ગીરના ગામડાઓમાં ઈકો સેન્સેટિવ ઝોનને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો

જૂનાગઢના ગીર જંગલને લઈને જાહેર કરાયેલા નવા ઈકો સેન્સેટિવ ઝોનને લઈને સ્થાનિકો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાય છે.

ગીરના ગામડાઓમાં ઈકો સેન્સેટિવ ઝોનને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો
image credit - Google images

જૂનાગઢના ગીરના જંગલ આસપાસના વિસ્તારમાં જાહેર કરાયેલા નવા ઈકો સેન્સેટિવ ઝોનને લઈને વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે. ઈકો ઝોનનો વિરોધ હવે સરકાર માટે મોટી સમસ્યા બની રહ્યો છે. આપના નેતાઓએ આજે કરેલા સંમેલન દરમિયાન આપ પ્રવક્તા કરશન બાપુએ ચીમકી ઉચ્ચારી હતી કે, સરકાર ઇકો ઝોન સંપૂર્ણ નાબૂદ કરે, નહિતર હું દેહ ત્યાગ કરીશ. ટૂંક સમયમાં હું સમય અને સ્થળ જાહેર કરીશ. ગીરગઢડા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મળેલા સંમેલન દરમિયાન કરશન બાપુએ આ એલાન કર્યું હતું.

ગીર જંગલના બોર્ડરના ગામોમાં ઈકો સેન્સેટિવ ઝોનના કાયદા વિરૂદ્ધ જનઆક્રોશ થમી નથી રહ્યો. નવરાત્રી પર ગીરના ગામેગામ ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરતા ગરબા યોજાયા હતા. એ પછી દશેરા દરમિયાન ખેડૂતોએ ઈકોઝોનના પૂતળાનું દહન કર્યું હતું.

ખેડૂત આગેવાનો પોતાના પક્ષની લાઈન છોડીને પણ પોતાની ખેતીની રક્ષા માટે ખુલીને ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ કરી રહ્યા છે. ભાજપ સમર્થિત તાલાળા મેંગો માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ આ કાયદાનો વિરોધ કરવા ઠરાવ કરાયો છે. તાલાલા એપીએમસીના તમામ ૧૬ સભ્યોની સહમતિથી ઠરાવ મંજૂર કરાયો છે કે ગીર ઈકોઝોનનો કાયદો અને જાહેરનામાને રદ કરવામાં આવે.

આ પણ વાંચો: હૂલ વિદ્રોહ: તિલકા માંઝી અને સીદો-કાન્હુ સહિત સંથાલ આદિવાસીઓની શૌર્યગાથા

ખેડૂતોનો આરોપ છે કે રાજકીય મોટા માથાઓને છાવરીને જ્યાં ખનન પ્રવૃત્તિ ચાલે છે તે વિસ્તારોને ઇકોઝોનના સીમાંકનની બહાર રાખવામાં આવ્યા છે અને માત્ર નાના ખેડૂતોને દબાણમાં લેવામાં આવ્યા છે. બીજી તરફ વન વિભાગ દ્વારા ઈકોઝોન ફાયદાકારક છે એવા કાગળ ગામે-ગામ ખેડૂતોને આપવામાં આવી રહ્યાં છે પણ એની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠી રહ્યાં છે. કારણ કે આ કાગળો પર ન તો વનવિભાગ કે ન તો સરકારના કોઈ અધિકૃત હસ્તાક્ષર છે. ત્યારે ખેડૂતો એમ પણ કહી રહ્યા છે કે વનવિભાગ દ્વારા અત્યારે પણ પોતે જમીનના માલિક છે તેમ વર્તન કરી અને ખેડૂતોને વૃક્ષો વાવવા માટે પણ પરવાનગી લેવી પડે તેવું જકકી વલણ દાખવાઈ રહ્યું છે.

ઈકો સેન્સેટીવ ઝોન મુદ્દે વનવિભાગ સામે ઉભો થયેલા વિરોધને શાંત કરવા માટે અને આ મુદ્દે રહેલી ગેરસમજ દૂર કરવા માટે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ગીર પૂર્વના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈકો સેન્સેટીવ ઝોનથી કોઈપણ પ્રકારની અડચણો ઉભી થવાની નથી. ઈકો સેન્સેટિવ ઝોન માત્રને માત્ર મોટા ઉદ્યોગો અને પ્રદૂષણ ફેલાવતા એકમો માટે જ છે. ખેડૂતોને કોઈ પરેશાની નહી થાય.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન ઈકો સેન્સેટીવ ઝોન ૩૮૯ ગામોમાં લાગુ છે. પરંતુ હવે આ નવું નોટિફીકેશન લાગુ થતાની સાથે માત્ર ૧૯૬ ગામોનો તેમાં સમાવેશ થશે. એટલે એક રીતે નવા ઈકો સેન્સેટિવ ઝોનમાં ક્ષેત્રફળ ઘટાડવામાં આવશે. જો કે આ તમામ સરકારી દાવાઓ વચ્ચે ગીરના ખેડૂતોના મનમાં પેદા થયેલી શંકાનું નિરાકરણ થઈ રહ્યું નથી. પરિણામે આગામી દિવસોમાં આ મામલે રાજકારણ ગરમાય તો નવાઈ નહીં.

આ પણ વાંચો: કોન્ટ્રાક્ટરને બચાવવા પોલીસે આદિવાસી યુવકોને ચોર ખપાવ્યાઃ ચૈતર વસાવા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.