CID અને 100 જેટલી પોલીસ વચ્ચે પહેલીવાર દલિત યુવકનો વરઘોડો નીકળ્યો
જાતિવાદી તત્વો 80 વર્ષથી દલિતોને ગામમાં વરઘોડો કાઢવા નહોતા દેતા. એક દલિત યુવકે હિંમત કરી અને જાતિવાદી તત્વોનું નાક કાપી લીધું.

ભારતમાં જાતિવાદી તત્વો હજુ પણ કઈ હદે છાકટા થઈને ફરે છે તેનું વધું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. જાતિવાદ અને મહિલા અત્યાચારો માટે કુખ્યાત રાજસ્થાનમાં ખૈરથલ-ભિવાડીમાં 80 વર્ષ બાદ એક દલિત વરરાજાએ ઘોડી પર બેસીને ગામમાંથી વરઘોડો કાઢ્યો. જાતિવાદી તત્વોની બીક એટલી બધી હતી કે 8-8 દાયકાથી અહીં કોઈ દલિતે વરઘોડો કાઢવાની હિંમત નહોતી કરી. પરંતુ એક દલિત યુવકે આ હિંમત બતાવી અને પોલીસ સુરક્ષા માંગી. એ પછી બે પોલીસ સ્ટેશનના 100થી વધુ પોલીસના જાપ્તા અને સીઆઈડીના અધિકારીઓની હાજરીમાં પહેલીવાર દલિત યુવકનો વરઘોડો ગામ વચ્ચેથી નીકળ્યો હતો. એ રીતે જાતિવાદી તત્વોને બંધારણની તાકાત અને તેમની હેસિયતનું પોલીસે ભાન કરાવ્યું હતું. આ સાથે જ આ ગામમાં 80 વર્ષથી કોઈ દલિત વરઘોડો ન કાઢી શક્યો તે ઘટનાક્રમ પણ તૂટ્યો હતો.
દલિત યુવકે હિંમત દાખવી અને ઈતિહાસ રચાયો
ઘટના ખૈરથલ ભિવાડીના લાહડોદ ગામની છે. જ્યાં પહેલીવાર કોઈ દલિત વરરાજા ઘોડી પર બેસીને નીકળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લાહડોદ ગામના દલિત યુવક આશિષ (23 વર્ષ)ના ગઈકાલે રાત્રે લગ્ન થયા હતા. આ ગામના કોઈ દલિતે હજુ સુધી તેના લગ્નમાં ઘોડી પર બેસીને વરઘોડો નહોતો કાઢ્યો. કેમ કે, ગામના ચોક્કસ જાતિના લોકોની ભારે દાદાગીરી ચાલતી હતી. તેઓ એમ સમજતા હતા કે ઘોડી પર બેસીને વરઘોડો કાઢવો માત્ર તેમના બાપદાદાનો જ અધિકાર છે અને દલિતો તેવું ન કરી શકે. પરંતુ આશિષ આ પરંપરાનો અંત લાવવા મક્કમ હતો. જો કે, આશિષના પરિવારના સભ્યો તેના આ નિર્ણયથી ડરી ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે પોલીસની મદદ માંગી હતી. એ પછી જે થયું તે ઈતિહાસ છે.
બે પોલીસ સ્ટેશનનો જાપ્તો ગોઠવાયો, સીઆઈડી પણ હાજર
આશિષ અને તેનો પરિવાર દાયકાઓથી ગામમાં જાતિ ભેદભાવને કારણે ચાલી આવતી આ પરંપરાને ખતમ કરવા માગતો હતો. પરંતુ તેમને ડર હતો કે ગામના જાતિવાદી તત્વો આની સામે વાંધો ઉઠાવશે. આથી તેણે કોટકાસીમ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ કોટકસિમ અને કિશનગઢબાસ પોલીસ સ્ટેશનના અધિકારી જિતેન્દ્ર સિંહ અને ભિવાડી CID ઈન્ચાર્જ પ્રીતિ રાઠોડે ભારે પોલીસ ફોર્સ સાથે ગામમાં ચાર્જ સંભાળ્યો હતો. જે બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પહેલીવાર દલિત વરરાજા આશિષનો વરઘોડો નીકળ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. એ રીતે આઠ દાયકાથી ચાલતી જાતિવાદી તત્વોની દાદાગીરી સોંસરી નીકળી ગઈ હતી. એટલું જ નહીં તેમની ધાક પણ નીકળી ગઈ હતી. પોલીસે તેમને ડો. આંબેડકરના બંધારણની તાકાતનું ભાન કરાવ્યું હતું.
વરરાજાના પરિવારે કહ્યું- સમાનતા માટે આ પગલું ભર્યું
વરરાજાના પરિવારે કહ્યું કે આ પગલું માત્ર તેમના માટે જ નહીં પરંતુ સમસ્ત દલિત સમાજમાં સમાનતા અને સન્માનની નવી લહેર પેદા કરવા માટે લેવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસનો સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ હતો. તેમણે ખરેખર ખૂબ પ્રસંશનીય કામગીરી કરી હતી.
પોલીસ સ્ટેશનના અધિકારી નંદલાલ જાંગીડે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા ફરિયાદ મળી હતી. એ પછી તાત્કાલિક પગલા લીધા અને દલિત યુવકને વરઘોડો કાઢવામાં કોઈ સમસ્યા ન નડે અને માથાભારે તત્વો તેને કનડે નહીં તેની તકેદારી રાખી હતી. આખરે બધું શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું.
આ ઘટના પરથી એ પણ સાબિત થાય છે કે, પોલીસ જો જાતિવાદી તત્વોને છાવરે નહીં અને માત્ર કાયદો કાયદાની રીતે કામ કરે તો પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જાય તેમ છે. જરૂર માત્ર મજબૂત ઈચ્છાશક્તિની છે.
આ પણ વાંચો: રાજકોટના રામોદમાં વરકન્યા ઊંધા ફેરા ફરી સ્મશાનમાં લગ્ન કરશે