6 વર્ષના દલિત વિદ્યાર્થી પાસે શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીની ઉલ્ટી સાફ કરાવી
બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી આ ઘટનાથી હતપ્રભ થઈ ગયો છે અને શાળાએ જતા ડરે છે. શિક્ષિકા સામે કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થિની માતાએ પોલીસ ફરિયાદ કરી છે.

કેરળ (Kerala) ના ઇડુક્કી (idukki) જિલ્લાના સ્લીવામાલા સ્થિત સેન્ટ બેનેડિક્ટ્સ એલપી સ્કૂલમાં જાતિગત ભેદભાવ (Caste discrimination) નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક છ વર્ષના દલિત વિદ્યાર્થી (dalit student) પાસે શિક્ષિકા (teacher) એ તેના સાથી વિદ્યાર્થિની ઉલ્ટી સાફ કરાવી (clean up vomit) હતી. આ મામલાની જ્યારે વિદ્યાર્થીની માતાને ખબર પડી તો તેણે શાળાના આચાર્ય અને શિક્ષણ વિભાગને ફરિયાદ કરી, તેમ છતાં શિક્ષિકા સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી ન હતી, જેના કારણે વિદ્યાર્થીના માતાપિતાએ પોલીસ ફરિયાદ કરી છે.
ઘટના 13 નવેમ્બરની છે. અહીં બીજા ધોરણમાં ભણતા પ્રણવ સિજોયને તેની ક્લાસ ટિચર મારિયા જોસેફે આખા ક્લાસ સામે અપમાનિત કરીને તેના બીમાર ક્લાસમેટની ઉલ્ટી સાફ કરવા કહ્યું હતું, જેના કારણે સિજોય ખૂબ જ આઘાતમાં આવી ગયો છે.
સિજોયની માતા પ્રિયંકા સોમણના જણાવ્યા અનુસાર, ક્લાસમાં એક બીમાર બાળકને ઉલ્ટી થયા બાદ શિક્ષિકા પહેલા તમામ વિદ્યાર્થીઓને ગંદકી પર રેતી નાખવા કહ્યું હતું. એ પછી ફરી ક્લાસ શરૂ થયો હતો. પરંતુ એ પછી શિક્ષિકાએ પ્રણવને એકલાને ગંદકી સાફ કરવા કહ્યું હતું.
જ્યારે પ્રણવે કહ્યું કે તે ભણવા માંગે છે અને ગંદકી સાફ નહીં કરે, ત્યારે શિક્ષિકાએ ગુસ્સે થઈને તેને ઠપકો આપી અપમાનિત કરી ઉલટી સાફ કરવા મજબૂર કર્યો હતો. પ્રણવે ડરના માર્યા ધ્રૂજતા ધ્રૂજતા ઉલ્ટી સાફ કરી હતી. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ બેંચ પર બેસીને ભણી રહ્યા હતા.
એ દરમિયાન પ્રણવના મિત્ર નિકેતે કહ્યું કે, તે પ્રણવને મદદ કરવા માંગે છે, તો શિક્ષિકાએ તેને ના પાડતા કહ્યું કે, આ કામ ફક્ત પ્રણવ જ કરશે.
આ ઘટના બાદ પ્રણવ સ્કૂલે જતા ડરવા લાગ્યો હતો. તેની માતા પ્રિયંકાને લાગ્યું કે પ્રણવ લેશન કર્યું નહીં હોય એટલે આવું કરી રહ્યો છે. પણ તપાસ કરતા તેને આ ઘટનાની જાણ થઈ હતી. એ પછી તરત તેણે સ્કૂલ મેનેજમેન્ટને આ મામલે ફરિયાદ કરી હતી. પણ પ્રિન્સિપાલે માત્ર શિક્ષિકાને ઠપકો આપીને માફ કરી દીધી હતી. એ પછી પ્રણવની માતાએ શિક્ષણાધિકારીને ફરિયાદ કરી, પરંતુ ત્યાં પણ કોઈ કાર્યવાહી ન કરાઈ. આથી તેણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે.
વિદ્યાર્થી પ્રણવની માતા પ્રિયંકા કહે છે, “છ વર્ષના બાળક માટે આ એક આઘાતજનક અનુભવ છે, શિક્ષિકાને એક બાળકને આવું કામ કરવા માટે દબાણ કરવાનો કોઈ હક નથી. શાળામાં સફાઈ માટે સફાઈ કર્મચારીઓ હોય છે. આ સ્પષ્ટ રીતે જાતિવાદનો મામલો છે."
આ ઘટનાથી દલિત અધિકાર કાર્યકરો અને વાલીઓમાં પણ રોષ છે. અનેક લોકોએ શિક્ષણ વિભાગની કાર્યવાહી ન કરવા બદલ ટીકા કરી છે. એક્ટિવિસ્ટોનું કહેવું છે કે, સ્કૂલ મેનેજમેન્ટની નિષ્ક્રિયતા જાતિ આધારિત ભેદભાવ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે. આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ. જો શિક્ષિકા દોષિત ઠરે તો તેને બરતરફ કરવી જોઈએ. પરંતુ ફરિયાદ કરવા છતાં મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ બ્રાહ્મણ શિક્ષકોએ દલિત વિદ્યાર્થી અને તેના ભાઈ પાસે પગ ધોવડાવી, માફી મગાવી