યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણી આવી રહી છે ત્યારે અહીં દલિતોમાં ભાજપની અનામત અને બંધારણ વિરોધી છબિ સુધારવા RSS ના કાર્યકરો ગામેગામ ફરશે.

યુપી પેટાચૂંટણીમાં RSSના કાર્યકરો અનામત-બંધારણ મુદ્દે દલિતોને સમજાવશે
image credit - Google images

લોકસભાની ચૂંટણીમાં ઉત્તરપ્રદેશમાં ભાજપને ભારે પછડાટ મળી હતી. ખાસ કરીને અયોધ્યામાં મળેલી હારથી પક્ષનું ટોચનું નેતૃત્વ પણ હતપ્રભ થઈ ગયું હતું. હવે ફરીથી યુપીમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આ વખતે 10 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે અને ભાજપને જીતાડવા માટે ફરી એકવાર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકરોને કામે લગાડી દેવાયા છે. આધારભૂત સુત્રોના મતે સંઘ દ્વારા દલિત મતવિસ્તારોને ટાર્ગેટ કરવા કહેવાયું છે. સંઘના કાર્યકરો દલિતવાસમાં ઘરે ઘરે ફરશે અને ભાજપ અનામત અને બંધારણનું વિરોધી નથી તે સમજાવવા પ્રયત્ન કરશે. તેના માટે જેઓ જરૂર પડ્યે દલિતોના ઘરે જઈને ભોજન પણ કરશે.

રાજકીય નિષ્ણાતોના મતે, યુપીમાં દલિત સમાજમાં ભાજપની છબિ કટ્ટર હિંદુત્વવાદી, અનામત અને બંધારણ વિરોધી પક્ષ તરીકેની પડી ગઈ છે. અગાઉ લોકસભા ચૂંટણી વખતે ભાજપના અનેક નેતાઓએ પોતાના ભાષણોમાં બંધારણ બદલવાની વાત કરી હતી. જેને દેશભરના દલિતોએ ગંભીરતાથી લીધી હતી અને તેનો ફાયદો વિપક્ષને થયો હતો. ખાસ કરીને અયોધ્યા જેમાં આવે છે તે ફૈઝાબાદ બેઠક પર જનરલ સીટ હોવા છતાં સમાજવાદી પાર્ટીએ દલિત સમાજના ઉમેદવારને ટિકિટ આપી અને તે જીતી પણ ગયા, તેનાથી ભાજપને મોટો આંચકો લાગ્યો હતો. અગાઉ ભાજપે 400 પારનો નારો આપ્યો હતો પણ તે પોતાના બળ પર બહુમતી પણ મેળવી શક્યો નહોતો. આથી હવે સંઘ ફરીથી ભાજપની મદદે આવ્યો છે. અને તેના માટે તેના કાર્યકરોને ગામડાઓમાં દલિતવાસોમાં જઈને સમજાવવા આદેશ કરાયો છે.

સંઘની સક્રિયતા વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિવાસસ્થાને મળેલી બેઠકમાં વિધાનસભા પેટાચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સરકાર, સંગઠન અને સંઘ ત્રણેયના આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ૧૦ વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહત્વની ભૂમિકા ભજવશે અને તેની સહયોગી સંસ્થાઓના કાર્યકરો ગામડે ગામડે જઈને મતદારો સાથે ઘરે-ઘરે વાત કરશે. બેઠકમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, અનામત અને બંધારણને લઈને દલિત મતદારોમાં જે નારાજગી ફેલાયેલી છે તેને કોઈપણ હિસાબે દૂર કરવી જરૂરી છે. તેના માટે સંઘના કાર્યકરોને ગામેગામ મોકલવામાં આવશે. ત્યાં તેઓ દલિત મહોલ્લાઓમાં જઈને તેમનો અનામત અને બંધારણ બદલી દેવા અંગેનો આક્રોશ ઠારવા પ્રયત્ન કરશે.

આ પણ વાંચો: RSS અને આંબેડકર બે વિરોધી ધ્રુવ છે છતાં કેમ સંઘ બાબા સાહેબના વખાણ કરે છે?

બેઠકમાં એવી પણ ચર્ચા થઈ હતી કે અન્ય પક્ષોના લોકોને મોટા હોદ્દા આપવાથી પાર્ટીમાં નારાજગી છે. આ નારાજગીને દૂર કરવા માટે પાર્ટી અને સંઘના જૂના કાર્યકર્તાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે અને તેમને નિગમ અને કમિશનમાં અગ્રતા સ્થાન આપવામાં આવશે.

સીએમ યોગી આદિત્યનાથના ઘરે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં ઉત્તર પ્રદેશના વિકાસ અને ચૂંટણીની તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં સંઘના વરિષ્ઠ હોદ્દેદારો ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહાસચિવ, બંને નાયબ મુખ્યમંત્રી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં ભાજપના જૂના કાર્યકરોને કોર્પોરેશન કમિશન અને બોર્ડમાં સ્થાન આપવા અંગે ચર્ચા થઈ હતી. પેટાચૂંટણીમાં કેવી રીતે સારું પ્રદર્શન કરવું, કોણ વધુ સારા ઉમેદવાર બની શકે, ભાજપના સભ્યપદ અભિયાનને કેવી રીતે વેગવંતુ બનાવવું જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. સાથે જ આગામી કાર્યક્રમો અને વિવિધ મુદ્દે સંગઠન અને સરકાર વચ્ચે સંકલન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

અગાઉ ઉત્તર પ્રદેશમાં RSS, સંગઠન અને સરકાર વચ્ચે લગભગ દર એક કે બે મહિને સંકલન બેઠક થતી હતી. પરંતુ હમણાંથી આવી બેઠકો ઘણી ઓછી થઈ છે. આ બેઠકોમાં જમીની વાસ્તવિકતા ઘણી હદ સુધી બહાર આવી હતી અને સરકારે ખામીઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું એક મોટું કારણ સંઘ, સંગઠન અને યોગી સરકાર વચ્ચે તાલમેલનો અભાવ હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે આવી બેઠકોનો રાઉન્ડ ફરી એકવાર શરૂ થશે. લોકોમાં ભાજપ અને યોગી સરકારની છબી સુધારવા માટે સંઘ પણ ફરી કામે લાગી જશે. અગાઉની જેમ ભાજપનું સદસ્યતા અભિયાન હોય કે પાર્ટીનો અન્ય કોઈ કાર્યક્રમ, સંઘને પણ તેમાં સામેલ કરવામાં આવશે તેમ નક્કી થયું હતું.

આ પણ વાંચો: RSSના મુખપત્ર ‘પાંચજન્ય’માં જાતિ પ્રથાને 'જરૂરી' ગણાવવામાં આવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.