ફૂલે-શાહુ-આંબેડકરી વિચારધારાના વાહક દેવજી ભગતની વિદાય
આજીવન ફૂલે-શાહુ, આંબેડકરી વિચારધારાના પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત રહેલા ગોંડલના દેરડી કુંભાજી ગામના વતની દેવજી ભગતે આપણી વચ્ચેથી વિદાય લીધી છે.
ફુલે-શાહુ-આંબેડકરી વિચારધારા આજે પણ અડીખમ ઉભી છે તેની પાછળ નિઃસ્વાર્થભાવે, કોઈપણ પ્રકારની લાઈમલાઈટમાં આવ્યા વિના ચુપચાપ રીતે પાયાનું કામ કરતાં હજારો વિચારધારાના વાહકોની મહેનત રહેલી છે. તેવા જ એક વિચારધારાના વાહક હતાં રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી કુંભાજીની ગામના દેવજી ભગત. જેમણે બે દિવસ પહેલા આપણી વચ્ચેથી વિદાય લીધી છે.
ગોંડલ પંથક અને મિશનરી માણસો તેમને એકદમ સરસ, નિખાલસ અને પ્રેમાળ સ્વભાવના લીધે દેવજી ભગતના નામથી ઓળખે, પણ અમારા માટે દેવજીમામા, જે હવે આપણી વચ્ચે નથી રહ્યાં.
દેવજી ભગતે અમરેલી, જુનાગઢ અને ગોંડલની આસપાસના સોરઠી પંથકમાં પોતાના જીવનના 50 વર્ષો કરતાં પણ વધુ સમય સુધી પોતાના આગવા અંદાજમાં ફુલે-શાહુ, આંબેડકરી, બહુજન વિચારધારાનો પ્રચાર-પ્રસાર કર્યો. સંતોની ભાષામાં અને પોતાની આગવી વાણીમાં બુદ્ધથી લઈને માન્યવર કાંશીરામ સુધીના બહુજન નાયકોના વિચારો સમાજના છેવાડાના માનવીઓ સુધી પહોંચાડ્યા.
તેમણે પોતાના જીવનપર્યંત અંદાજીત 2,000 કરતાં પણ વધુ ફુલે-શાહુ, આંબેડકરી વિચારધારા ફેલાવનારા ડાયરા અને કાર્યક્રમો નિ:શુલ્ક અથવા સાવ નજીવી રકમે, બસમાં મુસાફરી કરીને કે 5-10 કિલોમીટર પગપાળા ચાલીને એકદમ સાદગીપુર્ણ રીતે 60 વર્ષની ઉંમરે પણ કરેલા.
દેવજી બાપા ડાયરાઓ અને પ્રોગ્રામો સિવાય ફિલ્ડમાં પણ બુદ્ધ, કબીર સાહેબ અને રોહિદાસ બાપાના વિચારોને આધુનિક શૈલીમાં રજૂ કરી યુવાનો અને પછાતોમાં વૈજ્ઞાનિક અભિગમનો પ્રચાર કરતાં. સાથે જ માન્યવર કાંશીરામ સાહેબના રાજકીય વિચારોનું પણ બીજારોપણ કરતા.
ફુલે-શાહુ, આંબેડકરી મિશનરી તો ખરા જ, પણ સમાજમાં અંધશ્રધ્ધા, કુરિવાજો, મહિલાઓના ઉદ્ધાર અને સમાજના આંતરીક કે પારીવારીક વિવાદોમાં પણ સમાજને જોડવા દિવસ રાત જોયા વિના કામ કર્યું હતું અને મદદરૂપ બન્યા હતાં. અનેક યુવાનોના માર્ગદર્શક અને ફુલે-શાહુ આંબેડકરી વિચારધારાના વાહક દેવજી ભગત છેલ્લા શ્વાસ સુધી મિશનનું કામ કરતાં રહ્યા.
કોઈપણ માન-સન્માન, સ્ટેજ, પદ-હોદ્દા કે પૈસાની પણ લાલચ વિના કામ કરતાં ખરા અર્થના બહુજન યોદ્ધા એવા દેવજી ભગતની સમગ્ર બહુજન સમાજ અને ફુલે-શાહુ, આંબેડકરી મુવમેન્ટને સદા માટે ખોટ રહેશે. દેવજી ભગતને ક્રાંતિકારી જય ભીમ.
(અહેવાલઃ ડૉ. ભાવિન પરમાર, રાજકોટ)
આ પણ વાંચો: લેખક, પત્રકાર, આરટીઆઈ એક્ટિવિસ્ટ ડૉ. સ્વપ્નિલ મહેતા ની વિદાય