ગુજરાત સરકાર વધુ 17,200 ટેટ-ટાટ પાસ શિક્ષકોની ભરતી કરશે

ટેટ-ટાટ પાસ ઉમેદવારોના આંદોલનને કારણે ભીંસમાં આવેલી રાજ્ય સરકારે વધુ 17200 ટેટ-ટાટ પાસ શિક્ષકોની ભરતી કરવાનું નક્કી કર્યું છે.

ગુજરાત સરકાર વધુ 17,200 ટેટ-ટાટ પાસ શિક્ષકોની ભરતી કરશે
image credit - khabarantar.com

રાજયમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી 42,759 જેટલી ખાલી પડેલી શિક્ષકોની જગ્યા સામે આગામી ડિસેમ્બર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા 24,700 જેટલા શિક્ષકોની ભરતી કરશે તેવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે.

રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં ગુજરાતની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવાયો છે. જે અંગે આજે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સંયુક્ત રીતે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અગાઉ 7500 શિક્ષકોની ભરતીની જાહેરાત કરાયા બાદ હવે તેમાં વધારો કરીને વધુ 17200 શિક્ષકોની ભરતી કરાશે. એટલે કે, સરકાર દ્વારા કુલ મળી 24700 નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે સરકાર દ્વારા સમય પત્રક બનાવાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજ સુધીના સમયમાં સૌથી મોટી ભરતી અમે કરી રહ્યા છે. વિવિધ તબક્કામાં 12માં મહિના સુધી તમામ ભરતી પ્રક્રિયા પૂરી કરીશું. એટલું જ નહીં વર્ષ 2011 થી 2023 સુધી જેટલી ટેટ-ટાટની પરીક્ષા લેવાઈ છે તેમાં પાસ થયેલા ઉમેદવારને માન્ય ગણીને ભરતી કરવામાં આવશે. જેમની પાસે ટેટ-ટાટ પાસનું પ્રમાણપત્ર છે તે અરજી કરી શકશે અને મેરિટ મુજબ ભરતી કરાશે.તા. 29-4-23 ના ઠરાવ મુજબ ભરતી માટે વર્ષ 2023 માં લેવાયેલ દ્વિસ્તરીય અભિરૂચિ કસોટીને ધ્યાનમાં લેવાશે.

આ પણ વાંચોઃ શિક્ષકો જ નાપાસ! બે વર્ષમાં 9218 શિક્ષકોએ ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરી, 1.54 કરોડનો દંડ ફટકારાયો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં કુલ 42,759 જગ્યા ખાલી છે, જેમાં કુલ મળીને 24,700 જગ્યાની ભરતી કરી રહ્યા છે. આ પરીક્ષામાં હાલમાં કાર્યરત 17 હજાર જ્ઞાન સહાયક શિક્ષકો પણ ભાગ લઈ શકશે. આ શિક્ષકોની ભરતી ઉપરાંત જ્ઞાન સહાયકની વ્યવસ્થા ચાલુ રહેશે, પણ જે લોકો જ્ઞાન સહાયક તરીકે કામ કરે છે અને લાયકાત ધરાવે છે એ લોકો પણ પરીક્ષામાં ભાગ લઈ શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્ઞાન સહાયક કે જેને તમે આઉટસોર્સિંગ ગણતા હો તો ગણી શકો છે, તે પણ આ પરીક્ષા આપી શકે છે. રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટેડ) શાળાઓમાં 1200 આચાર્યની ખાલી જગ્યા પણ ભરી રહ્યા છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ તા.31-07-2023ની સ્થિતિએ બાલવાટિકાથી ધોરણ-8માં કુલ મંજૂર થયેલ મહેકમ 1,92,043 સામે 1,69,387 શિક્ષકો કાર્યરત છે, જ્યારે 22,656 જગ્યા ખાલી પડેલી છે. તો તા. 31-10-2023ની સ્થિતિએ નિવૃત્તિથી ખાલી પડેલી 2005 જગ્યા, ડિસેમ્બર-23ની સ્થિતિએ ભરતી કરેલા શિક્ષકોની સંખ્યા 2430 છે, તો તા. 31-05-2024ની સ્થિતિએ નિવૃત્તિથી ખાલી પડેલી જગ્યા 1428 મળીને હાલની સ્થિતિએ કુલ 23,659 શિક્ષકોની ઘટ છે.

શિક્ષણ વિભાગની માહિતી મુજબ તા.01-06-2024ની સ્થિતિએ રાજયની માધ્યમિક શાળામાં સરકારી અને ગ્રાન્ટેડ મળીને કુલ 31337 જગ્યામાંથી અંદાજે 24013 હજાર ભરાયેલી છે, જ્યારે અંદાજે 7324 જેટલી જગ્યા ખાલી છે. તો ઉચ્ચત્તર  માધ્યમિક શાળાઓમાં મંજૂર થયેલી 24416 જગ્યામાંથી 16383 જગ્યાઓ ભરેલી છે અને 8033 જગ્યા ખાલી છે. આમ રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ મંજૂર થયેલ 55753 શિક્ષકોની જગ્યાઓ પૈકીની 40396 જગ્યા ભરાયેલી છે જ્યારે 15357 જગ્યા ખાલી પડી છે.

આગળ વાંચોઃ ઉત્તરવહીમાં 'જયશ્રી રામ' લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.