મૂકનાયક ગ્રુપ અમદાવાદ દ્વારા કાંશીરામ જન્મજયંતિ પર વિશેષ કાર્યક્રમ સાથે રેલી યોજાઈ
અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી દૂધવાળી ચાલીમાં મૂકનાયક ગ્રુપ દ્વારા માન્યવર કાંશીરામની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી.
માન્યવર કાંશીરામ સાહેબની જન્મજયંતિની નિમિત્તે ગુજરાતભરમાં બહુજન સમાજ દ્વારા જાહેર કાર્યક્રમો, રેલી સહિત બીજા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આવો જ એક કાર્યક્રમ અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી દૂધવાળી ચાલીમાં યોજાયો હતો. જ્યાં મૂકનાયક ગ્રુપ દ્વારા જંગી રેલી કાઢવામાં આવી હતી.
અમદાવાદમાં દૂધવાળી ચાલી એકમાત્ર સ્થળ છે જ્યાં ડૉ. આંબેડકર પ્રતિમાની સાથે ત્યાગમૂર્તિ માતા રમાબાઈનું સ્ટેચ્યૂ આવેલું છે. અહીંથી સાંજે 8 વાગ્યે શરૂ થયેલી રેલી પરિક્ષીતલાલ નગર, ભુલાભાઈ ચાર રસ્તા, મજૂરગામ થઈને કાંકરિયા બુદ્ધ વિહાર પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો અને બહુજન સમાજના યુવાનો માન્યવર કાંશીરામના વિચારો પ્રદર્શિત કરતા બેનરો, ફોટાં અને જય ભીમ તથા માન્યવર કાંશીરામ સાથે જોડાયેલા નારાઓ લગાવતા જોડાયા હતા. રેલીમાં ડીજેના તાલે બહુજન મહાપુરૂષો પરના ગીતો પર સૌ કોઈ ઝુમી ઉઠ્યાં હતાં.
આ સમગ્ર કાર્યક્રમના આયોજક મૂકનાયક ગ્રુપના કર્તાહર્તા પ્રકાશ બેંકરે જણાવ્યું હતું કે, આ રેલી માટે લાંબા સમયથી આયોજન કરવામાં આવી રહ્યું હતું. સવારે દૂધવાળી ચાલી ખાતે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમા ખાતે માન્યવરના ફોટાના ફૂલહાર કરી, વંદન સાથે તેમના કાર્યને યાદ કરવામાં આવ્યા હતા. સાંજે મોટી રેલી નીકળી હતી જેમાં 300થી વધુ લોકો જોડાયા હતા. છેલ્લે કાંકરિયા બુદ્ધ વિહારે પહોંચીને ત્યાં માન્યવરના જન્મદિવસ નિમિત્તે કેક કાપીને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ માન્યવરના વિચારો વ્યક્ત કરતી પત્રિકા અને અન્ય સાહિત્ય ઉપસ્થિત લોકોને વહેંચવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :લેખિતમાં આપો ચૂંટણી પછી ભાજપ સાથે જોડાણ નહીં કરો, પ્રકાશ આંબેડકરે ઉદ્ધવ-પવાર-કૉંગ્રેસ સામે મૂકી શરત
Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.