શું EVMમાં ખરેખર ચેડાં થઈ શકે છે?
છેલ્લાં કેટલાક વર્ષોથી ચૂંટણીઓમાં વપરાતા EVM માં ચેડાંનો મુદ્દો ચર્ચામાં છે. ત્યારે ખરેખર ઈવીએમમાં ચેડાં થઈ શકે કે કેમ, EVM કેટલાં વિશ્વસનીય છે સમજીએ.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ફરી એકવાર EVMને લઈને ચર્ચા શરૂ થઈ છે. વિરોધ પક્ષો સતત EVM પર સવાલો ઉઠાવી રહ્યા છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જો કે વિપક્ષો આજ દિન સુધી EVM અંગે કોઈ નક્કર પુરાવાઓ આપી શક્યા નથી જેના કારણે EVM સાથે ચેડાંના તેમના આક્ષેપો વધુ મજબૂત થઈ શકે. આ વખતે લોકસભા ચૂંટણીમાં 55 લાખથી પણ વધુ EVMનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફરી એ જ સવાલ આવીને ઉભો છે કે શું EVMમાં ચેડાં થઈ શકે છે? ચાલો જાણીએ EVMના કંપનીમાં તૈયાર થવાથી લઈને સ્ટ્રોંગ રૂમમાં જવા સુધી કેવી હોય છે તેની સુરક્ષા. તેના પરથી તમે જ નક્કી કરજો કે EVMમાં ચેડાં થઈ શકે કે નહીં.
પહેલીવાર ક્યારે ઉપયોગ થયો હતો?
EVM નો વિચાર સૌ પ્રથમ 1977માં આવ્યો હતો. 1979માં તેનો પ્રથમ પ્રોટોટાઈપ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો હતો. તેનો સૌ પ્રથમ ઉપયોગ 1982ની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. ત્યારે એક EVM માં માત્ર 8 ઉમેદવારોના નામ આપવાની સુવિધા હતી. 1989માં 16 ઉમેદવારો માટે EVM ડિઝાઈન કરવામાં આવ્યા હતા.
ઉત્પાદન ક્યાં થાય છે?
ભારત દેશમાં EVM નું ઉત્પાદન પાંચ સ્થળોએ કરવામાં આવે છે. હરિયાણાના પંચકુલામાં, ઉત્તરાખંડના કોટદ્વારમાં, ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં, તેલંગાણાના હૈદરાબાદમાં અને કર્ણાટકના બેંગાલુરૂમાં.
જ્યાં EVMનું ઉત્પાદન થાય છે ત્યાં સુરક્ષા કેવી હોય છે?
ઈવીએમ તૈયાર કરવા માટે દરેક મેન્યૂફેક્ચરિંગ યૂનિટમાં 4 સ્તરીય સુરક્ષા હોય છે. પહેલા તબક્કામાં આઈડી કાર્ડ દ્વારા કર્મચારીઓને મેઈન ગેટથી એન્ટ્રી આપવામાં આવે છે. બીજા તબક્કામાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવે છે. જ્યારે અંતિમ તબક્કામાં ડિફેન્ડર ગેટ માટે મેન્યૂફેક્ચરિંગ રૂમમાં એન્ટ્રી મળે છે.
ગોડાઉનમાં કેવી રીતે મોકલવામાં આવે છે?
ઈવીએમ જેટલી સુરક્ષા વ્યવસ્થા હેઠળ તૈયાર કરવામાં આવે છે તેટલી જ કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ તેને મેન્યૂફેક્ચરિંગ યુનિટથી વેરહાઉસમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં તમામ ટ્રકોને સીલ કરી દેવામાં આવે છે. વાહનના રૂટ પર નજર રાખવા માટે જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હોય છે. ટ્રકમાં ઈવીએમ લોડિંગ અને અનલોડિંગનો વીડિયો જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ બનાવવામાં આવે છે. એ પછી જ્યારે EVM વેરહાઉસમાં પહોંચે છે ત્યારે રાષ્ટ્રીય અને સ્થાનિક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ ત્યાં પહેલેથી જ હાજર હોય છે. તેમની હાજરીમાં EVMને સુરક્ષિત રાખવામાં આવે છે. આ EVM નું પરીક્ષણ દર મહિને અથવા ક્યારેક ત્રણ મહિનામાં કરવામાં આવે છે. ગોડાઉન પર 24 કલાક સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે. આ ઉપરાંત ત્યાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ હાજર હોય છે. બધાં ગોડાઉન અને સ્ટ્રોન્ગ રૂમમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક જ રસ્તો હોય છે. જેને કાયમ ડબલ લોકથી સીલ કરવામાં આવે છે. EVM ને સ્ટ્રોંગ રૂમમાં રાખ્યા બાદ એ રૂમની લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવે છે.
આ વખતે EVM-3 થી મતદાન થશે
લોકસભા ચૂંટણીમાં દર વખતની જેમ આ વખતે પણ EVM થી જ મતદાન થશે, પણ આ EVM નું આધુનિક મોડેલ છે. આ વખતે મતદાન EVM-3 એટલે કે ઈલેક્ટ્રોનિકસ વોટિંગ મશીન થર્ડ જનરેશનથી કરવામાં આવશે. EVM સાથે જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે, જમાનાનું આ ચૂંટણી મશીન ચેડાંની દરેક શક્યતાઓને ખતમ કરી દેશે. નેક્સ્ટ જનરેશન માર્ક 3 EVM ની વિશેષતા એ છે કે તેની ચીપને ફક્ત એકવાર પ્રોગ્રામ કરી શકાય છે. ચીપના સોફ્ટવેર કોડને ન તો વાંચી શકાય છે, ન બીજી વાર લખી શકાય છે. તેને ઈન્ટરનેટ કે કોઈપણ અન્ય નેટવર્કથી કંટ્રોલ નથી કરી શકાતું. જો કોઈ તેની સાથે ચેડાં કરશે અથવા તેનો એક સ્ક્રૂ પર ખોલવાનો પ્રયત્ન કરશે તો મશીન નિષ્ક્રીય થઈ જશે. તેમાં રિયલ ટાઈમ ક્લોક અને ડાયનેમિક કોડિંગ જેવી વિશેષતાઓ છે. તેનું હેકીંગ કે પ્રોગ્રામિંગ નથી થઈ શકતું. મશીનને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગ્લુરૂ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ હૈદરાબાદે તૈયાર કર્યું છે.
આ પણ વાંચો:તમને તો સંડાસ જવાના ડબલામાં પાણી આપવું જોઈએ, તો જ તમે નખરા ન કરો...
વર્ષ 1977 થી 2024 સુધી પહોંચી સફર
EVM બનાવવાનો સૌથી પહેલો વિચાર વર્ષ 1977માં આવ્યો હતો. નવેમ્બર 1998માં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. EVM માર્ક 1નું નિર્માણ 1989 થી 2006 સુધી થયું હતું. બીજી પેઢીના EVM માર્ક 2 નું નિર્માણ વર્ષ 2006 થી 2012 સુધી થયું. હવે 2024ના EVM માર્ક 3 આવ્યા છે. જો કે હજુ પણ તેની સામેની શંકાની સોય તો વિપક્ષો દ્વારા તકાયેલી જ રહી છે.
શું EVM માં ચેડાં થઈ શકે છે?
વિપક્ષ વારંવાર EVM સાથે ચેડાંનો આરોપ લગાવી રહ્યો છે, ત્યારે સવાલ એ થાય છે કે શું ખરેખર EVM સાથે ચેડાં થઈ શકે? શું ખરેખર ઈવીએમ સાથે ચેડાં કરીને સામાન્ય લોકોના મત વિરુદ્ધ પરિણામો લાવી શકાય? આનો જવાબ એ છે કે માણસે બનાવેલું કોઈ મશીન નથી જેની સાથે ચેડાં ન થઈ શકે. હા, EVM માં એવી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કે તેની સાથે છેડછાડ લગભગ શક્ય નથી. છતાં હજુ પણ થોડી શંકાઓ રહેતી હોવાથી તેને દૂર કરવા માટે VVPAT (વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ) નો ઉપયોગ કરવાનું શરૂ થયું છે. જો કે એમાં પણ માત્ર સેમ્પલ પુરતા જ વીવીપેટ ગણવામાં આવતા હોવાથી ચેડાં થયાની શંકા પ્રબળ બનતી હોવાથી કોંગ્રેસ સહિતના વિપક્ષોએ તમામ વીવીપેટની ગણતરી કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
EVM માં ચેડાં મુદ્દે અમેરિકન યુનિવર્સિટીનું રિસર્ચ
2010માં અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના સંશોધકોએ EVM સાથે છેડછાડ સાબિત કરી હતી. ઉપકરણને EVM સાથે જોડીને, તેણે તેના મોબાઇલમાંથી ટેક્સ્ટ સંદેશ દ્વારા તેના પરિણામોને પ્રભાવિત કરી બતાવ્યું હતું. આમાં, તેણે કંટ્રોલ યુનિટના વાસ્તવિક ડિસ્પ્લેને બરાબર એ જ દેખાવના નકલી ડિસ્પ્લે સાથે બદલ્યું હતું, જેની અંદર તેણે બ્લૂટૂથ માઇક્રોપ્રોસેસર ઇન્સ્ટોલ કર્યું હતું. આ પછી, વાસ્તવિક પરિણામ બતાવવાને બદલે, નકલી પ્રદર્શનમાં સંશોધકો જે પરિણામ બતાવવા માંગતા હતા તે દર્શાવ્યું. સંશોધકોએ જણાવ્યું કે આ ડિસ્પ્લે અને માઇક્રોપ્રોસેસરને વોટિંગ અને કાઉન્ટિંગ વચ્ચે બદલી શકાય છે.
બીજી તરફ ભારતના ચૂંટણી પંચે વારંવાર કહ્યું છે કે ભારતમાં ઉપયોગમાં લેવાતા ઈવીએમમાં કોઈપણ રીતે ચેડાં થઈ શકે નહીં. મશીન કોડ સંપૂર્ણપણે એમ્બેડેડ છે, તે ન તો બહાર લઈ શકાય છે કે ન તો દાખલ કરી શકાય છે. ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર એસ.વાય. કુરેશીએ પણ આવી કોઈ શક્યતાને નકારી કાઢી છે, જોકે તેઓ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની હિમાયત પણ કરે છે. કુરેશીના જણાવ્યા અનુસાર, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની દેખરેખ હેઠળ ચૂંટણીના મહિનાઓ પહેલા EVMની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. ચૂંટણીના 13 દિવસ પહેલા ઉમેદવારોના નામ ફાઇનલ થયા બાદ ફરી એકવાર ઉમેદવારો કે પક્ષના પ્રતિનિધિઓ સામે મશીનોનું પરીક્ષણ કરવામાં આવે છે. જ્યારે મશીનો યોગ્ય રીતે કામ કરે છે તે ચેક થયા બાદ તેમની પાસેથી સહીઓ પણ લેવામાં આવે છે. ત્યારબાદ મશીનોને બૂથ પર મોકલતા પહેલા એક સોફ્ટ પેપરથી સીલ કરવામાં આવે છે. આ સીલ પર એક યુનિક સુરક્ષા નંબર હોય છે. આ કાગળ ખૂબ જ નાજુક હોય છે એટલે તેની સાથે થયેલી જરાક અમથી છેડછાડની પણ ખબર પડી જાય છે. મશીન પર સીલ લગાવ્યા બાદ તેના પર દરેક ઉમેદવાર કે પક્ષના પ્રતિનિધિની સહી કરવામાં આવે છે.
મતદાન મથક પર સઘન ચેકિંગ
મતદાન મથક પર પણ મતદાનની શરૂઆતના એક કલાક પહેલા મતદાનની મોકડ્રીલ કરવામાં આવે છે. આ દરમિયાન, પોલિંગ મશીનના તમામ બટનો દબાવવાથી 60-100 મત પડે છે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે મશીનમાં કોઈ બે બટન એક જ પક્ષની તરફેણમાં મતદાન તો નથી કરી રહ્યાં ને. આ સિવાય કોઈપણ પાર્ટી માટે કોઈ ખાસ બટન તો ફિક્સ નથી ને. ચોક્કસ વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારોના નામના આધારે, તેમના નામ મૂળાક્ષરોના ક્રમમાં લખવામાં આવે છે. આ રીતે ક્યારેક અપક્ષ, ક્યારેક પ્રાદેશિક તો ક્યારેક મોટા પક્ષના ઉમેદવારોના નામ ટોચ પર હોય છે.
શું વોટિંગ કર્યા પછી ચેડાં થઈ શકે?
યુનિવર્સિટી ઓફ મિશિગનના સંશોધકોના મતે, બીજો રસ્તો મશીનની મેમરી બદલવાનો છે. તેમના દ્વારા બતાવવામાં આવેલી બંને પદ્ધતિઓ એટલા માટે ફેઈલ જાય છે કારણ કે મતદાન પછી, મશીનોને કડક ત્રણ સ્તરીય સુરક્ષા હેઠળ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. મોટા મોટા VVIPને પણ અહીં એન્ટ્રી નથી મળતી. આવી સ્થિતિમાં ડિસ્પ્લે કે મેમરી બદલવાની શક્યતા લગભગ ખતમ થઈ જાય છે. મતદાન મથકથી સ્ટ્રોંગ રૂમમાં EVM લઈ જતી વખતે આવું થઈ શકે છે, પરંતુ આટલા ઓછા સમયમાં અને તે પણ જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થાને ભેદીને આવું કામ કરવું સરળ નથી. ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા આટલી મોટી સંખ્યામાં ઈવીએમની મેમરી કે ડિસ્પ્લે બદલવી અને બ્લૂટૂથ ડિવાઈસ દ્વારા તેનું નિયંત્રણ કરવું અશક્ય કામ જેવું લાગે છે. જો કે, આટલી ચર્ચા અને દલીલો પછી પણ EVM ની સંપૂર્ણ વિશ્વનીયતા હજુ પણ શંકાના દાયરામાં છે. બૌદ્ધિકોનો એક વર્ગ એવું માને છે કે, લોકશાહીમાં જ્યાં મતદારોને જ EVM દ્વારા થતી ચૂંટણીઓ પર શંકા હોય તો તેના પર ફેરવિચારણા થવી જોઈએ.
આ પણ વાંચો:શિક્ષણ જેટલું વધુ, નોકરીની તકો એટલી ઓછીઃ ILOનો રિપોર્ટ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.