કાળી ચૌદશ 'અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર' કરવા માટેની ઉત્તમ તક છેઃ જીતેન્દ્ર વાઘેલા

કાળી ચૌદશ 'અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર' કરવા માટેની ઉત્તમ તક છેઃ જીતેન્દ્ર વાઘેલા
તમામ ફોટાંઃ જીતેન્દ્ર વાઘેલા

કાળી ચૌદશને લઈને આપણે જાતભાતની અંધશ્રદ્ધાની વાતો વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. મેલી વિદ્યા, મંત્રતંત્ર, જાદુટોના, વશીકરણ, ભૂતપ્રેતનો ઓછાયો જેવી અનેક અંધશ્રદ્ધાઓ આજે પણ લોકોમાં ફેલાયેલી છે, ત્યારે કેટલાક બહુજન યુવાનોએ આ અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર કરી નાખવાનું બીડું ઝડપ્યું છે. એમાંના એક છે અમદાવાદના જીતેન્દ્રભાઈ વાઘેલા. છેલ્લાં કેટલાક વર્ષોથી તેઓ કાળી ચૌદશની રાત્રે તેમના મિત્રો સાથે ગુજરાતના જે પણ ગામમાંથી આમંત્રણ મળે ત્યાંના સ્મશાનમાં પહોંચી જાય છે. ત્યાં પહોંચીને તેઓ ચા-પાણી-નાસ્તો કરે છે અને એ રીતે તેઓ વર્ષોથી લોકોના મનમાં પેસી ગયેલા ભૂતપ્રેતના ડરને ભગાડવા પ્રયત્ન કરે છે. અહીં તેમના અનુભવોની વાત તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છે...  

નાનો હતો ત્યારે મારી મમ્મી કહેતી કે “કાળી ચૌદશે નાના બાળકોએ સાંજ પડતા જ ઘરમાં પુરાઈ જવાનું, ક્યાંય બહાર નહીં નીકળવાનું. કાળો જાદુ કરનારા તાંત્રિકો, ભૂત, ચુડેલ સાધનારા સાધકો આ રાત્રે સ્મશાનમાં ખાસ વિધિ કરી ભૂતને બોલાવી, તેને મનગમતા ભોગ ધરાવી તેને રીઝવીને વશમાં કરી લે છે. આ મનગમતા ભોગમાં કુંવારી છોકરીઓ કે નાના બાળકોનું કાળજું પણ હોય.” આવી બિહામણી વાતો સાંભળી દિવાળી જેવા રોશનીથી ઝળહળતા તહેવારમાં પણ કાળી ચૌદશ આવતા જ મારું કાળજું કંપી ઉઠતું. કાળી ચૌદશની રાતનો મને ભારે ડર લાગતો. ઘરમાં માબાપની છત્રછાયામાં હોવા છતાં કાલ્પનિક દ્રશ્યો મારી આંખો સામે છવાયેલા રહેતાં. જાણે કે સ્મશાનમાં કોઈ બિહામણો તાંત્રિક કોઈ છોકરીનું કાળજું કાઢીને ભૂતોને તેનો ભોગ ન ધરતો હોય! આવા ડરના માહોલ વચ્ચે હું ઉછર્યો હોઈ કાળરાત્રિનો એ ડર મારા મનમાંથી કદી જશે તેવો વિચાર તો દૂર દૂર સુધી પણ ક્યાંથી હોય!

પણ સમય જતા વાંચન અને તર્ક કરવાની આદત ના કારણે રેશનલ વિચારો તરફ વળ્યો. પિયુષભાઈ જાદુગર અને તેમની ટીમ વર્ષોથી સ્મશાનમાં જઈને ભૂતપ્રેત જેવું કંઈ હોતું નથી એ સાબિત કરતા કાર્યક્રમો કરતી હોવાનું મેં જાણ્યું. એટલે મારામાં પડેલા ડરને ભગાડવા માટે હું પણ તેમના કાર્યક્રમોનો  હિસ્સો બન્યો. શરૂઆતમાં ડર લાગતો હતો પણ પછી ધીમેધીમે અદ્રશ્ય થઈ ગયો. હવે તો અમદાવાદ, કલોલ, રાંધેજાના સ્મશાનમાં કાળી ચૌદશની અડધી રાત્રે ગરમાગરમ ભજીયા ખાતા જઈએ અને ભૂત, પલીત, ચૂડેલને આહ્વાન કરીએ કે, “હે ભૂત, જો ખરેખર તું હો તો આજે અહીં કાળી ચૌદશની તારી ફેવરેટ રાત્રે બહેનદીકરીઓ સાથે અમે અહીં જમીએ છીએ. તું પણ આવ. જો તું રસ્તે ચાલતા ‘ચલ’ કહેવાથી કોઈને વળગી શકતું હોય તો ચાલ આવ, અમે તને આવકારીએ છીએ. ખુલ્લા વાળ રાખવાથી કે અત્તરની સુગંધથી કે શણગાર સજેલી મહિલાઓને તું વળગતું હોય તો આવ અહીં આ બધી મહિલાઓ બેખૌફ ઉભી છે.” - આવું આવાહન કરીએ છીએ પણ આટલાં વર્ષોથી એક પણ અનુભવ એવો થયો નથી કે કોઈ એ ભૂત જોયું હોય કે કોઈને વળગ્યું હોય. ઉપરથી ફાયદો એ થયો છે કે જે પણ લોકો આવા કાર્યક્રમનો હિસ્સો બન્યા છે તે બધાં કાયમ માટે ભૂતના કાલ્પનિક ડરથી મુક્ત થઈ ગયા છે. જે લોકો આવા કાર્યક્રમમાં જોડાય છે એ લોકોને કે એમના પરિવારને કોઈ ભુવો ભૂત વળગ્યાના નામે છેતરી શક્યો નથી. જાદુટોણાં કે વિધિઓ કરવાના બહાને કોઈ ઠગ બહેન-દીકરીઓની આબરૂ ઉપર હાથ નાખી શક્યો નથી.

આ જાતઅનુભવો પછી, એક અંધશ્રદ્ઘામાં માનતા પરિવારમાંથી આવતો હોવા છતાં મેં તર્કના સહારે આગળ વધી અન્યોમાં પણ એ તાર્કિક શક્તિ ખીલે તે માટે ‘અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર’ નામનું પુસ્તક લખ્યું, જેમાં સમાજમાં પ્રવર્તતી નાનીમોટી અંધશ્રદ્ધાઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ પુસ્તકનું વિમોચન પણ એક અલગ ઇતિહાસ ધરાવે છે. કદાચ ભારતભરમાં આ પહેલું પુસ્તક હશે જેનું વિમોચન સ્મશાનમાં કરવામાં આવ્યું હોય! એ પણ કાળી ચૌદશની રાત્રે. કાળી ચૌદશની અડધી રાત્રે સ્મશાનમાં પુસ્તકના વિમોચનની સાથે પુસ્તકનો સ્ટોલ પણ લાગ્યો હતો અને એ એક જ રાતમાં એ પુસ્તકની 1 હજાર પુસ્તકોની આખી આવૃત્તિ વેચાઈ ગઈ હતી.

આ પુસ્તક લખ્યાં પછી મને કેટલીક શાળાઓ, મહિલા મંડળો, ભજન મંડળીઓ, કન્સ્ટ્રક્શન સાઈટ પરની મજૂર કોલોનીઓ વગેરે જગ્યાએ જઈને અંધશ્રદ્ધા નિર્મૂલન માટેના મારા વિચારો વ્યક્ત કરવાની તક મળી. એ દરમિયાન અનેક પડકારો પણ ઉભા થયા હતા. એક ભાઈના ઘેર કોઈ કંકુ, નાડાછડી અને અડદની દાળ સાથે લીંબુ મૂકીને ટોટકો કરી ગયેલું. એ પરિવાર ભારે ડરી ગયો હતો. એમનો ડર દૂર કરવા માટે મેં એમના ઘેર જઈ એ કહેવાતા મંત્રેલા લીંબુને લોકોની હાજરીમાં જ ધોઈ સાફ કરી શરબત બનાવી પી ગયો. એ પછી મને કશું થયું નહીં એ જાણીને પરિવારને મારી વાતમાં ભરોસો બેઠો કે આ લીંબુ કોઈએ માત્ર તેમને ડરાવવા માટે જ મૂક્યું હતું અને તેમાં કોઈ તંત્રમંત્ર, જાદુટોણાં નહોતું.

આવી જ અન્ય એક ઘટનામાં એક વિધવા બહેનના ઘરે ચાર ઈંટોથી બનેલા એક મંદિર બાબતે મારે એક ભુવા સાથે વાદવિવાદ થયો. મેં કહ્યું કે “આ મંદિરમાં કંઈ નથી, એટલે કોઈ નૈવેધ કે યજ્ઞ કરવાની જરૂર નથી. તમે આ બહેનને ખોટો ખર્ચ કરાવો છો.” આ સાંભળીને ભુવાએ મને ચેલેન્જ આપી કે જો એવું હોય તો તેમાંથી એક ઉખાડીને બતાવ. અને મેં ચારેચાર ઈંટો ઉખાડીને ફેંકી દીધી. ન મને કશું થયું, ન એ વિધવા બહેનને કંઈ થયું. એ બહેનનો ડર તો કાયમ માટે ગયો જ, સાથે વિધિઓના નામે થતો ખોટો ખર્ચ પણ બંધ થઈ ગયો. 

વર્ષોથી ચાલી આવતી અંધશ્રદ્ધાની પરંપરાઓની વિરુદ્ધ ચાલીને લોકોને જાગૃત કરવાનું બીડું ઝડપીએ ત્યારે આવા પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે. જો કે, એકવાર ભૂત, ચૂડેલ, જિન્નાત જેવું કશું હોતું નથી એ સમજી લીધા પછી તેનો કાલ્પનિક ડર કાયમ માટે આપણામાંથી જતો રહે છે.

 ભૂત,વળગાડનો ડર ગરીબ પ્રજાને વધુ ગરીબ બનાવે છે. અભણ સ્ત્રીઓનું શોષણ કરવાનો આ સૌથી સરળ રસ્તો છે, એટલે સ્ત્રીઓને વહેલી તકે આમાંથી બહાર લાવવી એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે ભજન મંડળીની ધાર્મિક બહેનોની નારાજગી વ્હોરીને, ક્યારેક કોઈ મહિલાની ગાળો ખાઈને પણ અંધશ્રદ્ધા નિર્મૂલનનો સંદેશ લઈને પહોંચી જાઉં છું. કાળી ચૌદશ મારા માટે લોકોને ભૂતપ્રેતના કાલ્પનિક ડરમાંથી બહાર લાવવાની એક તક છે.

(લેખક વ્યવસાયે એન્જિનિયર છે અને રેશનલ પ્રવત્તિઓમાં સક્રીય રીતે કાર્યરત છે.)

આ પણ વાંચોઃ શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.