ડૉ. આંબેડકરની ગુજરાતની 11 મુલાકાતો અને ગુજરાતીમાં આપેલું પ્રવચન
બાબાસાહેબ તેમના જીવનકાળ દરમિયાન જુદા જુદા પ્રસંગોએ ગુજરાતની અગિયાર વખત મુલાકાતે પધાર્યા હતા. જેની તપસીલ અહીં પ્રસ્તુત છે.

- પ્રવીણ શ્રીમાળી
ડૉ. ભીમરાવ આંબેડકરે તેમના જીવનકાળ દરમિયાન જુદા જુદા પ્રસંગોએ ગુજરાતની એકથી વધુ વખત નોકરી વિષયક અને વિવિધ કાર્યક્રમો નિમિત્તે અગિયાર વખત મુલાકાતે પધાર્યા હતા. જેની તપસીલ આ મુજબ છે.
પહેલી મુલાકાતઃ
૧૫ જાન્યુઆરી સને ૧૯૧૩માં સૌ પ્રથમવાર વડોદરા આવ્યા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલ શિષ્યવૃત્તિથી ગ્રેજયુએટ થયા બાદ નક્કી કરેલી શરતો મુજબ વડોદરા સ્ટેટમાં નોકરી કરવા આવ્યા હતા, પરંતુ પિતાની બિમારીનો તાર મળતા ૧૫ દિવસમા જ પરત મુંબઈ પરત જવું પડ્યું હતું.
બીજા મુલાકાતઃ
જૂન-૧૯૧૩માં લોન એગ્રીમેન્ટમાં સહી કરવા વડોદરા આવ્યા હતા.
ત્રીજી મુલાકાતઃ
સને ૧૯૧૭માં સપ્ટેમ્બરમાં અમેરિકા અને ઈંગ્લેન્ડની યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને વડોદરા સ્ટેટ સાથે થયેલ શરત મુજબ પોતાના મોટાભાઇ બલરામ સાથે વડોદરા આવ્યા અને સવાસો રૂપિયાના પગારમાં સૈનિક સચિવ તરીકે નોકરીની શરૂઆત કરી. આ નોકરી દરમ્યાન અસ્પૃશ્યતાના કડવા અનુભવથી અપમાનિત થતાં ૨૩ સપ્ટેમ્બર ૧૯૧૭ના રોજ વડોદરા છોડવા મજબુર બન્યા. મુંબઈ જવાની ટ્રેન મોડી પડતા સયાજી બાગમાં વટવૃક્ષ નીચે બેસી ગહન ચિંતન અને મનન સાથે સંકલ્પ લીધો કે ‘અસ્પૃશ્યતાના કલંકને મિટાવીને જ હું ઝંપીશ.’ સયાજી બાગમાં આવેલી આ જગ્યા સંકલ્પ ભૂમિ તરીકે પ્રસ્થાપિત થઈ અને વિશ્વ પ્રસિદ્ધ બની.
ચોથી મુલાકાત:
બાબાસાહેબ દલિત વિદ્યાર્થીઓના ભણતર અને ઘડતરમાં અંગત રસ દાખવતા હોઇ સને ૧૯૨૮માં અમદાવાદ ખાનપુર વિસ્તારમાં તુલસીદાસ મૂળદાસ આચાર્ય એ શરૂ કરેલી છાત્રાલયનું ઉદઘાટન કરવા આવ્યા હતા.
પાંચમી મુલાકાતઃ
ગોળમેજી પરિષદમાં તેઓએ અસ્પૃશ્ય સમાજના હિત માટે ઝઝૂમીને કરેલી ધારદાર અને અસરદાર દલીલોથી સમગ્ર દલિત સમાજ ખુબ પ્રભાવિત થયો હતો. બાબાસાહેબને મળેલી અપાર પ્રસિધ્ધિનું સ્વાગત/સન્માન કરવા અમદાવાદના નવયુવક મંડળ(દરિયાપુર)એ તેમને ૨૮ જુલાઈ ૧૯૩૧ના રોજ અમદાવાદ તેડાવ્યા હતા. જોકે આ વખતે અમદાવાદ સ્ટેશને કાળા વાવટા બતાવી અપમાનિત કરવાના કેટલાક લોકોએ પ્રયત્નો પણ કર્યા હતા.
છઠ્ઠી મુલાકાતઃ
અમદાવાદ જિલ્લાના કાવિઠા ગામના દલિતો ઉપર અત્યાચારોની જાતે તપાસ કરવા માટે તા. ૨૨/૧૦/૧૯૩૮ના દિવસે અમદાવાદ આવ્યા હતા અને તે મુલાકાત વેળા તેઓ બાવળા પણ ગયા હતા. ત્યારે ગોવિંદભાઈ ચૌહાણે બાવળા ખાતે તેમનું સન્માન પત્રથી સન્માન કર્યુ હતું. એ જ સાંજે અમદાવાદ પ્રેમાભાઈ હોલમાં તેમનું પ્રવચન પણ રખાયું હતું.
સાતમી મુલાકાતઃ
૧૮/૧૯ એપ્રિલ ૧૯૩૯માં રાજકિય સુધારા આંદોલનમાં દલિતોના પ્રતિનિધિ હોવા જોઈએ એ સંદર્ભમાં ગાંધીજી સાથે ચર્ચા કરવા તેઓ રાજકોટ આવ્યા હતા. એ વખતે તેમની રહેવા-જમવાની વ્યવસ્થા મોચી બજાર ફાટક પાસેના વણકર વાસમાં રાણા ભાઇના ઘરે કરવામાં આવી હતી.
આઠમી મુલાકાતઃ
૧૫/૧૬ માર્ચ-૧૯૪૧માં અમદાવાદ આવ્યા ત્યારે સમતા સૈનિક દળના સૈનિકોએ તેમને સલામી આપી સન્માનિત કર્યા હતા.
નવમી મુલાકાતઃ
જાન્યુઆરી-૧૯૪૩માં પારસી દૈનિક (ગુજરાતી) જામે જમશેદના એક કાર્યક્રમમાં તેઓને સુરત તેડાવ્યા હતા.
દસમી મુલાકાતઃ
૨૯/૩૦ નવેમ્બર ૧૯૪૫માં શિડ્યૂલ્ડ કાસ્ટ ફેડરેશનના અધિવેશનમાં હાજરી આપવા અમદાવાદ આવેલા. ફેડરેશનની આ સભામાં તેમણે પોતાના પ્રવચનની શરૂઆત ગુજરાતીમાં કરતાં કહયું હતું કે "આજના પ્રસંગે મારે ગુજરાતીમાં બોલવું એવી વિનંતી થઈ છે, જયારે આપની ઈચ્છા જ છે તો આપ સૌના આગ્રહને વશ થઈને આજે મેં ગુજરાતી ભાષામાં બોલવાનું નક્કી કર્યુ છે" એમણે ગુજરાતીમાં જણાવ્યું કે "મારા ગુજરાતી ભાઇઓ, મને તમારા માટે ખુબ જ ચિંતા છે" આમ તેઓ નવ ભાષાના જાણકાર હોવાની પ્રતિતિ અમદાવાદ ખાતે કરાવી હતી.
અગિયારમી મુલાકાતઃ
પહેલી ઓગસ્ટ-૧૯૪૭ના દિવસે છેલ્લીવાર ગુજરાતની ધરતી પર પગ મૂકયો અને એ પણ થોડીક મિનિટો પૂરતો જ. એ દિવસે બાબાસાહેબ દિલ્હીથી મુંબઈ વિમાન માર્ગે જઇ રહ્યા હતા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વિમાન થોડો સમય રોકાયેલું ત્યારે એરપોર્ટ પર જ કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત કદાચ તેમની છેલ્લી મુલાકાત હતી તે પછી તેઓ ગુજરાત આવ્યા હોય તેવી માહિતી નથી.
આમ તેમની સંઘર્ષમય યાત્રાના કાર્યકાળ દરમ્યાન તેમણે અગિયાર વખત ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમની આ મુલાકાતો ગુજરાત માટે ગૌરવશાળી હોઈ તેના સંભારણા રજૂ કરવાનો આ એક પ્રયાસ છે. વિશ્વ વિભૂતિ, મહામાનવ, ભારતરત્ન, બોધિસત્વ, બંધારણના શિલ્પીને કોટી કોટી વંદન સાથે જય ભીમ.
(લેખક સમાજ કલ્યાણ વિભાગના પૂર્વ નાયબ નિયામક અને બહુજન પરંપરાઓના અભ્યાસુ છે)
આગળ વાંચોઃ શશી થરૂરનું પુસ્તક ‘Ambedkar: A Life’ - કંઈક વિશેષ વાંચ્યાની અનુભૂતિ
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.
-
લક્ષ્મણભાઇ શ્રીમાળીસચોટતેમજ માહિતી સભર વિગતોઆપીઅપને અભિનંદન
-
Kanjibhai Chudasamaખૂબ સરસ માહિતી પહોંચાડતાં રહેશો. આપે સમાજ જાગૃતિ માટે સારી પહેલ કરી તે બદલ અભિનંદન
-
Maheshkumar Narendrasinh ZalaVery very good article
-
Hitesh Mohanlal ParmarExcellent Database of events Thank you so much for your contribution
-
DINESHBHAI VAGHELAખુબ-ખુબ અભાર, આવી જ સારી-સારી બાબા સાહેબની માહીતી મોકલશો જય ભીમ નમો બુધ્ધાાય