સમ્યક સમાજ દ્વારા 6 મહાનુભાવોનું કાંશીરામ કાર્ય એવોર્ડ આપીને સન્માન કરાયું

ગઈકાલે માન્યવર કાંશીરામ સાહેબની જન્મજયંતિ નિમિત્તે સમ્યક સમાજ અમદાવાદ દ્વારા બહુજન સમાજના અસલી હીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સમ્યક સમાજ દ્વારા 6 મહાનુભાવોનું કાંશીરામ કાર્ય એવોર્ડ આપીને સન્માન કરાયું
image credit - Mohindra maurya

ગઈકાલે માન્યવર કાંશીરામ સાહેબની 90મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં અસંખ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે અમદાવાદના ગોમતીપુરમાં સમ્યક સમાજ દ્વારા એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માન્યવર કાંશીરામ સાહેબના પગલે ચાલીને બહુજન સમાજ માટે આખી જિંદગી ખર્ચી નાખનાર એવા મહાનુભાવોનું ઍવોર્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમના કામની કદર થવી જરૂરી હતી. 


વિખ્યાત બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય અને સમ્યક સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બામસેફ, DS4 અને બહુજન સમાજ પાર્ટીમાં કામ કરી ચૂકેલા બહુજન સમાજના એવા 6 કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમણે ખરા અર્થમાં સામા પ્રવાહે તરીને માન્યવર કાંશીરામના કાર્યને આગળ ધપાવવા પ્રયત્ન કર્યો હતો. આ એ લોકો છે જેમણે આખી જિંદગી બહુજન સમાજને જાગૃત કરવામાં ખર્ચી નાખી છે. વર્તમાન રાજકારણમાં જ્યાં વિચારધારાનો સતત લોપ થઈ રહ્યો છે ત્યારે આ કાર્યકરો આજીવન માન્યવરની વિચારધારાને વફાદાર રહ્યાં છે, એટલે જ તેમને ‘કાંશીરામ કાર્ય ઍવોર્ડ’ આપી સન્માનિત કરાયા હતા. 


આ 6 મહાનુભાવોમાં આણંદના નિવૃત્ત એડિશનલ જજ કનુભાઈ વ્યાસ જેમણે બામસેફ, ડીએસ4 અને બસપામાં કામ કર્યું હતું, સુરતના કેશવભાઈ ચૌહાણ જેઓ 48 વર્ષથી કાંશીરામ સાહેબની ચળવળમાં સક્રિય છે, ઉના-દીવના પી.એલ. રાઠોડ, જેઓ નિવૃત્ત સમાજ કલ્યાણ અધિકારી છે અને 42 વર્ષથી બામસેફના સક્રિય કાર્યકર છે, અમદાવાદના પ્રકાશભાઈ બેન્કર, જેઓ એસબીઆઈમાં અધિકારી છે અને માન્યવર સાથે કામ કરી ચૂક્યાં છે, સુરેન્દ્રનગરના નરેશભાઈ મકવાણા, જેઓ બીએસપીના કાર્યકર છે, અમરાઈવાડી અમદાવાદના ગણપતભાઈ સોનાર જેઓ બહુજન સમાજ પાર્ટીના પાયાના કાર્યકર છે તેમનો સમાવેશ થાય છે.


આ ઍવોર્ડ સમારંભના મુખ્ય આયોજક બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યે ખબરઅંતર.કોમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “છેલ્લાં ઘણાં સમયથી મને લાગતું હતું કે આજીવન બહુજન સમાજ માટે કામ કરી ચૂકેલા મહાનુભાવોનું સન્માન થવું જોઈએ. બહુજન સમાજ પર એક આક્ષેપ સતત લાગતો રહે છે કે, તે તેના માટે કામ કરતા કાર્યકરો, મહાનુભાવોની કદર કરવામાં ઉણો ઉતરે છે. ઘણે અંશે આ આક્ષેપ સાચો પણ લાગ્યો છે, તેમાંથી આ વિચારનો જન્મ થયો હતો. આ ઍવોર્ડ સમાજ માટે કામ કરતા કાર્યકરોનું સન્માન કરવાનો તો છે જ, સાથે બહુજન સમાજને તેના અસલી હીરો કોણ છે તેની જાણ કરવાનો પણ એક ઉદ્દેશ્ય ધરાવે છે. આ વખતે 6 મહાનુભાવોને સમ્માનિત કરાયા છે, આગામી સમયમાં વધુ એવા પાયાના કાર્યકરોને શોધીને તેમનું પણ આ રીતે ઍવોર્ડ આપીને જાહેર સન્માન કરીશું.”

આગળ વાંચોઃ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રૂ. 30 લાખના ખર્ચે પુસ્તકાલય અને બાબાસાહેબની પ્રતિમાનું અનાવરણ

Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.