્ટ્રવાદી રાજનેતા છે કે જેનો ચહેરો શહેરના લગભગ દરેક પોસ્ટર પર જોવા મળે છે. કાલા પોતાનાથી નાનાં લોકોને પણ સામેથી હાથ લંબાવીને મળવા જાય છે અને સમાનતાનો સંબંધ કાયમ કરે છે, જ્યારે ફિલ્મમાં રાજનૈતિક પાર્ટીનો નેતા ચરણસ્પર્શની અસમાનતાની રૂઢિમાં બંધાયેલો છે અને તે એક એવા ભારતની રચના કરવા માંગે છે કે જેમાં તમામ વિપક્ષીને રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ ઊભો કરનાર ‘દેશદ્રોહી’ ગણવામાં આવે છે.
અહીં કાળો રંગ મહેનતના રંગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. કાલા આંબેડકરવાદી પ્રતીક અને ઓળખોથી ભરપૂર ફિલ્મ છે, ‘ભીમા ચાલ’ ના સરનામાથી લઈને ‘જય ભીમ’ના અભિવાદન સુધી, ‘ભીમજી’થી લઈને ‘લેનિન’ના નામ સુધીનું યુવા પાત્ર કાલાની સાથે સંઘર્ષમાં સાથ આપતું જોવા મળે છે. ફિલ્મમાં નાયક કાલાનો સૌથી નાનો પુત્ર ‘લેનિન’ ફિલ્મનું સૌથી રસપ્રદ પાત્ર છે, તે ફિલ્મનો યુવા નાયક છે. દલિત સમાજની શિક્ષિત ચેતનવંતી નવી પેઢીનો પ્રતિનિધિ, અને હવે તે પોતાના અધિકારોને બંધારણીય રીતે પ્રાપ્ત કરવા માંગે છે. લેનિન તેના પિતા કાલાનો વૈચારિક ઉત્તરાધિકારી છે. કાલા પોતે પણ દલિત અસ્મિતાનું જીવંત પ્રતીક છે, અને ફિલ્મના એક રોમાંચક એક્શન દ્રશ્યમાં તેના હાથમાં રહેલી કાળી છત્રીને હથિયાર બનાવીને લડતો જોવા મળે છે કે જેનાથી તેની વર્ગીય ઓળખ પણ સ્પષ્ટ થાય છે. કારણ કે, અહીં કાળી છત્રી એ મુંબઈના મજૂર વર્ગનું સિનેમા સંલગ્ન પ્રતીક છે. કાલાનો રંગ જો વાદળી છે તો લેનિનનો પ્રતિનિધિ રંગ લાલ છે.
ફિલ્મમાં ‘લેનિન’ નામનું યુવા પાત્ર પોતાની ઝૂંપડપટ્ટીની હાલત સુધારવા માંગે છે, પોતાનું નસીબ પણ બદલવા ઈચ્છે છે. પણ, તે સત્તા દ્વારા વેચાઈ રહેલ ‘રિડેવલપમેન્ટ’ના પ્લાનની સાચી હકીકતને સમજી શકતો નથી. પણ, આ જમીન પર વર્ષોથી મહેનત અને સંઘર્ષ કરી રહેલ કાલા અને તેના સાથીઓએ આ સવર્ણ સત્તાના જૂઠ્ઠા વાયદાઓને નજીકથી પારખી લીધા છે અને તેનો ભોગ પણ બન્યા છે. તેઓ જાણે છે કે આ અમારી 75 એકરની જમીન પર ગોલ્ફ કોર્સ બનાવનાર ‘મનુ બિલ્ડર્સ’ની યોજનાઓમાં તેમના જેવા લોકો માટે કોઈ જ સ્થાન નથી. રાજ્યસત્તા, અને તે દ્વારા વેચવામાં આવનાર ‘વિકાસ’ના નારાઓમાં અસલી સવર્ણ ચહેરાઓ ધીરે-ધીરે ઓળખાવા લાગે છે અને અંતમાં કાલા જ સાચો સાબિત થાય છે. ફિલ્મમાં એક બાજુ લેનિનને કાલાના મૌલિક વૈચારિક ઉત્તરાધિકારીના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, જ્યારે બીજીબાજુ આ અસમાનતાના સમાજમાં તેના શુદ્ધ ડાબેરી આદર્શો પર ઊભેલી વર્ગીય સમજણની સીમાઓને પણ ચિહ્નિત કરે છે. સારું છે કે આ ફિલ્મ હિન્દી સિનેમામાં અગાઉ માર્ક્સવાદી લેખકો દ્વારા રચવામાં આવેલ એક ચોક્કસ પ્રકારની સમજણમાં બંધ બેસતી નથી કે જેમાં અગાઉ જાતિની સમસ્યાને ક્લાસ પ્રોબ્લેમની એક બાય પ્રોડક્ટ તરીકે જોવામાં આવતી હતી.
.ફિલ્મ ‘Kaala’ વૈચારિક સંપન્નતા પ્રાપ્ત કરેલ દલિત યુવાનનું ભવિષ્ય છે, વાદળી અને લાલ આ બંને રંગ તે વૈચારિક પડકારોનું પ્રતીક છે કે જેનાથી સવર્ણ-કોર્પોરેટ સત્તાને ઉખેડી ફેંકવાની વાત છે, અને કાલા તેનું પ્રતીક છે. અહીં સહાનુભૂતિથી સ્વાનુભૂતિની વાત છે, અહીં ‘દલિત નજર’ છે, જે દેશનાં લોકપ્રિય સિનેમામાં હજુ સુધી અનુપસ્થિત છે.
મૂળ લેખક – મિહિર પંડ્યા
અનુવાદ – નિલય ભાવસાર
આ પણ વાંચો : વિદ્યાઃ આઝાદ ભારતમાં જાતિને પડકાર આપનારી પહેલી ફિલ્મ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Rajendra Sutariyaખુબ જ સરસ, ખુબ ખુબ અભિનંદન