તેલંગાણા બીએસપી પ્રમુખ ડૉ. આર.એસ. પ્રવીણ કુમારે પક્ષ છોડ્યો, પોતાનો અલગ પક્ષ સ્થાપશે?

R S Praveen Kumar: તેલંગાણા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ ડૉ. આર.એસ. પ્રવીણ કુમારે લોકસભા ચૂંટણીની જાહેરાતના દિવસે જ પાર્ટીને અલવિદા કહી દીધું છે. જાણો ક્યા કારણે તેમણે પક્ષ છોડ્યો.

તેલંગાણા બીએસપી પ્રમુખ ડૉ. આર.એસ. પ્રવીણ કુમારે પક્ષ છોડ્યો, પોતાનો અલગ પક્ષ સ્થાપશે?
image credit - Google images

R S Praveen Kumar: લોકસભા ચૂંટણી પહેલા જ બહુજન સમાજ પાર્ટીને તેલંગાણામાં મોટો ઝટકો લાગ્યો છે. BSP અધ્યક્ષ આરએસ પ્રવીણ કુમારે એક સનસનાટીભર્યો નિર્ણય લેતા પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ ટૂંક સમયમાં પોતાના રાજકીય ભવિષ્યને લઈને નિર્ણય જાહેર કરશે. દક્ષિણ ભારતના રાજ્યોમાં બીએસપી સહિત સમગ્ર દલિત સમાજ માટે બહુજન રાજનીતિનો ચહેરો રહેલા ડૉ. આરએસ પ્રવીણ કુમારે પક્ષમાંથી રાજીનામું આપતા કહ્યું કે તેઓ જ્યાં પણ રહેશે ત્યાં બહુજન સમાજ માટે લડતા રહેશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં મારી પાસે બસપામાંથી રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.

https://twitter.com/RSPraveenSwaero/status/1768920677438927071


આગળ તેમણે લખ્યું હતું, “પ્રિય બહુજન સાથીઓ, હું આ મેસેજ ટાઈપ કરવામાં અસમર્થ છું, પરંતુ મારે તેને કોઈપણ રીતે ટાઈપ કરવો પડશે, કારણ કે હવે નવો રસ્તો અપનાવવાનો સમય આવી ગયો છે. કૃપા કરીને મને આ પોસ્ટ માટે માફ કરો, મારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી. ભારે હૃદયથી મેં બહુજન સમાજ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. હું નથી ઈચ્છતો કે મારા નેતૃત્વ હેઠળના તેલંગાણામાં તાજેતરના નિર્ણયોને કારણે આ મહાન પક્ષની છબી કલંકિત થાય. સાથે જ હું કેટલાક મુખ્ય સિદ્ધાંતો અને વ્યક્તિગત ચરિત્ર સાથે સમાધાન કરવા માંગતો નથી. હું કોઈને દોષી ઠેરવીશ નહીં અને જેમણે મારા પર વિશ્વાસ કર્યો છે તેમને પણ હું દગો કરવા માંગતો નથી.”


હાલમાં જ BSPએ BRS સાથે જોડાણ કર્યું છે
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ લોકસભા ચૂંટણી પહેલાં બહુજન સમાજ પાર્ટીએ તેલંગાણામાં કેસીઆરની પાર્ટી બીઆરએસ(ભારત રાષ્ટ્રીય સમિતિ) સાથે જોડાણ કર્યું છે. રાજકીય નિષ્ણાતોના મતે આર.એસ. પ્રવીણકુમાર માટે પાર્ટી હાઈકમાન્ડનું આ પગલું પચાવવું અઘરું થઈ પડ્યું છે. કેમ કે, જે કેસીઆરને તેમણે વિધાનસભા ચૂંટમીમાં દલિતવિરોધી અને ભ્રષ્ટ કહ્યાં હતા તેની જ સાથે પક્ષે લોકસભા ચૂંટણીમાં અચાનક જોડાણ કરી દીધું છે. કોઈપણ રાજકીય વ્યક્તિ માટે વિરોધીઓને અચાનક ગળે લગાવવાના આવે તે પચાવવું અઘરું હોય છે અને એટલે જ તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચોઃ અર્વાચીન ઈતિહાસના બે સત્યાગ્રહો, જે માનવાધિકાર માટે લડાયા હોવા છતાં યાદ કરાતા નથી

તેલંગાણામાં BSPએ KCRના પક્ષ BRS સાથે ગઠબંધન કર્યું ત્યારની તસવીર. (image credit - google images)

આર.એસ. પ્રવીણકુમાર અલગ પક્ષ બનાવશે?
તેલંગાણાના રાજકીય વર્તુળોમાં થઈ રહેલા ગણગણાટ મુજબ ડો. આર.એસ. પ્રવિણકુમાર સત્તાધારી કૉંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડવાને બદલે પોતાનો અલાયદો રાજકીય પક્ષ સ્થાપીને આગળ વધશે. જો એવું થશે તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પહેલીવાર કોઈ દલિત નેતા દ્વારા દલિત રાજનીતિ કરતો પક્ષ અસ્તિત્વમાં આવશે. હાલમાં અહીં દલિત વોટબેંક પર મોટાભાગે કૉંગ્રેસ અને સ્થાનિક પક્ષોનો કબ્જો છે. એ સ્થિતિમાં આર.એસ. પ્રવીણકુમાર ઉત્તરપ્રદેશમાં એક સમયે બીએસપીએ મેળવી હતી તેવી શક્યતાઓ શોધી રહ્યાં છે. હાલ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે એકમાત્ર દલિત સમાજમાંથી આવતા દિગ્ગજ નેતા ગણાય છે. જો કે, તેમના હાથ પણ પાર્ટી હાઈકમાન્ડની રજા લેવા માટે બંધાયેલા છે. બીએસપી ધીરેધીરે તેના મુખ્ય મતદાર એવા બહુજન મતદારોને ગુમાવતી જાય છે. એવામાં દક્ષિણના રાજ્યોમાં ડો. આર.એસ. પ્રવીણકુમાર શું પગલું ભરે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે. 

આગળ વાંચોઃ માન્યવર કાંશીરામના એ 10 ક્રાંતિકારી વિચારો, જે આજેય એટલા જ સત્ય સાબિત થઈ રહ્યાં છે

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.