ઉત્તરવહીમાં ‘જયશ્રી રામ’ લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ

ઉત્તરપ્રદેશની એક યુનિ.માં ફાર્મસીની પરીક્ષામાં 4 વિદ્યાર્થીઓએ જવાબવહીમાં જયશ્રી રામ લખ્યું હતું. છતાં શિક્ષકોએ તેમને 56 ટકા માર્ક્સ સાથે પાસ કરી દીધાં હતા.

ઉત્તરવહીમાં ‘જયશ્રી રામ’ લખનારા 4 વિદ્યાર્થીઓ 56 ટકા માર્ક્સ સાથે પાસ
all images by Google images

રામના નામે પથરા તરે એવી કહેવાત આપણે સાંભળતા આવ્યા છીએ. પણ ઉત્તર પ્રદેશમાં તો કેટલાક વિદ્યાર્થીઓ રામના નામે પાસ થઈ ગયાની ચોંકાવનારી જાણકારી સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે, શિક્ષકોએ તેમને માત્ર પાસ જ નથી કર્યા પરંતુ 56 ટકા માર્ક્સ સાથે પાસ કર્યા છે. સમગ્ર મામલે હવે તપાસના આદેશો આપવામાં આવ્યા છે.

મામલો ઉત્તર પ્રદેશના જૌનપુરમાં આવેલી પૂર્વાંચલ યુનિવર્સિટીનો છે. અહીંના શિક્ષકો સામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ફાર્મસીની પરીક્ષામાં ચાર વિદ્યાર્થીઓને આન્સર શીટમાં પ્રશ્નોના જવાબના બદલે 'જય શ્રી રામ' અને ક્રિકેટરોના નામ લખવા પર 56 ટકા માર્ક્સ સાથે પાસ કરી દેવામાં આવ્યા છે. હાલ આ કારનામું કરનારા બે આરોપી શિક્ષકો પર કાર્યવાહીની તલવાર લટકેલી છે. આ મામલે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુએ માહિતી અધિકાર હેઠળ જાણકારી માંગી હતી. જેમાં આખો ભાંડો ફૂટી ગયો હતો.

માહિતી અધિકારી હેઠળ જાણકારી માંગવામાં આવી
આ મામલે પૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુ દ્વારા 3 ઓગસ્ટ 2023એ ડી-ફાર્મા પ્રથમ સેમેસ્ટરના 18 વિદ્યાર્થીઓના રોલ નંબર ઉપલબ્ધ કરાવતાં તેમની આન્સર શીટના પુન: મૂલ્યાંકનની માગ કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા 58 આન્સર શીટની નકલ ઉપલબ્ધ કરાવવા કહેવામાં આવ્યું હતું પરંતુ માત્ર 42 આન્સર શીટની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

માહિતી અધિકાર હેઠળ માગવામાં આવેલી જાણકારીના જવાબમાં વિદ્યાર્થીને જે આન્સર શીટની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી તેમાં બાર કોડ સંખ્યા 4149113 ની કોપીમાં વિદ્યાર્થીએ લખ્યું હતું, 'જય શ્રી રામ પાસ થઈ જવાય'. આ સિવાય વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા વગેરે ખેલાડીઓના નામ લખ્યાં હતાં. આન્સર શીટમાં પ્રશ્નોના જવાબ લખવાના બદલે જય શ્રી રામ અને ક્રિકેટ ખેલાડીઓના નામ લખવા પર યુનિવર્સિટીના શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને 75 માંથી 42 માર્ક્સ એટલે કે 56 ટકા માર્ક્સ આપીને પાસ કરવામાં આવ્યાં હતાં. આવો જ મામલો બાર કોડ 4149154, 4149158, 4149217ની આન્સર શીટમાં જોવા મળ્યો હતો અને તે વિદ્યાર્થીઓને પણ પાસ કરી દેવાયાં હતાં.

સમગ્ર મામલે પૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુએ સોગંદનામા સાથે રાજભવનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ પત્રમાં આરોપ છે કે રૂપિયા લઈને વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયાં હતાં. રાજભવન દ્વારા ફરિયાદ પર ધ્યાન આપતાં 21 ડિસેમ્બર 2023એ તપાસ કરીને કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો.

યુનિ.ની તપાસમાં બે શિક્ષકો દોષી
રાજભવનના આદેશ પર યુનિવર્સિટીએ ફરિયાદની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરી. તપાસમાં જે સામે આવ્યું તે સૌને ચોંકાવનારું હતું. રાજભવનને મોકલેલી આન્સર શીટમાં 80 માંથી 50 આન્સર શીટમાં વધુ માર્ક્સ આપવામાં આવ્યાં હતાં. જ્યારે આન્સર શીટનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું તો બહારના પરીક્ષકો દ્વારા શૂન્ય માર્ક્સ આપવામાં આવ્યાં હતા. એ રીતે પૂર્વ વિદ્યાર્થીની ફરિયાદ સાચી પડી હતી. આ મામલે પૂર્વાંચલ યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે ફાર્મસી વિભાગના આરોપી બે શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આગળ વાંચોઃ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી(JNU) દેશની ટોચની શૈક્ષણિક સંસ્થા બની

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.