કેનેડા પ્રત્યે ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ, અરજીઓમાં 80 ટકાનો ઘટાડો
રાજદ્વારી સંબંધોના ખટાશ ઉપરાંત વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને રોજગારીની મર્યાદિત તકોએ પણ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે.
ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્વારી તણાવને કારણે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવાને લઈને અસમંજસમાં આવી ગયા છે. નિષ્ણાતોનું કહેવું છે કે ૨૦૨૫ના શૈક્ષણિક સત્ર માટે કેનેડામાં અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ ૮૦%નો ઘટાડો થયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને રોજગારીની મર્યાદિત તકોએ પણ વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે.
કારકિર્દી માર્ગદર્શન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ૨૦૨૫ સત્ર માટે કેનેડામાં અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં લગભગ ૮૦% ઘટાડો થયો છે. ભારતીય માતા-પિતા માટે બાળકોની સલામતી એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને વર્તમાન રાજકીય વાતાવરણને કારણે કેનેડાને હવે સલામત સ્થળ તરીકે જોવામાં આવતું નથી.
૨૦૨૫ સત્રમાં ગ્રેજ્યુએશન માટેની અરજીઓ સામાન્ય કરતાં માત્ર એક ક્વાર્ટર છે. ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા હવે ખાસ કરીને વિઝા અને સુરક્ષા સંબંધિત ચિંતાઓને કારણે કેનેડિયન સંસ્થાઓમાં અરજી કરવા પર પુનર્વિચાર કરી રહ્યા છે. એજ્યુકેશનલ એડવાઈઝર સર્વિસિસ મુજબ વર્ષ ૨૦૨૫ના સત્ર માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦-૬૦% ઘટાડો થયો છે. ખાસ કરીને ગ્રેજ્યુએશન અભ્યાસ માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
આ પણ વાંચો: ગુજરાતમાંથી કેનેડાના સ્ટુડન્ટ વીઝાની અરજીઓમાં 50 ટકાનો ઘટાડો નોંધાયો
નિષ્ણાતો કહે છે કે આ ઘટાડો માત્ર રાજદ્વારી તણાવને કારણે નથી પરંતુ કેનેડામાં વધતી જતી રહેઠાણની કિંમત, હાઉસિંગ કટોકટી અને મર્યાદિત રોજગારીની તકોને કારણે પણ છે. જેના કારણે વિદ્યાર્થીઓનું આકર્ષણ ઘટ્યું છે. ૨૦૨૧ અને ૨૦૨૩ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓ માટે કેનેડા સૌથી લોકપ્રિય સ્થળ હતું, પરંતુ સપ્ટેમ્બર ૨૦૨૩માં શરૂ થયેલા રાજદ્વારી તણાવે પરિસ્થિતિ બદલી નાખી છે. આટલું ઓછું હોય તેમ કેનેડાએ ૨૦૨૪માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા અરજીઓમાં ૩૫% અને ૨૦૨૫ માટે વધુ ૧૦% ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
કેરિયર મોઝેઇકે ૨૦૨૧માં ૧,૦૦૦ વિદ્યાર્થીઓને કેનેડામાં પ્રવેશ આપ્યો હતો, પરંતુ ૨૦૨૪માં તે સંખ્યા ઘટીને ૩૦૦ થઈ ગઈ હતી. કંપનીના સ્થાપક અભિજીત ઝવેરીએ કહ્યું કે ૨૦૨૫માં આ સંખ્યા ઘટીને માત્ર ૨૦૦ થઈ શકે છે. હાઉસિંગ કટોકટી, વિઝા પ્રોસેસિંગમાં વિલંબ અને વિઝા પોલિસીમાં ફેરફાર જેવી સમસ્યાઓના કારણે આ ઘટાડો વધી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં કેનેડિયન યુનિવર્સિટીઓ તરફ વિદ્યાર્થીઓની પૂછપરછમાં પણ ૩૦% ઘટાડો થયો છે.
ભારતીય વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા માત્ર કેનેડાના શિક્ષણ ક્ષેત્રને જ નહીં પરંતુ અન્ય સંબંધિત ઉદ્યોગો અને હાઉસિંગ ક્ષેત્રોને પણ અસર કરશે. જાણકારોના મતે, કેનેડિયન કંપનીઓ ભારતીય વિદ્યાર્થીઓની ભરતી પર અનૌપચારિક રીતે રોક લગાવી શકે છે, જેનાથી ભારતીયો માટે રોજગારની સ્થિતિ વધુ મુશ્કેલ બને છે. જો કે, જે વિદ્યાર્થીઓએ ૨૦૨૪ માટે અરજી કરી છે અથવા કેનેડામાં પહેલેથી જ અભ્યાસ કરી રહ્યાં છે તેમને વર્તમાન તણાવની સીધી અસર થશે નહીં, પરંતુ ૨૦૨૫માં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો: શીખ નેતાએ કેનેડામાં RSS ના નેટવર્ક પર પ્રતિબંધની માંગ કરી