ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, દલિતો મુસ્લિમ હોત: કોંગ્રેસ નેતા

કોંગ્રેસના એક નેતા અને પૂર્વ ધારાસભ્યે દાવો કર્યો છે કે, ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા. તેમણે બીજા પણ અનેક ચોંકાવનારા દાવા કર્યા છે.

ડો. આંબેડકર ઈસ્લામ સ્વીકારવા તૈયાર હતા, દલિતો મુસ્લિમ હોત: કોંગ્રેસ નેતા
image credit - Google images

કર્ણાટક કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ધારાસભ્ય સૈયદ અઝીમ પીર ખાદરીએ એક વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે, ડો. આંબેડકર ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે તૈયાર હતા. તેમણે કહ્યું છે કે જો આવું થયું હોત તો રાજ્યના ગૃહમંત્રી જી. પરમેશ્વર અને બીજા ઘણા દલિતો આજે મુસ્લિમ હોત. ખાદરી સોમવારે કર્ણાટકના શિવગાંવમાં એક રાજકીય રેલીને સંબોધિત કરી રહ્યા હતા. ભાજપે તેમના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે ખાદરીનું નિવેદન તેમની પાર્ટીના વિચારોને પ્રતિબિંબિત કરે છે.

કોંગ્રેસના નેતા અઝીમ પીર ખાદરીએ ભાષણમાં કહ્યું, "મેં વાંચ્યું હતું કે ડો. બાબાસાહેબ આંબેડકર તેમના અંતિમ દિવસોમાં બૌદ્ધ ધર્મમાં જોડાયા હતા પરંતુ જો તેમણે બૌદ્ધ ધર્મ ન સ્વીકાર્યો હોત તો તેઓ ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે સંપૂર્ણપણે તૈયાર હતા." ખદરીએ વધુમાં કહ્યું કે, “જો બાબાસાહેબ આંબેડકરે ઈસ્લામ કબૂલ કર્યો હોત તો તેમનું નામ એલ હનુમંથૈયા હસન સાબ હોત.” 

ખાદરીએ વધુમાં કહ્યું, “આજે પણ મુસ્લિમો અને દલિતો વચ્ચે ઊંડો સંબંધ છે. જ્યાં પણ તમે દલિતોને જોશો ત્યાં ઘણીવાર મુસ્લિમ દરગાહ પણ હશે.” તેમના મતે બંને સમાજો વચ્ચે ઉંડું જોડાણ છે અને ડો. આંબેડકર પણ આ સંબંધને સમજતા હતા. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, "જો બાબાસાહેબ આંબેડકર ઈસ્લામમાં જોડાયા હોત તો રામપ્પા (તિમ્માપુર) રહીમ હોત, ડૉ. જી પરમેશ્વર 'પીર સાહેબ' હોત, હનુમંત ગૌડા હસન હોત અને મંજુનાથ તિમ્માપુર 'મહેબૂબ' હોત."

ખાદરીના નિવેદનથી કોંગ્રેસે અંતર જાળવ્યું

બીજી તરફ ખાદરીનું આ નિવેદન વાયરલ થતા જ કોંગ્રેસે તેનાથી અંતર જાળવ્યું છે. ખાદરીના ભાષણ દરમિયાન મંચ પર હાજર MLC નાગરાજ યાદવે એક મીડિયાને આપેલા નિવેદનમાં તેને 'અયોગ્ય' ગણાવતા કહ્યું કે તેઓ આ નિવેદનનું બિલકુલ સમર્થન કરતા નથી. તેમણે કહ્યું, “ડો. આંબેડકર ભારતના અત્યાર સુધીના મહાનતમ નેતાઓ પૈકીના એક હતા. તેઓ સર્વ ધર્મ સમભાવમાં માનતા હતા અને ઈચ્છતા હતા કે બધા લોકો બધા ધર્મોનો સ્વીકાર કરે. ખાદરીએ આવા નિવેદનો આપવાનું બંધ કરવું જોઈએ."

ભાજપે કોંગ્રેસ પર વળતો હુમલો કર્યો

આ નિવેદનને લઈને કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે ખાદરીનું નિવેદન તેમની અને તેમની પાર્ટીની અજ્ઞાનતા દર્શાવે છે. ભાજના નેતા સીટી રવિએ કહ્યું, "હૈદરાબાદના નિઝામ દ્વારા આંબેડકરને ઈસ્લામમાં ધર્માંતરિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને તેમણે ડો. આંબેડકરને કરોડો રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો. આંબેડકરે સ્પષ્ટપણે કહ્યું હતું કે ઈસ્લામમાં કોઈ સમાનતા નથી અને તેમાં અસહિષ્ણુતા છે."

ઉલ્લેખનીય છે કે સૈયદ અઝીમ પીર ખાદરીએ ટિકિટ ન મળતા પાર્ટી સામે બળવો કર્યો હતો અને શિગગાંવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ 8 નવેમ્બરના રોજ કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ભાજપ અને આરએસએસ ડો. આંબેડકરના બંધારણને ખતમ કરવા માંગે છે અને તેની જગ્યાએ મનુસ્મૃતિની વિચારધારા પર આધારિત બંધારણ લાવવા માંગે છે. કોંગ્રેસે એમ પણ કહ્યું કે એટલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાતિ આધારિત વસ્તી ગણતરીને દેશના ભાગલા પાડવાનો પ્રયાસ ગણાવ્યો છે.

આ પણ વાંચો: ઑસ્ટ્રેલિયાના મેલબોર્નમાં બૌદ્ધ સમાજે આંબેડકર-બુદ્ધને યાદ કર્યા


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.