રાજકોટના રામોદમાં વરકન્યા ઊંધા ફેરા ફરી સ્મશાનમાં લગ્ન કરશે
એક વરકન્યા સ્મશાનમાં લગ્ન કરીને કુરિવાજોને ફગાવીને એક ઐતિહાસિક દાખલો બેસાડશે. વરરાજા અને તેમના પરિવારને સ્મશાનમાં ઉતારો આપવામાં આવશે.
સ્મશાનનું નામ પડે ત્યાં જ ઘણાં લોકોના મનમાં અમંગળ વિચારો અને ભૂતપ્રેતના વિચારો ઘુમરાવા માંડતા હોય છે. એવામાં જો કોઈ વરકન્યા સ્મશાનમાં લગ્ન કરવા તૈયાર થાય તો તેના વિશે તમે શું કહેશો? ચોંકી જવાય તેવી આ ઘટના આગામી દિવસોમાં આકાર લેવા જઈ રહી છે. જ્યાં એક વરકન્યા સ્મશાનમાં લગ્ન કરીને કુરિવાજોને ફગાવીને એક ઐતિહાસિક દાખલો બેસાડશે. વરરાજા અને તેમના પરિવારને સ્મશાનમાં ઉતારો આપવામાં આવશે. જાનૈયાઓ ભૂતપ્રેતનું સરઘસ કાઢશે, કન્યા કાળી સાડી પહેરીને આવશે અને વરરાજાનું સ્વાગત પણ તેના સાસુ કાળી સાડી પહેરીને કરશે. લગ્નમંડપમાં ફેરા પણ ઊંધા ફરવામાં આવશે અને એ રીતે મનુવાદી કુરિવારોજનાં છોતરાં કાઢી નાખવામાં આવશે.
વાત છે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામની. અહીં આવતા બુધવારે પાયલ અને જયેશના લગ્ન છે. આ લગ્ન અનોખા આટલે માટે છે કેમ કે તેઓ સ્મશાનમાં લગ્ન કરશે. રામોદનો આ પરિવાર કુરિવાજોને ફગાવીને બૌદ્ધ રીતિરિવાજો મુજબ લગ્ન કરશે. આપણે ત્યાં લગ્નમાં મહિલાઓ ચોક્કસ રંગની સાડી પહેરતી જોવા મળે છે. ખાસ કરીને કાળા રંગને તેમાં બિલકુલ સ્થાન નથી હોતું કેમ કે તેને અશુભ માનવામાં આવે છે. આથી આ લગ્નમાં કન્યા અને તેની માતા બંને કાળા રંગની સાડીઓ પહેરશે અને અંધશ્રદ્ધામાં રાચતા લોકોને એક મેસેજ આપશે કે રંગમાં કોઈ શુભ કે અશુભ જેવું હોતું નથી. સાથે જ તેમાં કોઈપણ પ્રકારનું લગ્ન મુહૂર્ત પણ જોવામાં નથી આવ્યું. છેલ્લે સૌથી અગત્યની વાત, લગ્નમાં વરકન્યા કોઈ ઈશ્વર કે અગ્નિના ફેરા નહીં પરંતુ ભારતીય બંધારણના સોગંધ લેશે.
રામોદમાં બુધવારે યોજાનારા આ લગ્નમાં કન્યાપક્ષના મોભી મનસુખભાઈ રાઠોડ સદીઓથી ચાલી આવતી પરંપરાને કોરાણે મૂકીને સ્મશાનમાં વરરાજાના પરિવારને ઉતારો આપવાના છે. કુરિવાજો અને માન્યતાઓની જાળમાંથી સમાજને છોડાવવા માટે સૌ કાળા વસ્ત્રો પરિધાન કરશે અને જાનનું તથા જાનૈયાનું સ્વાગત કરશે. વિજ્ઞાન જાથાની ટીમ બૌદ્ધવિધિથી વરકન્યાના લગ્ન કરાવશે.
જાન કમરકોટડાના મુકેશભાઈ સરવૈયાના પરિવારથી આવવાની છે. વરરાજા જયેશનું સ્વાગત કન્યા પાયલ કાળી સાડી પહેરીને કરવાની છે અને તેની સાથે સૌ ભૂતપ્રેતના વેશમાં સરઘસ તરીકે જોડાવાના છે. એ રીતે સામૈયાની મનુવાદી પરંપારને તોડવામાં આવશે.
વરકન્યાની લગ્નની વિધિ તથાગત ગૌતમ બુદ્ધના માર્ગે બૌદ્ધ વિધિથી થશે. અને તેમાં મૂહૂર્ત ચોઘડિયા જોવાશે નહીં. ખાસ વાત એ રહેશે કે વરકન્યા ઊંધા ફેરાં ફરશે અને હાથમાં ડો. ભીમરાવ આંબેડકરે લખેલું બંધારણ રાખીને તેના સોગંધ લેશે.
રેશનલોની ટીમ 17મી એપ્રિલના રોજ સવારે 8 વાગ્યે આ લગ્ન સમારંભમાં પહોંચશે અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. સવારે ૯ થી ૧૦ એક કલાક સુધી સદીઓ જૂની માન્યતાને ખંડન કરી સામૈયું, સ્મશાનમાં ઉતારો સાથે વર્ષો જૂની માન્યતાને ફગાવવામાં આવશે. સમજણપૂર્વકના લગ્ન સમારોહ સાથે અંધશ્રદ્ધાને નેસ્તનાબુદ કરવામાં આવશે. કન્યા પાયલ અને વરરાજા જયેશને લગ્નનું હાર્દ સમજાવી વૈજ્ઞાનિક મિજાજ કેળવવા સંબંધી હકીકત મૂકવામાં આવશે. કાળી વસ્તુ, કાળું વસ્ત્ર જે અશુભ માનવામાં આવે છે તે છિન્ન મનોવૃત્તિ છે, હકિકત નથી તે લોકોને સમજાવાશે. દ્રઢ મનોબળ કેળવાય તે સંબંધી આયોજન રાખવામાં આવ્યું છે. મુર્હુત-ચોઘડીયા માનવીએ બનાવેલ છે, કુદરત-પ્રાકૃતિક નિયમ સાથે કશી લેવા-દેવા નથી. લગ્ન સમારોહ આદર્શ દાંપત્યજીવન સાથે દ્રઢ મનોબળ કેળવાય સાથે લગ્નવિધિ સાચી હકિકત-તર્કદ્રષ્ટિ મુકવાનો કાર્યક્રમ છે. દેશમાં સૌને માનવા ન માનવાનો બંધારણે અધિકાર આપ્યો છે. આ લગ્ન સમારોહને સફળ બનાવવા ગોવિંદભાઈ દાનાભાઈ, પ્રવિણભાઈ રાઠોડ, બાબુભાઈ રાઠોડ, મનસુખભાઈ ગોવિંદભાઈ, સુરેશભાઈ ગોવિંદભાઈ, જેન્તીભાઈ રાઠોડ, અંકિત મનસુખભાઈ અને હિરેન સુરેશભાઈ સહિત ગામના જાગૃતો અને મિત્ર મંડળના સભ્યો જોડાશે.
આ પણ વાંચો:કથિત સર્વણોની સોસાયટીમાં એક દલિતે પોતાના ઘરનું નામ ‘સંવિધાન’ રાખ્યું!
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
Nilesh parmarતમામ દલિત સમજે આ વાત ને સમજવાની જરૂર છે