જાતિવાદીઓનો ખૌફ : બંદૂકના નાળચે દલિત દીકરીની જાન પાછી કાઢી

બંદૂક સહિતના ઘાતક હથિયારો સાથે ગામના જાતિવાદી તત્વોએ એક દલિત દીકરીની જાન રોકી, જાનૈયાઓને જાતિસૂચક ગાળો ભાંડી જાન પાછી લઈ જવા મજબૂર કર્યા.

જાતિવાદીઓનો ખૌફ : બંદૂકના નાળચે દલિત દીકરીની જાન પાછી કાઢી
પ્રતિકાત્મક તસવીર Image credit - google Images

લગ્નની સિઝન શરૂ થઈ ચૂકી છે અને તેની સાથે જ દલિતોની જાન પર હુમલાની ઘટનાઓ પણ શરૂ થઈ છે. જાતિવાદી હિંદુઓ ગામમાંથી જાન લઈ જવી, વરઘોડો કાઢવો, ફટાકડાં ફોડવા, ડીજે વગાડવું અને નાચવું-ગાવું જાણે તેમના જ બાપનો અધિકાર હોય તેમ વર્તે છે. કમનસીબી એ છે કે, આ દેશનું બંધારણ દરેક માણસને અમુક કુદરતી અધિકારો આપે છે તેમાં આ બધી બાબતોનો પણ સમાવેશ થતો હોવા છતાં કાયદો-વ્યવસ્થા જાળવવાની જેમની જવાબદારી છે તે પોલીસ આવા જાતિવાદી તત્વોને તેમની જાતિના કારણે છાવરે છે. પરિણામે દર વર્ષે દલિતોની જાન રોકવાના કે તેના પર હુમલો થવાની ઘટનાઓ બનતી રહે છે અને પોલીસ ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા મારવા નીકળીને છેલ્લે એકાદ વ્યક્તિની અટકાયત કરીને છોડી દે છે. પરિણામે દલિતોની જાન પર હુમલા થવાનો સિલસિલો યથાવત રહે છે અને જાતિવાદી તત્વોની હિંમત ખૂલી જાય છે.

જો કે અહીં જે ઘટનાની વાત કરવી છે તેમાં જાતિવાદીઓએ તમામ હદ પાર કરી નાખી હતી અને ન માત્ર દલિત દીકરીની જાનને રોકી પરંતુ તેને બંદૂકના નાળચે અને ઘાતક હથિયારો સાથે પાછી કાઢી હતી.

મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીં બરેલીના સિરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના જગન્નાથપુર ગામમાં દલિત પરિવારની દીકરીના લગ્ન દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર વિસ્તારને ચોંકાવી દીધો છે. ગામના જાતિવાદી તત્વોએ બંદૂક, પિસ્તોલ સહિતના ઘાતક હથિયારો સાથે દલિત દીકરીની જાનને અટકાવી હતી. સમગ્ર માહોલ ઉત્સાહ અને ખુશીથી ભરેલો હતો. ગામની શેરીઓ બેન્ડના સંગીત અને જાનૈયાઓના નાચ-ગાનથી ગૂંજી રહી હતી. પણ એ દરમિયાન અચાનક જાતિવાદી તત્વોનું એક જૂથ પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે ત્યાં પહોંચી ગયું અને હોબાળો મચાવી દીધો.

આ પણ વાંચોઃ CID અને 100 જેટલી પોલીસ વચ્ચે પહેલીવાર દલિત યુવકનો વરઘોડો નીકળ્યો

બંદૂકના નાળચે જાનને રોકી
જાતિવાદી તત્વોએ જાનૈયાઓને ધમકી આપીને કહ્યું કે અમારી શેરીઓમાં જાન નહીં નીકળે. એમ કહીને તેમણે ડીજે બંધ કરાવી દીધું અને વરરાજાના પરિવારને પણ ધમકી આપી. જાતિવાદીઓની ધમકીએ લગ્નમાં આવેલા મહેમાનોમાં ખળભળાટ મચાવી દીધો. બંદૂકની બીક બતાવી જાતિવાદીઓએ દલિત દીકરીની જાનને પાછી વળવા મજબૂર કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં જાતિવાદીઓ જાનૈયાઓ સાથે દુર્વ્યવહાર કરતા અને ધમકાવતા જોવા મળ્યા હતા.

દલિત પરિવારે ફરિયાદ નોંધાવી
આ ઘટનાથી દુઃખી થયેલા દલિત પરિવારે સિરૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે જાનને રોકવાનો પ્રયાસ અગાઉ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે તેની અવગણના કરી હતી. જાતિવાદી તત્વોની આ હરકત કોઈ ઊંડા જાતિવાદી તિરસ્કાર તરફ ઈશારો કરે છે. ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી હતી.

પોલીસે ફક્ત એક શખ્સની ધરપકડ કરી
આટલી મોટી ઘટના ઘટી તેમાં પોલીસે માત્ર એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું કહેવાય છે. જે ઘટનાઓ વીડિયો વાયરલ થયેલો છે, તેમાં પોલીસે ફક્ત એક વ્યક્તિની ધરપકડ કરી તે જ બચાવે છે કે, પોલીસ જાતિવાદી તત્વોની તરફેણમાં કામ કરી રહી છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે આ કેસમાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે ગામમાં પોલીસ ફોર્સ તૈનાત કરી છે જેથી કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી શકાય.

ગામમાં પરિસ્થિતિ તંગ બની, ગમે ત્યારે હુમલાની શક્યતા
આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં દલિતો, સવર્ણો વચ્ચે માહોલ તંગ બન્યો છે. સ્થિતિ ગમે ત્યારે વણસી શકે તેમ હોવાથી પોલીસ સતર્ક છે. દલિત સમાજના લોકોમાં ભય અને રોષ છે. સ્થાનિક સામાજિક સંગઠનોએ આ ઘટનાની સખત નિંદા કરી છે અને આરોપીઓને તાત્કાલિક સજા કરવાની માંગ કરી છે. દલિત પરિવારે જાનને ફરીથી કાઢવા અને લગ્નની વિધિઓ પૂર્ણ કરવા માટે વહીવટીતંત્ર પાસેથી સુરક્ષાની માંગ કરી છે. આ ઘટના ફરી એકવાર યુપીમાં જાતિગત ભેદભાવ અને જાતિવાદી તત્વોની દાદાગીરીને સામે લાવી દીધી છે. જોવાનું એ રહે છે કે વહીવટીતંત્ર આ કેસમાં કેટલી ઝડપથી અને અસરકારક રીતે દલિત પરિવારને ન્યાય આપે છે.

આ પણ વાંચોઃ દેત્રોજના ડાંગરવા ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત દીકરીની જાનનો વરઘોડો નીકળ્યો


Khabarantar.com ના બહુજન સમાજને સમર્પિત સમાચારોની નિયમિત અપડેટ મેળવવા માટે અમારી વોટ્સએપ ચેનલને ફોલો કરો. અહીં ક્લિક કરો.