શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો

અદાણી જેવા લોકો જ્યાં ભારતને ચોતરફથી લૂંટીને ધન ભેગું કરી રહ્યાં છે, ત્યારે એક શાહી પરિવારનો યુવાન રૂ. 40 હજાર કરોડની સંપત્તિ છોડીને બૌદ્ધ સાધુ બની ગયો છે.

શાહી પરિવારનો યુવક 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ગયો
image credit - Google images

ભારત જેવા દેશમાં એકબાજુ લોકોને બે ટંકના ભોજનના સાંસા પડી ગયા છે, પાંચ કિલો રાશન પર જીવવા મજબૂર થઈ ગયા છે. બીજી તરફ ગૌતમ અદાણી જેવા બિઝનેસમેનો સરકાર પર પકડ જમાવી દેશની સંપત્તિ લૂંટીને વધુને વધુ ધન ભેગું કરી રહ્યાં છે. ગૌતમ અદાણી પાસેથી ત્યાગની અપેક્ષા રાખવી નકામી છે પરંતુ એક એવા માણસની અહીં વાત કરવી છે જેણે માત્ર 18 વર્ષની ઉંમરે રૂ. 40 હજાર કરોડની સંપત્તિ છોડી બૌદ્ધ સાધુ બની ભિક્ષા માંગીને પોતાનું જીવન ગુજારવાનું નક્કી કર્યું છે. નામ છે એમનું વેન અજાહન સિરિપાન્યો (Ven Ajahn siripanyo).

કોણ છે વેન અજાન સિરિપાન્યો?

કોણ છે વેન અજાન સિરિપાન્યો (Who is Ven Ajahn siripanyo), જેણે 40,000 કરોડનો વારસો છોડી દીધો અને બૌદ્ધ સાધુ બનવાનું નક્કી કર્યું? તો જાણી લો કે, તેઓ મલેશિયાના ટેલિકોમ ટાયકૂન તરીકે જાણીતા આનંદ કૃષ્ણનના પુત્ર છે અને તેઓ 18 વર્ષની ઉંમરે બૌદ્ધ ભિક્ષુક બની ગયા છે. AK તરીકે પ્રખ્યાત કૃષ્ણન મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે અને તેમની નેટવર્થ રૂ. 40,000 કરોડ (US$5 બિલિયનથી વધુ) કરતાં વધુ છે. આટલી નાની ઉંમરે તેમના પુત્ર વેન અજાન સિરીપાન્યોના તમામ સુખ-સુવિધાઓ છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવવાના નિર્ણયે સૌને ચોંકાવી દીધા છે.

આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને સ્પોન્સર કરી હતી

આનંદ કૃષ્ણનનો બિઝનેસ ટેલિકોમ્યુનિકેશન, મીડિયા, તેલ, ગેસ અને રિયલ એસ્ટેટમાં ફેલાયેલો છે. તેઓ ટેલિકોમ કંપની એરસેલના માલિક પણ રહી ચૂક્યા છે. એરસેલ એક સમયે IPL ક્રિકેટ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને સ્પોન્સર કરતી હતી. વેઈન અજાન સિરીપાન્યોના પિતા આનંદ કૃષ્ણન એક બિઝનેસમેન છે, તો તેમની માતા મોમવાજારોંગસે સુપ્રિંદા ચક્રબન

થાઈલેન્ડના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

18 વર્ષની ઉંમરે, વેન અજાહન સિરીપાન્યોએ આટલું વિશાળ બિઝનેસ સામ્રાજ્ય છોડીને સાધુ બનવાનું નક્કી કર્યું. તેના પિતાએ આ નિર્ણયનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો. કેમ કે તેઓ પોતે એક બૌદ્ધ ધર્મના મજબૂત સમર્થક અને સેવાભાવી વ્યક્તિ છે.

મઠમાં દીક્ષા લીધી અને ત્યાં જ રોકાઈ ગયા

અજાન સિરીપાન્યોની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરીએ તો તેઓ થાઈલેન્ડની મુલાકાત દરમિયાન થોડો સમય બૌદ્ધ રિટ્રીટમાં રહ્યા હતા. આ મઠમાં તેમણે દીક્ષા લીધી અને આ ટૂંકા ગાળાના અનુભવે જીવનની જીવવા વિશેની તેમની વિચારસરણીને બદલી નાખી અને તેણે કાયમ માટે મઠવાસી બનવાનું નક્કી કર્યું. હવે તેઓ થાઈલેન્ડ-મ્યાનમાર સરહદ પર સ્થિત દમ મઠના મઠાધિપતિ છે.

વેઇન અજાન સિરીપાન્યોનો જન્મ અને ઉછેર લંડનમાં થયો હતો અને તેઓ શહેરી વાતાવરણમાં ઉછર્યા છે. તેઓ કુલ 8 ભાષાઓ વાંચી, લખી અને બોલી શકે છે. સાધુ જીવન જીવવા છતાં તે હજુ પણ સમયાંતરે તેમના પિતાની મુલાકાત લેતા રહે છે. તે તેમની આધ્યાત્મિક પ્રતિબદ્ધતાઓ અને કૌટુંબિક સંબંધો વચ્ચે સંતુલન જાળવી રહ્યાં છે.

આ પણ વાંચો: ઐશ્વર્યા-સુસ્મિતા ને ટક્કર આપનારી અભિનેત્રીએ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.