મોદીનું ત્રીજીવાર વડાપ્રધાન બનવાનું સપનું નીતિશ સાકાર નહીં થવા દે?
ભારતીય રાજકારણના પલટુચાચા તરીકે ઓળખાતા નીતિશકુમાર ફરી એકવાર પલટી મારે તેવી શક્યતા છે. જો એવું થશે મોદી ત્રીજી વાર વડાપ્રધાન નહીં બની શકે.

લોકસભાની ચૂંટણીના પરિણામો કેટલીક જગ્યાએ આશ્ચર્યજનક છે, જેમાં બિહારનો સમાવેશ થાય છે. બિહારમાં તેજસ્વી યાદવ ચોંકાવનારા પરિણામોની વાત કરતા હતા. તેજસ્વી યાદવની અપેક્ષા પ્રમાણે તો પરિણામ નથી આવ્યા પરંતુ સ્થિતિ સુધરી જરૂર છે. તેજસ્વીએ તાજેતરમાં દાવો કર્યો હતો કે ચોથી જૂન પછી નીતિશકુમાર મોટો ખેલ કરી શકે છે. તેમણે એવા સંકેત આપ્યા હતા કે નીતિશકુમાર ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ થઈ શકે છે.
લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની અપેક્ષા મુજબ નથી જેના કારણે ભાજપને જરૂર નિરાશા થઈ હશે. પરંતુ બિહારમાં ભાજપના સાથી પક્ષોને ફાયદો થતો હોય તેવું લાગે છે. સખત ગરમીમાં પણ લોકો વોટિંગ કરવા ગયા હતા જ્યાં હિંદુ, મુસલમાન, પાકિસ્તાન, અનામત, બંધારણ, મંદિર વગેરેના મુદ્દે ભાષણો થયા હતા. આ દરમિયાન એવી વાતો થઈ રહી છે કે ગુલાંટ મારવા માટે જાણીતા નીતિશકુમાર વધુ એક વખત પોતાના કારનામા દેખાડશે. ઉત્તર પ્રદેશ અને બિહાર માટે એવું કહેવાય છે કે દિલ્હીની ગાદીની ગાદીનો રસ્તો આ બે રાજ્યોમાંથી પસાર થાય છે. બિહાર પોતાનો અલગ એજન્ડા સેટ કરે છે. નીતિશે વિપક્ષી ગઠબંધનનો આધાર બનાવ્યો પરંતુ પછી તેનાથી અલગ થઈ ગયા અને એનડીએ સાથે હાથ મિલાવ્યો હતો. હવે નવી બદલાયેલી સ્થિતિમાં નીતિશ પોતાની વફાદારી ફરીથી બદલી શકે છે.
2013માં મોદીનો વિરોધ કરી નીતિશ NDA માં ગયેલા
નીતીશ કુમારને પહેલેથી તક જોઈને ગુલાંટ મારનાર ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે. ૨૦૧૩માં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા ત્યારે તેમણે મોદીનો વિરોધ કર્યો અને એનડીએમાંથી નીકળી ગયા હતા. ૨૦૧૭માં તેઓ ફરીથી એનડીએ સાથે જોડાયા પરંતુ ૨૦૨૨માં તેમને આરજેડીમાં વધુ ફાયદો દેખાયો અને આરજેડી સાથે જોડાઈ ગયા. ત્યાર પછી માત્ર ૧૭ મહિનાની અંદર તેઓ ફરીથી એનડીએ સાથે જોડાઈ ગયા. હવે ભાજપ નબળો પડ્યો છે ત્યારે નીતિશને કદાચ તેમની સાથે રહેવામાં પણ ફાયદો દેખાતો નથી. તેના કારણે તેઓ ક્યારે ગુલાંટ મારે તે કહેવાય નહીં. તેજસ્વી યાદવે નીતિશ કુમાર માટે જે વાત કરી હતી તે કદાચ સાબિત થઈ જશે.
નીતીશ કુમાર પાસે હવે સત્તાની ચાવી છે એવું કહેવાય છે. હાલમાં આ લખાય છે ત્યારે એનડીએ પાસે ૨૯૬ બેઠકો પર લીડ છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન ૨૨૮ બેઠકો પર આગળ છે. અત્યાર સુધીના આંકડા કહે છે કે ભાજપ પોતાની તાકાતે બહુમતી મેળવી શકે તેમ નથી જે બહુમતી તેને અગાઉની ચૂંટણીમાં મળી હતી. બિહારમાં નીતિશ કુમારનો પક્ષ અત્યારે ૧૫ બેઠકો પર આગળ છે અને ચિરાગ પાસવાનનો પક્ષ પણ સોલિડ સ્થિતિમાં છે. ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી પાંચ લોકસભા બેઠકો પર ચૂંટણી લડી હતી.
ભાજપ એકલા હાથે બહુમતની નજીક નથી પહોંચી. એ સ્થિતિમાં નીતિશકુમાર અને ચિરાગ પાસવાનની ડિમાન્ડ વધી ગઈ છે. હાલમાં આ બંને એનડીએમાં છે. તેથી ભાજપ એવી પૂરી કોશિશ કરશે કે તેઓ બંને ઈન્ડિયા ગઠબંધન સાથે ન જોડાય અને તેમની સરકારને ટેકો આપે. પણ નીતિશકુમાર વિશે કશું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી. તેવો એવી આકરી શરતો મૂકશે, જે ભાજપ માટે પુરી કરવી કપરી બની જવાની છે.
આ પણ વાંચો: મોદીના વડાપ્રધાન બનવાનો મદાર હવે નીતિશ-ચંદ્રાબાબુ પર નિર્ભર