ચૂંટણીમાં પત્નીએ ભાજપને મત આપ્યો તો પતિએ તલાક આપ્યાં?
એક મહિલાએ દાવો કર્યો છે કે, ચૂંટણીમાં તેણે ભાજપને મત આપ્યો હતો, જેના કારણે તેના પતિએ ગુસ્સે ભરાઈને તેને છૂટાછેડા આપી દીધા હતા.
લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને નવી સરકાર પણ બની ગઈ છે, છતાં કેટલાક એવા કિસ્સાઓ રહી રહીને સામે આવી રહ્યાં છે જે ચોંકાવનારા છે. મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક ૨૬ વર્ષીય મહિલાએ દાવો કર્યો છે કે તેના પતિએ ભાજપને સમર્થન આપવાના ગુસ્સામાં તેણીને ટ્રિપલ તલાક આપ્યા હતા. જો કે મહિલાના પતિએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેણે તેની પત્નીના અનૈતિક સંબંધો હોવાને કારણે આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઉમેશ ગોલ્હાનીના જણાવ્યા પ્રમાણે પીડિત મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેના લગ્ન લગભગ આઠ વર્ષ પહેલા થયા હતા. થોડા સમય માટે તેના સાસરિયાઓ સાથેના સંબંધો સામાન્ય રહ્યા હતા, પરંતુ બાદમાં તેના પતિ, સાસુ અને ભાભીએ તેને કોઈને કોઈ મુદ્દે ટોણાં મારવાનું શરૂ કર્યું હતું. મહિલાએ દાવો કર્યો હતો કે લગભગ દોઢ વર્ષ પહેલા તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. તે તેના પતિ સાથે ભાડાના રૂમમાં રહેતી હતી.
દરમિયાન જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે તેણે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું અને તેની તરફેણમાં મતદાન કર્યું. જેના કારણે તેનો પતિ ગુસ્સે થયો હતો. તેણે તેણીને 'ટ્રિપલ તલાક' આપ્યા હતા. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેના પતિ, સાસુ અને ચાર ભાભી સામે દહેજ પ્રતિબંધક અધિનિયમ, મુસ્લિમ મહિલા (લગ્નના અધિકારોનું રક્ષણ) અધિનિયમ અને ભારતીય કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. આ મામલે પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભાજપની જીત માટે પોતાની આંગળી કાપીને દેવી માતાને અર્પણ કરી
મહિલાનું કહેવું છે કે તેના પતિએ છૂટાછેડાની નોટિસ મોકલી હતી, જેમાં તેના પર ખરાબ ચારિત્ર્યનો અને ગેરકાયદેસર સંબંધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો છે. તેણે પોતાના વકીલ મારફતે પતિની છૂટાછેડાની નોટિસનો જવાબ મોકલ્યો છે.
બીજી તરફ મહિલાના પતિનો આરોપ છે કે તેના કેટલાક લોકો સાથે અનૈતિક સંબંધો છે. તેણે તેણીને ઘણી વખત સમજાવ્યું અને સમાધાન માટે તકો આપી, પરંતુ તે માની નહોતી. આથી તેણે ૩૦ માર્ચ, ૨૦૨૨ ના રોજ તેને મુસ્લિમ કાયદા અનુસાર પ્રથમ વખત છૂટાછેડા આપ્યા એ પછી ઓક્ટોબર અને નવેમ્બર ૨૦૨૩માં બીજી અને ત્રીજી વખતે તલાક આપ્યા હતા.
પતિએ એવો પણ દાવો કર્યો હતો કે છૂટાછેડા આપવાનું કારણ કોઈ રાજકીય પક્ષને સમર્થન આપવાનું છે જ નહીં. કેમ કે, વર્ષ 2022માં જ્યારે તેણે છૂટાછેડા આપ્યા ત્યારે કોઈ ચૂંટણી નહોતી.
તેણે આરોપ લગાવ્યો કે મહિલા તેને ધમકાવી રહી છે તેનાથી તેની ઈમેજ ખરાબ થઈ રહી છે. તે તેના પરિવારને બરબાદ કરવાની વાત કરી રહી છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે, તેના પરિવારમાં કોઈએ મહિલાને ત્રાસ આપ્યો નથી કારણ કે તે છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહે છે. છૂટાછેડાનો મુદ્દો કોર્ટમાં દાખલ થઈ ચૂક્યો છે. પરિવારમાં દરેક વ્યક્તિ કોઈપણ રાજકીય પક્ષને ટેકો આપવા માટે સ્વતંત્ર છે એટલે ભાજપને મત આપવાનો આખો મામલો ઉપજાવી કાઢેલો છે. હકીકતે એવી કોઈ વાત નથી.
આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલ મુદ્દે વિરોધ કરી રહેલા ભાજપના નેતાને હાર્ટએટેક આવ્યો