સરકારી બેંકો મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી 5 વર્ષમાં 8500 કરોડ કમાઈ
ભારતની સરકારી બેંકો લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીના નિયમ હેઠળ દેશના સામાન્ય માણસને કેવી રીતે લૂંટી રહી છે તેનું આ સૌથી મોટું ઉદાહરણ છે.
ભારત જેવા ગરીબ દેશમાં જ્યાં 80 કરોડ લોકો બે ટંકના અનાજ માટે સરકાર પર નિર્ભર છે, ત્યાં સરકારી બેંકોએ પણ રીતસરનું લોકોને લૂંટવાનું ચાલું કરી દીધું છે. સર્વિસના નામે ગ્રાહકો પાસેથી બેંકો પૈસા પડાવવાની એક તક જતી નથી કરતી. એસબીઆઈ જેવી સરકારી બેંકનું તો કદી કોઈ એટીએમ ચાલું સ્થિતિમાં હોતું નથી તેવી અનેક ગ્રાહકોની ફરિયાદ હોય છે, પણ તેના માટે બેંકને કોઈ પેનલ્ટી લગાડી શકાતી નથી. પણ બેંક ગ્રાહક પાસેથી તરત પેનલ્ટી વસૂલી લે છે. આવો જ એક મુદ્દો હાલ ચર્ચામાં આવ્યો છે, જેમાં સરકારી બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી પેટે ગ્રાહકોના કરોડો રૂપિયા ઉસેડી લીધાં છે.
જો ગ્રાહક પોતાના બેંક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ જાળવી નથી શકતા તો તેમણે દંડ ભરવો પડે છે, બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. મિનિમમ બેલેન્સનો આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે લોકસભામાં આ મામલે સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જવાબ આપતા કહ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોએ મિનિમમ બેલેન્સ પેનલ્ટીમાંથી રૂ. ૮૫૦૦ કરોડની રૂપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચોઃ અનામત કેટેગરીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ પડાવી લેવાનું કૌભાંડ પકડાયું
દેશની મોટી સરકારી બેંકો પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ મિનિમમ બેલેન્સ પેનલ્ટી વસૂલ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે, બીજી તરફ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈએ નાણાકીય વર્ષ ૨૦૨૦થી લઘુત્તમ બેલેન્સ પેનલ્ટી વસૂલવાનું બંધ કરી દીધું છે. છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીની રકમમાં ૩૮ ટકાનો વધારો થયો છે.
જાહેર ક્ષેત્રની બેંકોએ નાણાકીય વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૪ દરમિયાન લઘુત્તમ બેલેન્સ પેનલ્ટીમાંથી ૮૫૦૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એસબીઆઇએ ૨૦૧૯-૨૦માં મિનિમમ બેલેન્સ પેનલ્ટીથી રૂ. ૬૪૦ કરોડની કમાણી કરી છે. જ્યારે પીએનબીએ ૨૦૨૩-૨૪માં ૬૩૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેવી જ રીતે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બેંક ઓફ બરોડાએ ૩૮૭ કરોડ રૂપિયા, ઇન્ડિયન બેંકે ૩૬૯ કરોડ રૂપિયા, કેનેરા બેંકે ૨૮૪ કરોડ રૂપિયા અને બેંક ઓફ ઈન્ડિયાએ ૧૯૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ પણ વાંચોઃ સરકાર, કોર્પોરેટ્સ અને વ્યક્તિગત કરદાતાઃ જમવામાં જગલો કૂટવામાં ભગલો
તમારા બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ સરકાર તમારી પાસેથી દંડ વસૂલે છે. આ મિનિમમ બેલેન્સની મર્યાદા શહેરો અને ગામડાઓ પ્રમાણે બદલાય છે. ઉદાહરણ તરીકે, એક શહેરમાં પંજાબ નેશનલ બેંક એકાઉન્ટ માટે લઘુત્તમ બેલેન્સ ૨૦૦૦ રૂપિયા છે, નાના શહેરો માટે તે ૧૦૦૦ રૂપિયા છે અને ગામડાં માટે તે ૫૦૦ રૂપિયા છે. જો પીએનબી ખાતાધારકો તેમના બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ જાળવી રાખતા નથી, તો શહેરના ગ્રાહકો પાસેથી ૨૫૦ રૂપિયા, નાના શહેરોના ગ્રાહકો પાસેથી ૧૫૦ રૂપિયા અને ગામડાના ખાતાધારકો પાસેથી ૧૦૦ રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવશે. બેંકોએ મિનિમમ બેલેન્સ અને પેનલ્ટીની રકમ નક્કી કરી છે. જો તમારા ખાતામાં બેલેન્સ આનાથી ઓછું હોય તો બેંકો માસિક અથવા ત્રિમાસિક ચાર્જ વસૂલે છે.
આ મામલે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મિનિમમ બેલેન્સ પર પેનલ્ટી વસૂલતી બેંકો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીના શાસનમાં સામાન્ય ભારતીયોના 'ખાલી ખિસ્સા' પણ કાપવામાં આવી રહ્યા છે. ઉદ્યોગપતિ મિત્રોના ૧૬ લાખ કરોડ રૂપિયા માફ કરનાર સરકારે બેંકોમાં મિનિમમ રકમ પણ જાળવી ન શકતા ગરીબ ભારતીયો પાસેથી ૮૫૦૦ કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. 'દંડ પ્રથા' એ મોદીના ચક્રવ્યૂહનો દરવાજો છે જેના દ્વારા સામાન્ય ભારતીયની કમર તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આગળ વાંચોઃ ગુજરાતમાં બેન્કીંગ ફ્રોડના કેસોમાં એક જ વર્ષમાં 469 ટકાનો વધારો થયો