દાણીલીમડા, બહેરામપુરા, મજૂરગામના સંગઠનોએ બહુજન એકતા રેલી યોજી
અમદાવાદમાં પહેલીવાર દાણીલીમડા, બહેરામપુરા, મજૂરગામ અને કાંકરિયા વિસ્તારના બહુજન સંગઠનો એક સાથે આવ્યા અને 14મી એપ્રિલ નિમિત્તે બહુજન એકતા રેલી યોજી હતી.
અમદાવાદમાં આજે 14મી એપ્રિલ નિમિત્તે એક ઐતિહાસિક ઘટના ઘટી હતી. બહુજન સમાજના વિવિધ સંગઠનો દર વર્ષે પોતપોતાના વિસ્તારમાં અલગ અલગ રીતે બાબાસાહેબની જન્મજયંતિની ઉજવણી કરતા હોય છે. વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે. પરંતુ આ વખતે અમદાવાદમાં પહેલીવાર અહીંના દાણીલીમડા, બહેરામપુરા, મજૂરગામ અને કાંકરિયા વિસ્તારના તમામ બહુજન સંગઠનો દ્વારા સાથે મળીને બહુજન એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજે સવારે 14મી એપ્રિલના રોજ આ રેલી સવારે 8.30 કલાકે અહીંની દૂધવાળી ચાલીથી નીકળી તેજસ્વી પાર્ક, દાણીલીમડા પોલીસ લાઈન ચાર રસ્તા, રાજેન્દ્રપાર્ક થઈને પંચવટી આંબેડકર પ્રતિમા થઈ નંદનવન સોસાયટી રોડથી બાબાસાહેબ આંબેડકર હોલ ચાર રસ્તાથી જય જગત પરિક્ષિતલાલ નગર થઈ ભુલાભાઈ પોલીસ ચોકીથી ગૌતમનગર ચાર રસ્તા, પઠાણવાળી ચાલી, મજૂરગામ, પારસી અગિયારી રોડથી હીરાભાઈ ટાવર ચાર રસ્તા, હીરાલાલની ચાલી થઈને ન્યૂ ક્લોથ માર્કેટ નીકળી ત્યાંથી સારંગપુર સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચતી હતી.
રેલીની તૈયારીના ભાગરૂપે એસએસડી દ્વારા અહીંના વિવિધ વિસ્તારોમાં બહુજન મહાનાયકોના બેનરો મૂકવામાં આવ્યા હતા. આ સિવાય રેલીના રૂટ પર પોલીસની સાથે એસએસડીના કાર્યકરોએ ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ સંભાળી હતી. ઊંટગાડી પર વિવિધ વેશભૂષામાં નીકળેલી આ રેલીને આ વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને મહિલા અને બાળકોની આ રેલીમાં બહુમતી જોવા મળી હતી.
આ રેલીને લઈને સામાજિક કાર્યકર પ્રકાશ બેન્કરે જણાવ્યું હતું કે, "આજની રેલી અનેક રીતે ખાસ હતી. વર્ષોથી આ વિસ્તારના વિવિધ બહુજન સંગઠનો બાબાસાહેબની જન્મજયંતિ પોતાની રીતે ઉજવતા હતા. અમે વિચાર્યું કે આ વખતે સૌ સાથે મળીને ઉજવીએ. સૌ સહમત થયા અને બહુજન એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું. રેલીમાં વિવિધ ટેબ્લો સાથે બાબાસાહેબના ચાહકો જોડાયા હતા. રેલીના રૂટ પર લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બહુજન સમાજના વિસ્તારોમાં લોકો તેમના બાળકોને પણ આ રેલીમાં જોડી રહ્યા હતા જે જોઈને આનંદ થતો હતો. હવે આ નિયમ દર વર્ષે જાળવી રાખીશું અને બાબાસાહેબના સપનાને સાકાર કરીશું."
આ પણ વાંચોઃ નારીમુક્તિ-નારીશક્તિના જ્યોતિર્ધર ડૉ. બાબાસાહેબ આંબેડકર
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.