આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી

જાતિવાદથી ગ્રસ્ત હોવું એટલે શું, જાતિવાદનો ડંખ કેટલો ભયંકર હોય છે, તેની પીડા-વેદના કેટલી આકરી હોય છે તે જાણવું-સમજવું હોય તો ઉના તાલુકાના આકોલાળીના જાતિવાદીઓના ખૂની ખેલનો ભોગ બનેલા લાલજીભાઈ સરવૈયાના હિજરતી પરિવારને પૂછવું પડે. છેલ્લાં એક દાયકા કરતા વધુ સમયથી અસ્થાયી જીવન જીવવા મજબૂર આ પરિવાર માંડ દેલવાડામાં સ્થાયી થયો હતો. ત્યાં અહીં પણ જાતિવાદીઓનો ત્રાસ તેમને ફરી હિજરત કરવા મજબૂર કરી રહ્યો છે. સરપંચ સહિતના જાતિવાદી લોકોના ત્રાસથી કંટાળીને આ પરિવારે ફરી પોતાને હિજરતી જાહેર કરવા સરકારને વિનંતી કરી છે.

આકોલાળીના હિજરતી પરિવારે જાતિવાદીઓના ત્રાસથી કંટાળીને ફરી પોતાને હિજરતી જાહેર કરવા અરજી કરી
all images: Piyush Sarvaiya

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આકોલાળી ગામમાં વર્ષ 2012માં લાલજીભાઈ સરવૈયા નામના દલિત યુવકને ગામના માથાભારે જાતિવાદી તત્વોએ જીવતા સળગાવી દીધા હતા. આ ઘટના બની ત્યારથી તેમનો આખો પરિવાર હિજરત કરી ગયો હતો. પોતાનું વતન, ઘરબાર છોડીને આ પરિવાર ભટકતું જીવન ગાળવા મજબૂર બન્યો હતો. કોર્ટના ચક્કર કાપી કાપીને તેમણે માંડ-માંડ દેલવાડા ગામમાં આશરો મેળવ્યો હતો. જો કે, અહીં પણ જાતિવાદ અને સ્થાનિક જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોની કનડગત તેમનો પીછો છોડી રહી નથી. દેલવાડાના સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો અનેકવાર આ પરિવારને હિજરતી તરીકે મળવાપાત્ર સરકારી સુવિધાઓનો લાભ ન પહોંચે તે માટે તેમના વિરુદ્ધ એકથી વધુ ઠરાવો કરી ચૂક્યાં છે. પરિણામે આ દુઃખી પરિવારે કંટાળીને આખરે ફરી પોતાને હિજરતી જાહેર કરવા માટે સરકારના લાગતા વળગતા વિભાગોના જવાબદાર અધિકારીઓને અરજી કરી છે.

શું છે આખો મામલો?

વર્ષ 2012માં લાલજીભાઈની હત્યા પછીથી આકોલાળીથી હિજરત કરીને આ પરિવાર હાલ ઉના તાલુકાના દેલવાડામાં વસવાટ કરી રહ્યો છે. જો કે અહીં પણ તેમને જાતિવાદ સતત કનડી રહ્યો છે. અગાઉ આ પરિવારના તમામ સભ્યો વતન આકોલાળીની તમામ મિલકત તેમજ ઘરબાર વગેરે સરકાર હસ્તક કરીને રખડતું ભટકતું જીવન ગુજારવા મજબૂર બન્યો હતો. એ પછી તેણે સરકારના વિવિધ વિભાગો પાસે પુનઃવસવાટ તેમજ આકોલાળીની તેમની ખેતીની જમીન સામે અન્ય જગ્યાએ ખેતીલાયક જમીનની માંગણી અને રજૂઆતો કરી હતી. વર્ષોના સંઘર્ષ, ઉપવાસ આંદોલનો અને રજૂઆતો બાદ આખરે આ હિજરતી પરિવારને ઉના તાલુકાના દેલવાડા ગામમાં રહેણાંક પ્લોટ તથા જમીન ફાળવવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા હિજરતી જાહેર કરાયા બાદ પણ આજદિન સુધી હિજરતી યોજના મુજબ એકેય કામગીરી સંતોષપૂર્ણ રીતે પુરી થઈ નથી. એકેય સરકારી વિભાગ દ્વારા આ પરિવારની માગણીઓ મુજબ યોગ્ય રીતે કામગીરી કરવામાં આવી નથી.

દેલવાડાના સરપંચ અને હોદ્દેદારોનું જાતિવાદી વલણ

આકોલાળીના આ હિજરતી પરિવાર માટે હજુ દુઃખ ઓછું થવાનું નામ નથી લઈ રહ્યું. વતન આકોલાળીમાં જાતિવાદીઓએ તેમના જુવાનજોધ દીકરાની હત્યા કરી નાખી હતી. તો દેલવાડા ગ્રામ પંચાયત દ્વારા પણ તેમની સાથે જાતિગત ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં દેલવાડાના સરપંચ અને સભ્યોની મળેલી ગ્રામ પંચાયતે આ હિજરતી પરિવારને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન તથા રહેણાંકની વિરુદ્ધમાં અનેક ઠરાવો કરેલા છે. એટલું જ નહીં આ પરિવારને મળતા યોજનાકીય લાભોમાં દેલવાડાના સરપંચ દ્વારા અભિપ્રાય પણ આપવામાં આવતો નથી અને તેમને ગામ છોડવા મજબૂર કરવામાં આવી રહ્યાં છે. હાલમાં જ દેલવાડાના જાતિવાદી સરપંચ દ્વારા આ પરિવારના મનરેગા અંતર્ગતના કામોના મસ્ટરો બાબતે વાંધો ઉઠાવી સહી કરવામાં આવી નહોતી. એ જ રીતે અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામોમાં પણ જાતિવાદી સરપંચે સહી કરી નહોતી, જેના કારણે આ પીડિત હિજરતી પરિવારના અનેક કામો પડતર છે. આ પરિવાર સાથે દેલવાડા ગ્રામ પંચાયતના જાતિવાદી માનસિકતા ધરાવતા સરપંચ અને હોદ્દેદારો દ્વારા કામોમાં અડચણો ઉભી કરવામાં આવે છે. આવી કાયમી કનડગતથી તંગ આવી જઈને આખરે આ હિજરતી પરિવારે સરકારને ફરી પોતાને હિજરતી જાહેર કરીને એવા કોઈ ગામમાં હિજરત કરાવવા વિનંતી કરી છે જ્યાં તેમની સાથે જાતિ આધારિત ભેદભાવ ન થાય અને તેઓ સરકારી યોજનાનો લાભ મેળવીને ઠરીઠામ થઈ શકે.

પીડિત પરિવારે જાતિવાદ સામે ધર્મપરિવર્તનનું હથિયાર ઉગામ્યું

આ બાબતે હિજરતી પરિવારે જો સરકારના લાગતા વળગતા વિભાગ દ્વારા યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે તો 15 દિવસ બાદ ઉના પ્રાંત કલેક્ટરની કચેરીનો સહારો લઈને ધર્મ પરિવર્તન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આ મામલે વધુ જાણકારી માટે Khabarantar.com દ્વારા હિજરતી પરિવારના સભ્ય પિયુષભાઈ સરવૈયા સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં પિયુષભાઈએ આપવીતી જણાવતા કહ્યું હતું કે,”ભાઈની હત્યા બાદથી અમે રખડતું ભટકતું જીવન ગુજારવા મજબૂર છીએ. સરકારના વિવિધ વિભાગોમાં અનેક રજૂઆતો, ધક્કા ખાધા બાદ માંડ અમને હિજરતી જાહેર કરવામાં આવ્યા હતા. અમે આકોલાળીની અમારી તમામ મિલકતો, જમીન બધું સરકાર હસ્તક કરી દીધું હતું અને અમને અન્ય કોઈ જગ્યાએ વસવાટ કરવા માટે વિનંતી કરી હતી. કોર્ટ-કચેરીઓના ચક્કરો કાપ્યા પછી માંડ અમને દેલવાડામાં આશરો મળ્યો હતો. જો કે અહીં પણ જાતિવાદ અમારો પીછો છોડી રહ્યો નથી. અહીંના સરપંચ અને ગ્રામ પંચાયતના અન્ય હોદ્દેદારો અમારી દરેક નાનીમોટી કામગીરીમાં અડચણો ઉભી કરી રહ્યાં છે. આ લોકોના માનસિક ત્રાસથી હું અને મારા પરિવારના લોકો થાકી ગયા છીએ. એટલે અમે સરકારને ફરી અમને હિજરતી જાહેર કરવા વિનંતી કરી છે. તેના માટે ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી, એસપી, સમાજ કલ્યાણ અધિકારી, પ્રાન્ત કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, ઉનાના ધારાસભ્ય તથા ઉના પોલીસ સ્ટેશને અરજી આપી છે. જો સરકાર અમારું નહીં સાંભળે તો અમારે ધર્મ પરિવર્તન કરવા મજબૂત થવું પડશે. જાતિવાદી માનસિકતા ધરાવતા આવા લોકોને કારણે અમે સતત હડધૂત થઈને જીવન જીવી રહ્યાં છીએ પણ કોઈ સાંભળનારું નથી.”

આ પણ વાંચો : પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.