પ્રેમચંદના વતનમાં તેમની સ્મૃતિઓ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે...
આજે મુન્શી પ્રેમચંદની પુણ્યતિથિ છે. પોતાની વાર્તાઓમાં ગ્રામીણ ભારતનું વાસ્તવિક ચિત્રણ રજૂ કરનાર પ્રેમચંદના વતનમાં તેમની સ્મૃતિઓ ભૂંસાતી જઈ રહી છે.
Premchand's Memories are Slowly Being Erased In His Hometown : કથા સમ્રાટ મુનશી પ્રેમચંદે પોતાની રચનાઓ દ્વારા ક્યારેક અંગ્રેજ શાસન પર પ્રહારો કર્યા તો ક્યારેક સામાજિક દુષણો પર આડે હાથ લીધાં. તેમણે પોતાની કલમથી ખેડૂતો અને શોષિતોનો અવાજ ઉઠાવ્યો.
આજે પણ તેમની રચનાઓ દેશ અને દુનિયામાં વંચાય છે. તેમની વાર્તાઓના મોટાભાગના પાત્રો અને પરિવેશ તેમની અને તેમના ગામ લમહીની આસપાસ ફરે છે. પરંતુ, હવે તે વાર્તાઓની સ્મૃતિઓ આ ગામમાં શોધવી મુશ્કેલ છે.
ગામડાએ હવે શહેરનું સ્વરૂપ ધારણ કર્યું છે. હવે અહીં બગીચો કે બેસવાની જગ્યા બચી નથી, બે બળદની વાર્તાનું પ્રતિક ગણાતો કૂવો પણ જર્જરિત થઈ ગયો છે. કોલોનીઓ સ્થપાઈ ગઈ છે અને મોટા બજારો પણ ખૂલી ગયા છે.
મુનશી પ્રેમચંદે તેમની મોટાભાગની વાર્તાઓ તેમના ગામમાં જ લખી હતી. તેમના મૃત્યુ પછી, તેમની સાથે સંકળાયેલા ગામના વારસાને બહુ મુશ્કેલીઓથી સાચવવામાં આવ્યો છે. હવે તેમના ગામનું શહેરીકરણ થયું છે. હવે અહીં અડધો ડઝન કોલોનીઓ છે.
તેમના જન્મસ્થળ પાસે જો કંઈ બચ્યું હોય તો તે છે માત્ર તેમનું ઘર, જે જર્જરિત હાલતમાં છે. પ્રેમચંદે જે કૂવા પર બેસીને બે બળદની વાર્તા લખી હતી તેમાં પણ તિરાડ પડી ગઈ છે.
સ્મારક સ્થળની દેખરેખ કરી રહેલા સુરેશ ચંદ દુબેએ જણાવ્યું કે મુનશી પ્રેમચંદની પ્રિય રમત ગિલ્લી ડંડા (ગુજરાતીમાં-મોઈ દાંડીયો) હતી. તેઓ તેમના ઘરની નજીકના બગીચામાં ગિલ્લી દંડો રમતા હતા. આના પર એક વાર્તા પણ લખી. પરંતુ, હવે તે બગીચો નથી. ત્યાં એક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવી છે.
સુરેશ દુબેએ કહ્યું કે, મૈકુની વાર્તા પાંડેપુર પાસે વાળંદની વસ્તીમાં લખાઈ હતી. પાંડેપુર પાસે રાય સાહેબનો બગીચો અને નજીકની દલિત વસ્તીમાં થિયેટર બનાવ્યું. પણ, આજે એ યાદો ત્યાં દેખાતી નથી.
મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ હિન્દી યુનિવર્સિટી, બર્ધાના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. વિભૂતિ નારાયણ રાયે કહ્યું કે, આપણો સમાજ સ્મૃતિ વિરોધી છે. આવા મહાન સાહિત્યકારનું ઘર અને સ્મૃતિઓ તેના મૂળ સ્વરૂપમાં જ રાખવી જોઈએ.
અલ્હાબાદ યુનિવર્સિટીના હિન્દી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. રાજેન્દ્ર કુમારે કહ્યું કે, પ્રેમચંદ સાથે જોડાયેલી વસ્તુઓ ભલે પરિવર્તનના સમયમાં ભૂંસાઈ ગઈ હોય, પરંતુ તેમના પ્રશ્નો હજુ પણ જીવંત છે.
BHU હિન્દી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રો. સદાનંદ શાહીએ કહ્યું કે આવા લેખકોની સ્મૃતિઓને સાચવવી એ વિકસિત સમાજની જવાબદારી છે, પરંતુ એવું કંઈ થયું નથી. સંશોધન કેન્દ્ર બન્યા પછી પણ તે આકાર લઈ શક્યું નથી.
રામકટોરામાં અંતિમ શ્વાસ લીધા, ત્યાં પણ કોઈ સ્મૃતિઓ બચી નથી
મુનશી પ્રેમચંદે તેમના જીવનનો અંતિમ ભાગ રામકટોરામાં વિતાવ્યો હતો. ડૉ. સંજય શ્રીવાસ્તવ જણાવે છે કે, તેમનું પ્રેસ અહીં જ હતું. જ્યાં તેઓ 'હંસ' મેગેઝીનનું એડિટીંગ કરતા હતા. હવે ત્યાં રામકટોરા કુંડની સામે એક શાળા બનાવવામાં આવી છે. હવે તેમની નિશાની તરીકે અહીં કંઈ નથી. તેમણે કહ્યું કે જ્યારે મુલાયમ સિંહ યાદવ મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અહીં મુનશી પ્રેમચંદ પાર્ક બનાવવાનું કહ્યું હતું પરંતુ તે પાર્ક સુંદરપુરની બ્રિજ ઈન્કલાબ કોલોનીમાં બનાવવામાં આવ્યો હતો.
અન્ય શહેરોમાં પણ અનેક રચનાઓ લખી હતી
મુનશી પ્રેમચંદે બનારસ ઉપરાંત અનેક શહેરોમાં રહીને તેમની રચનાઓ રચી હતી. ડૉ. સંજયના કહેવા પ્રમાણે, જ્યારે તેઓ શિક્ષણ અધિકારી તરીકે અમુક શહેરોમાં રહેતા હતા ત્યારે ત્યાં પણ લખતા હતા. તેમણે લખનૌ, મહોબા, કાનપુર, આઝમગઢ, ગોરખપુર, કોલકાતા, પટના વગેરેમાં રહીને લખ્યું હતું.
લમ્હીમાં આવેલું પ્રેમચંદનું ઘર, જે વર્ષમાં માત્ર બે દિવસ ધમધમતું રહે છે, એક તેમના જન્મદિવસે, બીજું પુણ્યતિથિએ.
જન્મદિવસે જીવંત ભાસે છે પછી કોઈ ડોકાતું નથી
31મી જુલાઈના રોજ પ્રેમચંદના જન્મદિવસે તેમના ગામ લમ્હીમાં ખાસ આયોજનો કરવામાં આવે છે, પ્રેમચંદની વાર્તાઓના પાત્રો લમ્હીમાં જીવંત કરાય છે અને સ્ટેજ પર તેનું મંચન થાય છે. ગત 31મી જુલાઈએ પણ ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય લોકોની સાથે સાહિત્યકારો અને વહીવટી અધિકારીઓએ તેમના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
તેમની વાર્તાઓના પાત્રો પણ ગામમાં જીવંત કરાયા હતા. શાળાના બાળકોએ મંત્ર, પંચપરમેશ્વર વગેરે વાર્તાઓનું મંચન કર્યું હતું. મોડી રાત સુધી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ ચાલુ રહી હતી. પ્રેમચંદનું સ્મારક સ્થળ ઘણા મહિનાઓથી અંધકારમાં પડ્યું હતું. ત્યાંથી પસાર થતા માર્ગ પરની લાઈટોમાં ખામી સર્જાઈ હતી, પરંતુ જન્મજયંતિના એક દિવસ પહેલા જ મહાનગરપાલિકા અને સાંસ્કૃતિક વિભાગે ઉતાવળમાં વીજળી રિપેર કરાવી હતી.
સફાઈ કર્યા બાદ પાણીના ટેન્કર વગેરેની વ્યવસ્થા કરવા સાથે રસ્તાના કિનારે ચૂનો છાંટવામાં આવ્યો હતો. પ્રાદેશિક કાઉન્સિલર જ્ઞાન ચંદે કહ્યું કે તંબુ અને વીજળી ઉપરાંત સ્થળ પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાંસ્કૃતિક વિભાગના અધિકારી અમિત દ્વિવેદીએ જણાવ્યું હતું કે કાર્યક્રમ 31મી જુલાઈએ સવારે 8 વાગ્યે શરૂ થયો હતો. પુષ્પાંજલિ, સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સાંજે સ્મૃતિ સ્થળ પર દિવાળીનો કાર્યક્રમ યોજાયો હતો.
પ્રેમચંદના ઘરમાં આવેલો કૂવો, જેની બાજુમાં બેસીને તેમણે અનેક વાર્તાઓ લખી હતી.
સેમિનારમાં BHU હિન્દીના પ્રો. વશિષ્ઠ અનૂપ, પૂર્વ પ્રો. સદાનંદ શાહી, દયાનિધિ મિશ્રા, પ્રીતિ જયસ્વાલ વગેરેએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. પ્રેરણા કલા મંચ ઉપરાંત બનારસ અને જૌનપુરની શાળાના બાળકોએ મંત્ર, પંચપરમેશ્વર વગેરે વાર્તાઓનું મંચન કર્યું હતું. કજરી અને બિરહા ગાયકોએ પણ રજૂઆત કરી હતી.
જો કે, એ પછી પ્રેમચંદનું ઘર સૂમસામ થઈ જાય છે અને ત્યારબાદ છેક તેમની પુણ્યતિથિના થોડા દિવસ પહેલા ત્યાં સરકારી માણસોની અવરજવર શરૂ થાય છે. એ સિવાય કશું થયું નથી.
વિશેષ માહિતીઃ હિદાયત પરમાર
આ પણ વાંચોઃ ગાંધીજીઃ દલિતો પ્રત્યે 'માયાળુ-કૃપાળુ સવર્ણ માનસિકતા'નું પ્રતિનિધિ વ્યક્તિત્વ