દાહોદમાં ટોળાએ મહિલાને નિર્વસ્ત્ર કરી બાઈક પાછળ બાંધીને ઢસડી
યુપી-બિહાર જેવી આ ઘટનામાં દાહોદના સંજેલી ગામની છે. જ્યાં ટોળાંએ મહિલાના પ્રેમસંબંધના કારણોસર બાઈક પાછળ સાંકળથી બાંધી દંડા મારી ઢસડી હતી.

ગુજરાતમાં કાયદો વ્યવસ્થાનો જાણે લોકોને કોઈ ડર જ ન હોય તેમ ગમે મનફાવે તેવા ગુનાઓ કરવા માંડ્યાં છે. આવી જ એક ચોંકાવનારી ઘટના દાહોદ જિલ્લામાંથી સામે આવી છે. અહીંના સંજેલી તાલુકાના એક ગામમાં એક 35 વર્ષની પરિણીત મહિલાને સ્થાનિકોએ ગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ મૂકી 15 જેટલા લોકોના ટોળાએ નિર્વસ્ત્ર કરી ઢોર માર મારી બાઇક પાછળ સાંકળથી બાંધી રોડ પર ઢસડી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
ચાર દિવસ પહેલાની ઘટના છે
ઘટના 28મી જાન્યુઆરીની છે, જ્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી. એ દરમિયાન 15 લોકોના ટોળાએ ગેરકાયદે મંડળી રચી તેને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી. આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાદમાં નિર્વસ્ત્ર કરીને બાઇક પાછળ સાંકળથી બાંધીને ગામમાં ફેરવી હતી. આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધો હતો.
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ટોળું આક્રમક રીતે મહિલાને ઘેરીને તેનાં કપડાં કાઢી નાખે છે. મહિલા આજીજી કરતી હોવા છતાં ટોળું નિર્દયતાથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે અને નિર્વસ્ત્ર મહિલાને દોડાવી દોડાવીને ધોકા ફટકારે છે. પીડિત મહિલા હાંફી જાય છે અને આજીજી કરતી હોવા છતાં રોડ પર ઢસડવામાં આવે છે અને અપશબ્દો બોલી ગામમાં ફેરવવામાં આવે છે.
વીડિયો વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી
આ વીડિયો વાઇરલ થતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતાં પોલીસે 15 પૈકી 12 આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે.
આ મામલે દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી આ ઘટનાની અમને જાણ થઈ હતી. એ પછી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જ્યાં મહિલાને આરોપીઓએ તેના સસરાના ઘરે ગોંધી રાખી હતી તેનું રેસ્ક્યૂ કરાયું હતું. એજ સમયે 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ચાર પુરુષ, ચાર મહિલા અને ચાર સગીરનો સમાવેશ થાય છે. તેમની સામે અપહરણ, ગેરકાયદેસર ગોંધી રાખવાનો, મહિલાને માર મારવાનો, તેમની ગરીમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય આચરવાનો અને ઇન્ફોરમેશન ટેક્નોલોજી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હજી ત્રણ આરોપીઓ ફરાર છે, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળ કિશોર છે. જેમની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ આદિવાસી વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે અને યુપી-બિહારની ટોળાશાહીની યાદ અપાવી દીધી છે.
આ પણ વાંચો: ભાજપ નેતાએ બંદૂક બતાવી, દલિત મહિલાને વાળ પકડી ઢસડી?