પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાતમાં પોલીસ વિભાગમાં ખાલી પડેલી વિવિધ જગ્યાઓ પર ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ભરતી માટેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ કર્યો છે
ગુજરાત રાજ્યમાં સરકારી ભરતીઓનો મામલો આજકાલ ચર્ચામાં છે. યુવાનો સરકારી ભરતી માટે રાતદિવસ જોયા વિના તનતોડ મહેનત કરી રહ્યાં છે પણ સરકાર ભરતી નથી એવી ફરિયાદો થાય છે. અગાઉ ટેટ ટાટ પાસ ઉમેદવારોએ સરકાર સામે આંદોલન છેડ્યું એ પછી સરકારે તેમની ભરતી કરવાનું જાહેર કર્યું છે ત્યારે હવે પોલીસ વિભાગમાં ખાલી પડેલી હજારો જગ્યાઓ માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરીને વહેલી તકે ભરતી કરવા માટે આદેશ આપ્યો છે.
ગુજરાત સરકારના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા હાઇકોર્ટની ખંડપીઠે તાકીદ કરી છે. પોલીસ મહેકમમાં ખાલી પડેલી જગ્યાઓ બાબતે ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં થયેલ હુકમ બાદ હાઈકોર્ટમાં સુઓમોટો રીટ દાખલ થઈ હોવાથી તેની સુનવાણી ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે કરી હતી. જેમાં સરકારને ભરતી માટે નવી બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરવા આદેશ કર્યો છે.
આ કેસની સુનાવણીમાં ખાલી જગ્યાઓ પરની ભરતી અંગે ગૃહ વિભાગે ટાઈમ લાઈન આપી હતી. જેમાં ભરતી અને પ્રમોશન થકી જગ્યાઓ ભરવાની વાત કહેવામાં આવી હતી. પીઆઇની ખાતાકીય બઢતી મારફતે ભરતી અને પીએસાઇની ૩૦૪ જેટલી જગ્યાઓ ખાલી જગ્યાઓ હોવાનું કહેવામાં આવ્યું હતું. ભરતીની પ્રક્રિયા સીધી ભરતી દ્વારા, ખાતાકીય અને પ્રમોશન દ્વારા કરવામાં આવતી હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: એક મહિનામાં પ્રવેશ રદ કરાવી લેનાર વિદ્યાર્થીઓને 100 ટકા ફી રિફંડ મળશે
કોર્ટ મિત્ર દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે બિનહથિયારધારી ૧૩,૭૩૫ જગ્યાઓમાંથી માત્ર ૬૬૦૦ જગ્યાઓ મંજૂર કરાઈ છે. આમાં જગ્યાઓ કરતા ભરતી ઓછી થતી હોય તો પ્રમોશન કરીને કેવી રીતે ભરતી કરાશે? ગત વર્ષે પણ પોલીસ બેડામાં સીધી ભરતી નહિ પણ પ્રમોશન વધુ થયા હતા. આથી કોર્ટે પહેલા પ્રમોશન પૂર્ણ કરવા કહ્યું હતું. કોર્ટ મિત્રે વધુ ધ્યાન દોર્યું હતું કે ગૃહ વિભાગના સેક્રેટરી જ ભરતી માટે ગૃહ વિભાગની મંજૂરી માંગે છે. કોર્ટે ગૃહ વિભાગની બ્લુ પ્રિન્ટ ગ્રાહ્ય ન રાખતાં ૧૮મી જુલાઈએ નવી બ્લુ પ્રિન્ટ સાથે વધુ સુનવાણી રાખી છે.
અગાઉ હાઇકોર્ટે સરકારને રિક્રૂટમેન્ટ રૂલ્સ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. તે સિવાય રાજ્યમાં પોલીસની તમામ પોસ્ટ માટેની પ્રિ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે કે નહીં, આ તમામ સવાલોના જવાબ આપવાનો આદેશ કર્યો હતો. આ કેસની સુનાવણીમાં અગાઉ રાજ્ય સરકારે હાઇકોર્ટને કહ્યું હતું કે, સરકાર નજીકના ભવિષ્યમાં પોલીસ ખાતામાં ખાલી પડેલી ૧૨ હજાર જેટલી વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરશે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર વધુ 17,200 ટેટ-ટાટ પાસ શિક્ષકોની ભરતી કરશે