અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત

અમરાઈવાડીના એક દલિત યુવકનું ભાજપના પૂર્વ ધારાસભ્યની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ઓપરેશન કરી સ્ટેન્ટ મૂકાવ્યા બાદ અચાનક મોત થઈ જતા હોબાળો મચી ગયો છે.

અમરાઈવાડીના દલિત યુવકનું ભાજપ નેતાની હોસ્પિટલમાં સ્ટેન્ટ મૂક્યા બાદ મોત
image credit - Google images

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ બાદ મોત થયાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં બાપુનગર વિસ્તારમાં શ્યામ શિખર નજીક આવેલ કાકડીયા હોસ્પિટલમાં એક દલિત યુવકને સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થતા પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે. 

મળતી માહિતી મુજબ અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ મુળજીભાઈ પરમાર(અંદાજે ઉ.47)ને મોડી રાત્રે છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યો હતો. પહેલા તેને દવાથી સારૂ થઈ જશે અને કોઈ તકલીફ જેવું નથી તેમ કહ્યાં બાદ અન્ય ડોક્ટરે આવીને હુમલો આવ્યાનું કહી એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યું હતું. એ પછી યુવકની તબિયત વધારે બગડી હતી અને તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટનાના અમદાવાદના દલિત-બહુજન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. મૃતક યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલની બેદરકારીથી સ્ટેન્ટ મૂક્યા બાદ તેનું મૃત્યુ થયું. આ હોસ્પિટલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ટ્રસ્ટી છે. સમગ્ર બનાવ અંગે શહેર કોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર મામલે મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, “અરવિંદભાઈને ગળામાં દુખતું હતું એટલે અમે કાકડિયા હોસ્પિટલ લઈને આવ્યા હતા. આખા શરીરના રિપોર્ટ કાઢ્યા તો કહ્યું કે, બધું બરોબર છે કોઈ તકલીફ નથી, અત્યારે તમને ઈન્જેક્શન અને દવા લખી દીધી હતી એટલે તમને દુખાવામાં આરામ આવી જશે. જો કે, એ પછી અચાનક ડોક્ટર આવ્યા હતા અને તેમણે સારવાર દરમિયાન તેમને ઇન્જેક્શન આપ્યું હતું અને દવા આપી હતી. ત્યારબાદ જ્યારે આવ્યા ત્યારે તેમના રિપોર્ટ કર્યા હતા અને તેમાં કહ્યું હતું કે તેમની નળી બ્લોક છે જેથી તેમને ઓપરેશન કરવા માટે અંદર લઈ ગયા હતા અને એક નળી નાખી અને ઓપરેશન કર્યું હતું. જ્યારે તેઓ અમને નળી બતાવતા હતા ત્યારે એક નળી તૂટેલી હતી અને વિમાન જેવું દેખાતું હતું.

જેથી, તેઓએ કહ્યું હતું કે આ નળી ફાટી ગઇ છે. અમારાથી ભૂલથી આ થઈ ગયું છે પણ અમે સ્ટેન્ટ મૂક્યું છે જેથી સારા થઈ જશે.ઓપરેશનમાંથી બહાર લાવ્યા બાદ તેઓને આઈસીયુમાં લાવવામાં આવ્યા હતા પરંતુ થોડી જ વારમાં તેમના હૃદય પર સોજો આવવા લાગ્યો હતો અને ડોક્ટરે કહ્યું હતું કે- હવે તે સિરિયસ થઈ ગયો છે. અમે કહ્યું- યુવકને  સાજો લઈને આવ્યા હતા અને અચાનક કેવી રીતે થઈ ગયું હવે એક જ માંગ છે કે, અમને ન્યાય મળવો જોઈએ.પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં રોકકળ કરી મૂકી હતી. મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો છે કે, સાજા માણસને મારી નાખ્યો છે. પરિવાર હોસ્પિટલના આઇસીયુની બહાર હોબાળો કરી અને તોડફોડ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.”

હોસ્પિટલમાં ભાજપના નેતાઓ ટ્રસ્ટી છે

ભાજપના પૂર્વ ધારાસભ્ય અને હોસ્પિટલના ટ્રસ્ટી વલ્લભભાઈ કાકડીયા હોસ્પિટલ ખાતે પહોંચતાની સાથે જ દર્દીના પરિવારજનો તેમને ઘેરી વળ્યા હતા. લોકોએ કાકડિયા હોસ્પિટલ ‘હાય હાય’ના નારા લગાવ્યા હતા. વલ્લભભાઈ કાકડીયા હોસ્પિટલના પ્રમુખ છે. જ્યારે અશોકભાઈ સવાણી વહીવટી હોદ્દેદાર તરીકે કાર્યરત છે.

દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં ‘હાય હાય’ના નારા લગાવ્યા. તમારુ નખોદ જાય, હાય હાયના નારા લગાવી હોસ્પિટલ પર બળાપો કાઢ્યો હતો.બાપુનગર વિસ્તારમાં અમદાવાદ ડાયમંડ એસોસિએશન મેડિકલ ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મીબેન લાલજીભાઈ કાકડીયા નામની હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા ટ્રસ્ટી તરીકે છે. ભાજપના નેતાઓ આ હોસ્પિટલના ટ્રસ્ટી છે અને વહીવટ પણ ચલાવે છે.

મૃતકના પરિવારજનોએ કહ્યું હતું કે, “ડોકટર બારોટ સાહેબને એકવાર દેખાડવા માટે કહ્યું. તે તમને દવાઓ પણ લખી આપશે એમ જણાવ્યું. આ ડોકટરે ફાઈલ જોઈને તેમાં ECG જોયું ને કહ્યું કે, આ ભાઈને અટેક છે તાત્કાલિક સારવારમાં લઈ લો. હવે સાહેબ આમાં તો ખબર જ નથી શું બન્યું? તપાસ કરીને કહે કે, દર્દીની એક નળી બ્લોક છે. બીજી નળીમાં વિમાન જતું હતું એટલે અમે તેનું કારણ પૂછ્યું. ફરીવાર જોયું તો ફાટેલી નળી બતાવતી હતી એટલે એ ડૉક્ટરે એમ કીધુ કે, હા અમારાથી ફાટી ગઈ પણ અમે સ્ટેન્ટ મૂકી દીધુ એટલે હવે વાંધો નહી આવે. સ્ટ્રેચરમાં બહાર લઈને આવ્યા ત્યારે અમારા વ્યક્તિને પૂછ્યંય કે, હવે કેમ છે? તો તેણે કહ્યું હવે સારુ છે. સારવાર માટે અંદર લઈ ગયા ને પછી ત્યાં અમને અંદર જવા ન દીધા. આઈસીયુમાં સારવાર માટે લઈ ગયાના થોડા સમય બાદ ડૉક્ટરે બોલાવીને કહ્યું કે- પહેલા તેની તબિયત સારી હતી પણ થોડી તબિયત લથડી અને હૃદય પર સોજો આવી ગયો.”

આ મામલે શહેરકોટડા પોલીસ મથકના પીઆઈ મનીષ ચંદ્રાવડિયાએ જણાવ્યું હતું કે. કાકડીયા હોસ્પિટલમા ડોકટરની બેદરકારીથી યુવકનું મોત થયાના આક્ષેપો સાથે તેમના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સર્જરી કરનાર ડોકટર સામે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. જોકે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.ઠ

કાર્ડમાં એપ્રુવલ વિના કેવી રીતે દર્દીનું ઓપરેશન કરાયું?

એવું ચર્ચાઈ રહ્યું છે કે ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયાની હોસ્પિટલના ડોક્ટરોએ દર્દીનું મા કાર્ડ આવ્યું ને તરત જ નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરી દીધું હતું. PMJAY કાર્ડમાંથી એપ્રૂવ કરાવ્યા પહેલા ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. કાર્ડમાં એપ્રુવલ વિના કેવી રીતે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું જો સારવારનો ખર્ચ મોટો થાય તો પરિવારજનો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોત તેને લઈને અનેક સવાલ ઊભા થયા હતા.

યુવકના પત્નીનો વિલાપ- “મારે એનો જ આધાર હતો”

મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, ડૉક્ટરોની બેદરકારીથી મારા પતિનું મોત થયું, હું તો સાજા લઈને આવી હતી. તેમને ખાલી ગેસની તકલીફ હતી. કોઈ એટેકય નહોતો. એમનેમ જ ચીરી નાખ્યા આ લોકોએ. મને ન્યાય જોઈએ...મારે મારો ઘરવાળો જોઈએ. હવે મારે કોનો આધાર? મારે કોઈ બાળક પણ નથી, મારે એ જ આધાર હતો. મારે ન્યાય જોઈએ, મારે મારો ઘરવાળો પાછો જોઈએ.

આ પણ વાંચો: ગુજરાત મોડેલ : બુટલેગરે હોસ્પિટલ શરૂ કરી, ઉદ્ઘાટનમાં પોલીસને બોલાવી


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.