ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC-ST એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી

દેશના એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી એવા ઝારખંડના સીએમ હેમંત સોરેને પ્રવર્તન નિર્દેશાલય(ED)ના અધિકારીઓ સામે એસસી-એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આવું કદાચ પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રીએ કેન્દ્રિય તપાસ એજન્સી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોય. શું છે આખો મામલો વાંચો આ અહેવાલમાં.

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ED સામે SC-ST એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
Photo credit: Google Images

પ્રવર્તન નિર્દેશાલય(ED)ના અધિકારીઓ સામે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને એસસી-એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી છે. સીએમ દ્વારા ફરિયાદની કોપી રાંચીના એસસી-એસટી પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી છે. હેમંત સોરેને આરોપ લગાવ્યો છે કે તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે એટલે ઈડીના અધિકારીઓ દ્વારા તેમને દિલ્હીમાં હેરાન કરવામાં આવી રહ્યા છે. રાંચી પોલીસના નિવેદન મુજબ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન તરફથી ઈડી અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાની ફરિયાદ મળી છે. ધુર્વા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ મળી છે.


ઉલ્લેખનીય છે કે, ઈડીના અધિકારીઓએ ભારે સુરક્ષા વચ્ચે આજે ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના કથિત જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના કેસમાં તેમના રહેણાંક પર તપાસ શરૂ કરી હતી. સોરેને અહીંના સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકારી અધ્યક્ષ પણ છે. આ પહેલા 20 જાન્યુઆરીના રોજ પણ આ મામલામાં તેની પૂછપરછ કરવામાં આવી હતી.


ઈડીના અધિકારીઓએ કહ્યું કે ઝારખંડમાં માફિયાઓ દ્વારા જમીનની માલિકીને ગેરકાયદે રીતે ફેરવવાના એક મોટા કૌભાંડની તપાસ હેઠળ હેમંત સોરેન સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી સાથે ઈડીની પૂછપરછ શરૂ થયા પહેલા જ ઝારખંડ મુક્તિ મોરચા અને તેમના ગઠબંધનના ધારાસભ્યો તેમના આવાસ પર પહોંચી ગયા હતા. ઝારખંડના આરોગ્યમંત્રી બન્ના ગુપ્તાએ કહ્યું હતું કે, હેમંત સોરેન તપાસમા સહકાર આપી રહ્યા છે. સાથે જ તેમણે કહ્યું કે બંધારણીય સંસ્થાઓની એ ફરજ છે કે તેઓ આ પ્રકારની તપાસ ‘યોગ્ય રીતે’ કરે.


રાજ્યના કૃષિમંત્રી બાદલ પત્રલેખે પીટીઆઈ-ભાષાને જણાવ્યું હતું કે, તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે છે. બીજી તરફ હેમંત સોરેન સામે ઈડીની કાર્યવાહીને લઈને ઝારખંડ મુક્તિ મોરચાના સમર્થકોએ અહીંના મોરહાબાદી મેદાન અને અન્ય કેટલાક સ્થળો પર વિરોધ પ્રદર્શન કરર્યું હતું. એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારના આદેશો પર ઈડી અમારા મુખ્યમંત્રીને જાણીજોઈને હેરાન કરી રહી છે. અમે આખા રાજ્યની આર્થિક નાકાબંધી કરીશું. રાંચીના મુખ્ય સ્થળો તથા મુખ્યમંત્રી આવાસના 100 મીટરના વિસ્તારમાં સવારના 9 થી રાતના 10 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આગળ વાંચોઃ કોણ હતા બિરસા મુંડા, કેવી રીતે બન્યા આદિવાસી સમાજના ભગવાન?

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.