દલિતોને રીઝવવા RSS મથુરામાં બે દિવસ મંથન કરશે

લોકસભા ચૂંટણીમાં મળેલી પછડાટમાં દલિતોનો મોટો હાથ હોવાથી RSS હવે દલિતોને કેવી રીતે રીઝવવા તેના પર મથુરામાં બે દિવસ મંથન કરશે.

દલિતોને રીઝવવા RSS મથુરામાં બે દિવસ મંથન કરશે
image credit - Google images

લોકસભાની ચૂંટણીમાં બંધારણ પર પડેલી તરાપ અને દલિતો, આદિવાસીઓના હકો પર ભાજપ દ્વારા મારવામાં આવેલી તરાપને લઈને દલિત સમાજે ભાજપના વિરોધમાં એકતરફી મતદાન કર્યું હતું. જેના કારણે અબ કી બાર 400 પારનો નારો આપનાર ભાજપ 250ની અંદર સમેટાઈ ગયું હતું. હરિયાણામાં પણ દલિત મતો ભાજપ તરફ ખસકે તેવી સ્થિતિ ઓછી જણાતી હોવાથી તેણે ઓબીસી મતો પર ફોકસ કર્યું હતું. હાલ એસસી એસટી પેટા વર્ગીકરણ અને ક્રિમીલેયરનો મુદ્દો દેશભરમાં ચગેલો છે, હરિયાણાની નાયબ સૈની સરકારે પહેલી જ કેબિનેટ મીટિંગમાં દલિતો વિરોધી એસસી પેટા વર્ગીકરણ દાખલ કરવાનો નિર્ણય લીધો હતો. આ બધાં કારણોસર ભાજપની છાપ દલિતોમાં ભારે નકારાત્મક થઈ ચૂકી છે. એ સ્થિતિમાં મહારાષ્ટ્ર, ઝારખંડ અને આગામી દિવસોમાં બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં દલિત મતો ભાજપને સૌથી વધુ નડી શકે તેમ હોવાથી હવે ભાજપની નૈયા પાર લગાવવા માટે ફરી એકવાર RSS મેદાનમાં આવ્યું છે.
દલિતોને કેવી રીતે ભાજપ તરફ વાળવા તે અંગે મથુરામાં બે દિવસીય મંથન સત્ર યોજાનાર છે. RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરના જણાવ્યા મુજબ સંઘની અખિલ ભારતીય એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 25 અને 26 ઓક્ટોબરે મથુરામાં યોજાવા જઈ રહી છે.

ભાજપનું માતૃ સંગઠન આરએસએસ હિન્દુ સમાજમાં સમરસતા માટે એક મોટી પહેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધી, આરએસએસ સમરસતા મંચ જેવા કાર્યક્રમો દ્વારા હિંદુ સમાજની તમામ જાતિઓ સુધી પહોંચવાના પ્રયાસો કરતું રહ્યું છે. પણ હવે જે રીતે દલિત સમાજના મતોનો પ્રભાવ દરેક ચૂંટણીઓમાં દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે તે જોતા તેણે મથુરામાં ખાસ દલિત સમાજના મતોને ભાજપ તરફ કેવી રીતે વાળીને રાખવા તે માટેનું બે દિવસનું મંથન સત્ર યોજવાનું નક્કી કર્યું છે.

RSSના પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે માહિતી આપી છે કે, અખિલ ભારતીય એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક 25 અને 26 ઓક્ટોબરે મથુરામાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં બાંગ્લાદેશમાં હિંદુઓની સ્થિતિ, RSSના શતાબ્દી વર્ષની ઉજવણી, OTT પ્લેટફોર્મ માટે નિયમોની માંગ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં RSSના 393થી વધુ નેતાઓ હાજર રહેશે. તેમાં પ્રાંતીય પ્રચારકો, પ્રાંતીય સંઘચાલકો અને પ્રાંતીય કાર્યકરો પણ સામેલ હશે. આરએસએસના સૂત્રોએ જણાવ્યું કે વિજયાદશમી પરના તેમના ભાષણમાં સરસંઘચાલક મોહન ભાગવતે બેઠકનો એજન્ડા નક્કી કર્યો હતો. હવે માત્ર કયું કાર્ય કેવી રીતે પૂરું કરવું જોઈએ તેના પર વિગતવાર વિચાર-વિમર્શ કરવાનો છે.

મીટીંગનો એજન્ડા જણાવતા સુનીલ આંબેકરે કહ્યું કે, 'સમાજને કેવી રીતે એક સાથે રાખી શકાય તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમને ખોટી માહિતીની જાળમાં ફસાતા અટકાવવા જોઈએ. તેમણે બાળકો પર ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર આવતી સામગ્રીની પ્રતિકૂળ અસરો વિશે પણ વાત કરી અને તેના નિયમનની જરૂરિયાત વ્યક્ત કરી. તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને સમાજમાં સમરસતા કેવી રીતે બનાવી શકાય તેના પર ચર્ચા થશે. અમે અત્યાર સુધી શું કર્યું છે અને ભવિષ્યમાં શું કરી શકીશું તેના પર મંથન કરીશું.

આરએસએસના નેતાએ કહ્યું કે અમે સ્વામી દયાનંદ સરસ્વતી, બિરસા મુંડા, અહલ્યાબાઈ હોલકર અને રાણી દુર્ગાવતીનો સંદેશ સમાજમાં કેવી રીતે પહોંચાડવો તે અંગે વિચારણા કરીશું. મોહન ભાગવતે પોતાના સંબોધનમાં આ તમામ વ્યક્તિત્વનો ઉલ્લેખ કર્યો હતો. આરએસએસને દલિતો સુધી લઈ જવા અંગે વિચાર-મંથન થશે. 

આ મંથન ખાસ છે, કારણ કે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આવતા મહિને જ ચૂંટણી યોજાવાની છે. આપને જણાવી દઈએ કે સામાન્ય ચૂંટણીમાં ભાજપને માત્ર 240 સીટો મળી હતી અને તેના માટે દલિતોના એક વર્ગની સરકી જવાને પણ કારણ માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે જાતિ ગણતરીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ખાસ વાત એ છે કે આ વર્ષે દશેરા દ્વારા આરએસએસ તેના 100માં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. દેશભરમાં શતાબ્દી વર્ષ નિમિત્તે કેવા અને કેવા કાર્યક્રમો યોજવા જોઈએ. સંઘની આ મહત્વની બેઠકમાં આ અંગે પણ ચર્ચા થવા જઈ રહી છે. સંઘનું કહેવું છે કે ભવિષ્યમાં કેટલાક ફેરફારો પણ જોવા મળશે, જેની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ BJP-RSS ના 'મનુવાદી' ચહેરાને આ દેશના દલિતો, આદિવાસીઓ સ્પષ્ટ રીતે પારખી ગયા છે


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.