આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરાતા દાંતામાં ભારે વિરોધ
આદિવાસી વિદ્યાર્થીઓને મેટ્રીક બાદ મળતી શિષ્યવૃત્તિ રાજ્ય સરકારે બંધ કરતા તેના વિરોધમાં ધારાસભ્યની આગેવાનીમાં અનેક ગામોના સરપંચો, સ્થાનિકો રસ્તા પર ઉતર્યા.

દલિત આદિવાસીઓના હામી હોવાની વાતો કરતી, તેમના મહાનાયકોની તસવીરો સાથે ફોટાં પડાવી ઉજવણી કરતી ભાજપ સરકાર અંદરખાને આ સમાજની યોજનાઓને ખતમ કરી રહી છે. હાલમાં જ રાજ્ય સરકારે મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ બંધ કરી દીધી છે. જેને લઈને હવે આદિવાસી સમાજે સરકાર સામે મોરચો માંડ્યો છે.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આદિવાસી સમાજે આ યોજના બંધ થવા સામે મોરચો માંડ્યો છે.
આજે દાંતાના આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં અહીંના અનેક ગામોના સરપંચો અને સ્થાનિકોએ મળીને આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરવાની સરકારની મેલી મુરાદ સામે વિરોધ નોંધાવી આ યોજનાને ફરીથી ચાલુ કરવા માટે દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, અંબાજીથી ઉમરગામ સુધી લગભગ 14 જેટલાં જીલ્લાઓમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે. સમાજના બાળકો વધુ અભ્યાસ કરીને પગભર બની શકે તે માટે વર્ષ 2010થી એસટી વિદ્યાર્થીઓને મેટ્રિક બાદ વધુ અભ્યાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા 75 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 25 ટકા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી. જેને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે 28 ઓક્ટોબર 2024ના રોજ એક પરિપત્ર જારી કરીને રદ કરી દીધી હતી. સરકારના આ પગલા સામે સમસ્ત આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સરકાર એકબાજુ આદિવાસીઓની હામી હોવાની વાતો કરે છે, બીજી તરફ તેમના બાળકો ભણીગણીને આગળ ન વધી શકે તે માટે શિષ્યવૃત્તિ યોજના બંધ કરી રહી છે. આવા બેવડા ધોરણો સામે આદિવાસી સમાજ રોષે ભરાયો છે અને લડી લેવા મકક્મ છે.
આજે દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીની અધ્યક્ષતામાં આદિવાસી સમાજે એક રેલી યોજી દાંતા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને તેમાં આદિવાસી વિદ્યાર્થીઓની બંધ કરવામાં આવેલી શિષ્યવૃત્તિ ફરીથી ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો આદિવાસી સમાજના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ મેટ્રિક બાદ નર્સિંગ, ફાર્મસી, ડિગ્રી ઇજનેરી, ડિપ્લોમા ઇજનેરી, એમબીએ, એમસીએ, એમઇ, એમ ફાર્મા તેમજ પેરા મેડિકલનો અભ્યાસ કરવા માટે લાભ લેતા હતા. આ યોજના થકી આદિવાસી સમાજના અનેક બાળકોએ પોતાનું ભાવિ ઘડ્યું છે.
જોકે આ વર્ષે દાંતા તાલુકાના આદિવાસી સમાજના 3700 વિદ્યાર્થીઓ જેમણે મેટ્રિકમાં પ્રવેશ મેળવ્યો છે તેમને આ શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે. સરકાર દ્વારા રદ્દ કરાયેલી આ શિષ્યવૃત્તિના પરિપત્ર સામે આદિવાસી સમાજની મહિલાઓ, પુરુષોએ સાથે મળી આદિવાસી ધારાસભ્ય કાંતિ ખરાડી સાથે દાંતા મામલતદાર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું અને આ યોજનાને ફરી શરૂ કરવા માટે સરકારમાં રજૂઆત કરવા કહ્યું હતું.
ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, સરકાર આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ બંધ કરીને સમાજના હક પર તરાપ મારી રહી છે. તે ચલાવી નહીં લેવાય. એકબાજુ સરકાર આદિવાસીઓની હામી હોવાની જાહેરમાં વાતો કરે છે અને અંદરખાને પરિપત્ર જાહેર કરીને આદિવાસી વિદ્યાર્થીઓના હક છીનવી લે છે. અમે તેનો વિરોધ કરીશું.
આ પણ વાંચો: દાંતામાં આદિવાસી દીકરીઓના હકની હજારો સાઈકલો ધૂળ ખાય છે