Ahmedabad Buddha Diksha: મજૂર ગામનાં કાંકરિયા બૌદ્ધ વિહારમાં 418 દલિતોએ જાતિવાદી હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો
ગુજરાત બુદ્ધિસ્ટ એકેડમીના મહામંત્રી રમેશ બેંકર બૌદ્ધે જણાવ્યું કે, ‘બુદ્ધ ધમ્મ અંગીકાર કરવાનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ ધર્મમાં રહેલા ઊંચ-નીચના સામાજિક વ્યવહાર-જાતિવાદ તથા હિન્દુ ધર્મમાં રહેલી અંધશ્રદ્ધાનો ત્યાગ મુખ્ય છે. મંગળવારે જે લોકોએ બુદ્ધ ધર્મ અંગીકાર કર્યો તેમણે પોતાની મરજીથી, કોઈપણ ધાક-ધમકી, દબાણ, પ્રોભન, લાલચ વગર, તેમને મળેલા ધર્મ સ્વતાંત્ર્યના અધિકારની રૂએ ધમ્મ પરિવર્તન કર્યું છે. છેલ્લાં ૧૦ વર્ષમાં અમારી સંસ્થાના ઉપક્રમે ૭ હજારથી વધુ લોકો બુદ્ધ ધમ્મ અંગીકાર કરી ચૂક્યા છે.’
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં છેલ્લાં કેટલાક વર્ષોથી જાતિવાદી હિંદુઓ દ્વારા દલિતો પર સતત અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યાં છે. એકબાજુ દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે બીજી તરફ દલિત, આદિવાસીઓ સાથે સતત ભેદભાવ રાખવામાં આવે છે. ગુજરાતના 18 હજાર ગામડાઓ સહિત દેશના મોટાભાગના ગામોમાં આજે પણ આભડછેટ અસ્તિત્વ ધરાવે છે. દલિતોને માથાભારે હિંદુઓ નાની અમથી બાબતોમાં પણ માર મારવા, ખૂન કરવા પર ઉતરી આવે છે. એટ્રોસિટીનો કાયદો અસ્તિત્વમાં હોવા છતાં આરોપીઓને યોગ્ય સજા થતી નથી. એક બાજુ હિંદુત્વવાદીઓ હિંદુ ધર્મમાં સૌ સરખા હોવાની વાતો કરે છે, બીજી તરફ દલિતોને તેઓ હિંદુ મંદિરોમાં પ્રવેશ પણ કરવા દેતા નથી. આ બધી સમસ્યાઓથી ત્રસ્ત સેંકડો હિંદુઓ હવે બૌદ્ધ ધર્મ અપનાવીને જાતિવાદીઓને લપડાક મારી રહ્યાં છે.